સુરેન્દ્રનગરથી:વેરાન રણ હજારો વિદેશી પક્ષીઓના ઝુંડ અને દુર્લભ ઘૂડખર માટે અનોખો આશરો, ઘૂડખર રણનું આગવુ ઘરેણું

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર ઘોષિત કર્યો
  • અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી એડ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વિક્રમજનક વધારો

ઉનાળે ઉજ્જડ થતા સ્વાગત કરતા યજમાન જેવા એક વયક્ત વૈરાગ બાગ જેમાં કોઇ અંધજન લાકડી વિના માઇલો સુધી ચાલ્યા જ કરે તોય મંઝીલ મળે નહીં એવી સપાટ અનોખી ભોમકા એટલે વેરાન રણ. અહીં એકવાર અનુભવ કર્યે જ ખબર પડે કે રાત્રે તો ઠીક પરંતુ અહીં તો દિવસેય ભૂલા પડી જવાય? વાહન હોય તો બળતણ અને માનવીને શ્વાસ ચાલે ત્યાં સુધી મંઝીલ મળે નહીં એવા વેરાન રણમાં રણનો પવનવેગી દોડવીર જાદુગર 'ઘૂડખર'એ રણનું આગવું ઘરેણું બન્યો છે. ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર ઘોષિત કર્યો હતો.

વર્ષ 1978માં કચ્છના મોટા રણનો થોડો ભાગ ઉમેરીને કુલ 4953.71 ચો.કિ.મી.વિસ્તાર રણનું વિશિષ્ટ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભયારણ્યના નામે રક્ષિત કરવામાં આવ્યું હતુ. રણની આગવી વિશિષ્ટતા ગણાતા અને રણનો પવનવેગી દોડવીર જાદુગર ગણાતા ઘૂડખરની ઉંચાઇ સામાન્યત: 110થી 120 સે.મી. અને લંબાઇ 210 સે.મી.હોય છે. જ્યારે એનું વજન 200થી 250 કિ.ગ્રા. અને આયુષ્ય 20 વર્ષનું હોય છે. 50થી 60 કિ.મી.ના ઝડપે દોડતા આ ઘૂડખરને દોડતું જોવુ એ જ જીવનના એક લ્હાવા સમાન છે. રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા અને રણનું આગવું ઘરેણું ગણાતા એવા દુર્લભ ઘૂડખરની છેલ્લે યોજાયેલી ગણતરી અનુસાર વસ્તી અધધ 37%થી વધીને હાલમાં 6082એ પહોંચી હતી.

કચ્છના નાના રણમાં જોવા મળ્યાં એકસાથે 30 હજાર વિદેશી પક્ષીઓના ઝુંડ
દર વર્ષે ચોમાસામાં વરસાદ બાદ રણમાં પુષ્કળ પાણી આવતા રણ મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. ત્યારે વેરાન રણમાં હજારો કિમી દૂર સાયબિરીયાથી વિવિધ પ્રકારના કૂંજ, પેલીકન અને ફ્લેમીંગોએ પડાવ નાખે છે. માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ એવુ વેરાન રણ વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ચોમાસું અને શિયાળો ગાળવા આ વિદેશી પક્ષીઓના ઝુંડે રણમાં ધામા નાખતા પક્ષી પ્રેમીઓ ઝુમી ઉઠ્યા હતા. હાલમાં માનવીય ખલેલથી પર એવા કચ્છના નાના રણમાં જોવા મળ્યાં એકસાથે 30000 વિદેશી પક્ષીઓના ઝુંડ જોવા મળતા પક્ષી પ્રેમીઓ ઝુમી ઉઠ્યાં છે.

વેરાન રણ બન્યું સુરખાબ પક્ષીઓનું અનોખું મેટરનીટી હોમ
કચ્છના નાના રણમાં અસ્તિત્વમાન 74 જેટલા બેટ, માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પક્ષીઓને પુરા પાડે છે. દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર સહિત સુરખાબ જેવા પક્ષીઓ ચોમાસુ અને શિયાળો ગાળવા વેરાન રણના મોંઘેરા મહેમાન બને છે. અને આ સુરખાબ પક્ષીઓ રણમાં અનોખી લાઇનબધ્ધ માળા વસાવત બનાવી એમાં ઇંડા મૂકી સંવનન બાદ બચ્ચાઓને જન્મ આપે છે. પછી રણમાં જ એમને ઉડતા શીખવાડી શીયાળા બાદ સામુહિક ઉડાન સાથે વિદાય લે છે. ઝીંઝુવાડા રણનું સુરખાબ પક્ષીઓનું અનોખું મેટરનીટી હોમની દુર્લભ તસવીર.

અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી એડ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વિક્રમજનક વધારો
રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરોએ પ્રવાસીઓમાં ગજબનું ઘેલુ લગાડ્યું છે. હાલમાં દિવાળી વેકેશનમાં રણમાં સ્થાનિક પ્રવાસીઓની સાથે સાથે વિદેશી પર્યટકોએ પડાવ નાખ્યો છે. ખારાઘોઢા રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરો અને વિદેશથી મહાલવા આવતા નયન રમ્ય પક્ષીઓના ઝુંડે પ્રવાસીઓમાં ગજબનું ઘેલુ લગાડ્યુ છે. રણમાં ઘૂડખર સહિત નિલગાય, નાવર, વરૂ, રણ લોંકડી, કાળીયાર અને ચિંકારા સહિતના સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. વધુમાં સદિના મહાનાયક અમિતાભ બચ્ચનની રણના ઘૂડખર અને વિદેશી પક્ષીઓ સાથેની 'ખુશ્બુ ગુજરાત કી' એડ કેમ્પેઇન બાદ આ દુર્લભ રણવિસ્તારે વિશ્વફલક સુધી નામના મેળવી છે.