ભૂમિપૂજન:136 કરોડનાં ખર્ચે 100 બેડની આર્યુવેદ હોસ્પિટલ, કોલેજ બનશે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર શહેરમાં સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિ પૂજન કાર્યક્રમ કેન્દ્રિય આયુષમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં રવિવારે યોજાયો હતો. આ પ્રસંગે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે રૂ. 136 કરોડના ખર્ચે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની આર્યુવેદિક હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરવામાં આવશે. વિવધ રોગોના અલગ-અલગ 9 વિભાગોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. જેનો લાભ સુરેન્દ્રનગર અને આસપાસના જિલ્લાને મળશે. અને જિલ્લાના બાળકો નજીવી ફી ભરીને આયુર્વેદનું શ્રેષ્ઠ શિક્ષણ અહી મેળવી શકશે. જ્યારે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે લીંબડી ખાતે 100 બેડની હોમિયોપેથિક હોસ્પિટલ બાદ સુરેન્દ્રનગર ખાતે 100 બેડની આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ સ્થપાઈ રહી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોતમભાઈ સાબરીયા, નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, સુરસાગર ડેરી ચેરમેન બબાભાઈ ભરવાડ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, વર્ષાબેન દોશી, અંગત સચિવ અમૃતેષ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, આયુષ નાયબ સચિવ સ્નેહલ ભાટકર, જિલ્લા મુખ્ય આયુર્વેદ અધિકારી મનોજ તારવાણી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

9000 કરોડનાં MoU કરાયા: કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું કે, ચીન સહિતનાં પ્રતિસ્પર્ધીઓને માત આપી વડ઼ાપ્રધાનનાં માર્ગદર્શન હેઠળ જામનગર ખાતે દુનિયાનું પ્રથમ અને WHO દ્વારા પ્રમાણિત એવું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન નિર્માણ પામશે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં 9000 કરોડનાં એમઓયુ કરાયા હતા. દેશની 23 એઈમ્સમાં આયુષ વિભાગની શરૂઆત કરાઈ છે.

12 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોનું ઈ-લોકાર્પણ

મૂળી તાલુકાના લિયા અને સરલા, ધ્રાંગધ્રા તાલુકાના સોલડી, ધ્રુમઠ અને સુલતાનપુર, ચોટીલા તાલુકાના કાળાસર, લખતર તાલુકાના નાના અંકેવાળિયા, ડેરવાળા, સાયલા તાલુકાનાં ધજાળા, વઢવાણ તાલુકાનાં ગુંદિયાળા તેમજ પાટડી તાલુકાના એરવાડા અને દેગામ સહિતનાં 12 ગામોમાં નિર્માણ પામેલ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોનું ઈ-લોકાર્પણ કેન્દ્રિયમંત્રીનાં હસ્તે કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...