કાર્યવાહી:ઓક્ટોબરમાં રોજ 90 લોકોનો ટ્રાફિક નિયમનો ભંગ; રૂ. 9.22 લાખનો દંડ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ભંગ  કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ. - Divya Bhaskar
સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ.
  • 17 વાહન ડિટેઇન કરી 42,300નો દંડ: સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારોમાં 2813 સામે કેસ

ઓક્ટોબર-2022ના માસમાં સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 17 વાહનો ડિટેઇન કરાયા હતા.અને જુદા જુદા નિયમોના ભંગના 2813 લોકો સામે કેસ કરીને રૂ. 9.22 લાખનો દંડ વસૂલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે જિલ્લા પોલીસવડા હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શનથી કાર્યવાહી કરાઇ રહી છે.

તેમ છતા સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો લોકો ભંગ કરી રહ્યા છે. આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, હેન્ડલુમચોક, ટાવર રોડ, બસ સ્ટેશન તેમજ જોરાવરનગર અને રતનપર, જવાહર રોડ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, ટાંકીચોક, પતરાવાળી, ગેબનશાપીર સર્કલ, સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઓકટોબર-2022 એટલે કે છેલ્લા એક માસમાં દરરોજ 90 થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા. જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા 2567 લોકોને હાજર દંડ રૂ. 8,60,500 કરાયો હતો.

આ ઉપરાંત 17 જેટલા વાહનચાલકોના વાહનો ડિટેઇન કરીને 42,300નો દંડ વસૂલાયો હતો. લારી, પાથરણાવાળા સહિતના 180 લોકો સામે કાર્યવાહી કરી રૂ. 18,000નો દંડ કરાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા 15 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. 1500નો દંડ કરાયો હતો. આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના, ટ્રાફિકને અડચણરૂપ લારી,રિક્ષા, પાથરણાવાળા તેમજ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવવુ વગેરે જેવા 34 લોકો સામે કેસ કરાયા હતા. આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 2813 લોકોને રૂ. 9,22,300નો દંડ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...