મૂળીનાં સરા ગામનાં 70 વર્ષીય વડીલ યુવાનોને શરમાવે તેમ સરા મોરબી રોડ પર આવેલ તળાવ પાસે 400થી વધારે વૃક્ષ વાવી તેનું જતન કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં હરિયાળી પાથરી અનોખી કામગીરી કરી રહ્યા છે. અને સાથે પંખીઓ માટે પાણીનાં કુંડાં અને વટેમાર્ગુ માટે ઠંડાં પાણીની પરબ શરૂ કરી ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
હાલનાં સમયમાં અન્ય માટે કામગીરી કરવાનો કોઇની પાસે સમય જ નથી. લોકો હાલમાં પોતાનાં સ્વાર્થ ખાતર અન્ય લોકોની પણ પરવા કરતા નથી ત્યારે સરાનાં વયો વૃધ્ધ નિ:સ્વાર્થભાવે વૃક્ષોનું જતન કરી અનોખું જીવન જીવી રહ્યા છે. મૂળી તાલુકાનાં સરા ગામે રહેતા વડીલ યુવાનોને પણ શરમાવે તેવી કામગીરી કરતા જગજીવનભાઇ અંબારામભાઇ વરમોરા સમગ્ર વિસ્તારમાં અનોખું કામ કરી રહ્યા છે.
જગજીવનભાઇ વરમોરા દ્વારા સરા મોરબી રોડ પર આવેલ તળાવનાં કાઠે વર્ષો જૂના બાવળો અને ગંદકી દૂર કરી હાલ 400થી વધારે વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરી સમગ્ર વિસ્તારમાં હરિયાળી ફેલાવી રહ્યાં છે અને સાથે સાથે પાણીનાં કુંડાં અને વટેમાર્ગુ માટે ઠંડા પાણીની પરબ પણ શરૂ કરી જીવદયાની કામગીરી કરી અનોખું ઉદાહરણ પૂરું પાડી અન્યને પણ સેવા કરવા પ્રેરી રહ્યા છે.
આ અંગે ગામનાં અગ્રણી અરવિંદભાઇ વરમોરા, બળદેવભાઇ પટેલે જણાવ્યું હતું કે અહીં ઘણા સમયથી જગજીવનભાઇ વરમોરા દ્વારા વૃક્ષો વાવી તેનું નાના બાળકની જેમ ઉછેરવામાં આવી રહ્યા છે તેમજ અહીં પાણીનાં કુંડાં મુકી અબોલ પક્ષીઓને પાણી પીવડાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.