ઘોડિયામાં સૂતેલા બાળકે સૌ પ્રથમ જોયેલું-જાણેલું પક્ષી એટલે ઘરઆંગણે ચીં - ચીં કરતી ચકલી. બાળક થોડુંક મોટું થાય એટલે દાદીને કહે કે, મને ચકીબેનની વાર્તા તો સંભળાવો…અને 'ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો, ચકી બેને ખીચડી રાંધી…' એ વાર્તા સાંભળે. બાળક મોટું થાય એટલે ચકીબેનને પેલા ગીત સાથે રમવા પણ બોલાવે 'ચકીબેન, ચકીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં...પરંતુ હવે ચકલીઓ ઓછી થતી જાય છે. મોટાં શહેરોમાં તો સાવ લુપ્ત થઈ ગઈ છે. આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના શંભુભાઈની. જેમના દ્વારા ચકલી બચાવવા માટેનું ચાલી રહેલું અભિયાન આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે.
વરસાદમાં ચકલીનું ઘર તૂટ્યું અને લાકડાના ઘર બનાવવાની શરૂઆત કરી
પક્ષી પ્રેમી શંભુભાઈ કહે છે, પ્રકૃતિએ આપણને ઘણું આપ્યું છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. ચકલી બચાવવાના પોતાના અભિયાન વિશે વાત કરતા શંભુભાઈ જણાવે છે કે 'ચીં…ચીં…ચીં.. કરતી ચકલીઓના મધુર અવાજથી મારું ઘરઆંગણું ગુંજી ઊઠતું કારણ મારા ઘરઆંગણે પૂંઠાના બનાવેલા ચકલીઘરમાં ચકલીએ માળો બનાવ્યો હતો. રોજે સુથારી કામના વ્યવસાય પર નીકળું એ પહેલાં મારી નજર એ ચકલીઘર પર પડતી. કિલ્લોલ કરતી ચકલીઓને જોઈ મને પણ આનંદ થતો. પરંતુ એક દિવસ એવું બન્યું કે વરસાદના કારણે પૂંઠામાંથી બનાવેલ ચકલીઘર ભીંજાઈ ગયું અને આખરે તૂટી ગયું! ચકલીએ બનાવેલ એ માળો અને માળામાં રહેલાં ઈંડાં નીચે પડી ગયાં અને તૂટી ગયાં. આ જોઈને મારું મન કકળી ઊઠ્યું અને મેં નક્કી કર્યું કે હવે ચકલીઓ માટે પૂંઠાનું નહીં પરંતુ લાકડાનું મજબૂત ચકલીઘર બનાવીશ અને વિનામૂલ્યે વિતરણ પણ કરીશ.'
પોતાના વ્યવસાયમાંથી બે કલાક કાઢી બનાવે છે ચકલીઘર
શંભુભાઈ પોતાના ધંધામાંથી સમય કાઢીને બે કલાક ચકલીઓ માટે લાકડાનાં ઘર બનાવે છે. આ ઘર મજબૂત અને ટકાઉ છે. વરસાદ- ઠંડી -ગરમીથી ચકલીઓને રક્ષણ આપે છે. આ ચકલીઘરની આવરદા 10થી 12 વર્ષની છે. વર્ષ 2024 સુધીમાં 51,000 ચકલીઘરનું વિતરણ કરવાનો નિર્ણય કરતા શંભુભાઈએ અત્યાર સુધીમાં આવાં 40 હજારથી વધુ ચકલીઘરનું વિતરણ કર્યું છે.
ચકલીઘરના આ અભિયાનમાં લોકોએ પણ ઉત્સાહપૂર્વક સાથ-સહકાર આપ્યો
શંભુભાઈએ શાળા, મંદિરો, ઘરો તેમજ વિવિધ સ્થળોએ વિનામૂલ્યે ચકલીઘર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું. શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાઓએ ચકલી પાછી આવવા લાગી. જ્યાં ઘણા સમયથી લોકોએ ચકલીઓ નહોતી જોઈ ત્યાં પણ ફરી ચકલીઓ દેખાવા લાગી. લોકો તરફથી પણ તેમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો અને લોકો જન્મદિવસની ઉજવણી અને શ્રદ્ધાંજલિ જેવા પ્રસંગે શંભુભાઈ પાસેથી ચકલીઘર બનાવડાવા લાગ્યા. શંભુભાઈનો નિર્ધારિત કાર્યમાં સહકાર મળ્યો. ક્લબના સભ્યો, પક્ષીપ્રેમીઓ, નામાંકિત સંસ્થાઓની મદદથી વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરવામાં પણ મદદ મળી. શાળા, કોલેજ, બાગબગીચા તેમજ મંદિર જેવા સ્થળ પર જાતે જઈને ચકલીઘર બાંધતા પ્રકૃતિ પ્રેમી શંભુભાઈ કહે છે કે, 'બધાના સહકારથી આપણે આ લુપ્ત થતી ચકલીઓને બચાવી શકીશું. લીલાછમ વૃક્ષો પર પક્ષીઓનો કલરવ આપણો વૈભવ છે. પક્ષીઓનું ઘર વૃક્ષ છે. વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે ત્યારે પર્યાવરણનું જતન કરવું જોઈએ. લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિ બચાવવા ઘરઆંગણા સહિતનાં સ્થળો પર ચકલીઘર લગાવવા જોઈએ. જેથી ચકલી જેવાં નાનાં પક્ષીઓને વરસાદ, ઠંડી-ગરમી અને તીવ્ર પવન સામે રક્ષણ મળી રહે અને તેમની સંખ્યા ઘટતી અટકે.
દર વર્ષે 5000 ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરે છે
છેલ્લાં 10 વર્ષમાં 40 હજારથી વધુ ચકલીઘરનું વિતરણ કરતા શંભુભાઈ દર વર્ષે 5,000 જેટલાં ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરે છે. ચકલીઘર લેવા આવનારા વ્યક્તિને નિઃશુલ્ક આપે છે. પરંતુ જો વધુ સંખ્યામાં ચકલીઘર કોઈને જોઈતા હોય તો માત્ર નજીવા થતા ખર્ચના પૈસા લઈ ચકલીઘર આપે છે. આ ઉપરાંત શંભુભાઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવા માટેનું પાણી અને ચણ મળે તે માટે મોબાઈલ ચબૂતરા તેમજ પાણીના કુંડ બનાવીને લોકોને આપી રહ્યા છે. શંભુભાઇ લોકોને પણ ચકલી અને પક્ષી સંરક્ષણના આ સેવાકીય કાર્યમાં જોડાવા અપીલ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષીઓના સંરક્ષણ માટે સરકાર દ્વારા પણ અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે.
20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ
ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના મોહમ્મદ દિલાવરભાઈએ 'નેચર ફોર એવર સોસાયટી ઓફ ઈન્ડિયા'ની સ્થાપના કરી હતી. ફ્રાંસની ઈકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વનાં અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોર એવર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પ્રેરણાદાયક પહેલ છે. આ પહેલ અંતર્ગત સૌ પ્રથમ વર્ષ-2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.