જિલ્લામાં બુધવારે કોરોનાના 34 કેસ નોંધાયા હતા જ્યારે મૂળીના ખંપાળિયા ગામના 9 વર્ષના બાળકનું કોરોનાનો પૉઝિટિવ રીપોર્ટ આવ્યાના માત્ર 12 કલાકમાં જ મૃત્યુ થયું હતું. જિલ્લામાં 144 દિવસ પછી કોરોનાથી મૃત્યુ નોંધાયું છે. અગાઉ 14 મે, 2021એ 1 દર્દીનું મૃત્યુ થયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે બુધવારે કુલ 34 કેસ નોંધાતાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 157 પર પહોંચી ગયો છે. બુધવારે પણ વઢવાણમાં સૌથી વધુ 19 કેસ નોંધાયા હતા. આ સિવાય ધ્રાંગધ્રા, લખતર, મૂળી, થાન અને લીંબડીમાં કેસ નોંધાયા છે. જોકે ચોટીલા, ચુડા, પાટડી અને સાયલામાં એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ કેટલાક સમયથી મૂળી તાલુકામાં કોરોનાના કેસો ન હોવાથી લોકો બેદરકારીભર્યું કામ કરતાં જોવા મળતા હતા. અને સરકારી સહિત અન્ય કચેરીઓમાં પણ કોરોના ગાઇડલાઇનનો ઉલાળિયો જોવા મળતો હતો ત્યારે અને આરોગ્ય વિભાગ પણ કુંભકર્ણ નિદ્રામાં સૂતું હતું. ત્યારે 24 કલાકમાં જ 5 જેટલા કેસ આવતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.
મૂળીના ખંપાળિયા ગામે રહેતા વનરાજભાઈ ધીરૂભાઈ જેબલિયાના ધોરણ 4માં અભ્યાસ કરતા 9 વર્ષીય પુત્ર સત્યરાજને 4 દિવસ પહેલાં માથાનો દુખાવો થતાં સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. 3 દિવસની સારવાર બાદ કોરોનાનો ટેસ્ટ કારવતાં રીપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. સારવાર ચાલતી હતી ત્યારે રીપોર્ટ આવ્યાના 12 કલાકમાં જ સત્યરાજનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ અંગે મૃતકના મામા પોલભાઈ કરપડાએ જણાવ્યું હતું કે 4 દિવસ પહેલાં સત્યરાજને માથામાં દુખાવો થતાં સુરેન્દ્રનગર દાખલ કરાયો હતો. બાદમાં મગજનું ઓપરેશન કરવાનું હતું, તેના માટે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ઓપરેશન થિયેટરમાં લઈ જાય તે પહેલાં રીપોર્ટ પૉઝિટિવ આવતાં ઓપરેશન થિયેટરના બદલે અન્ય વોર્ડમાં લઈ જવાયો હતો. જ્યાં 12 કલાકમાં જ સત્યરાજનું અવસાન થયું હતું. આ અંગે તાલુકા હૅલ્થ ઑફિસર દર્શન પટેલે જણાવ્યું હતું કે મોત વિશે હું કાંઈ જ વિગત નહીં આપી શકું પરંતુ હાલ ખંપાળિયા સહિત મૂળીનાં ગામોમાં 2 ધન્વંતરિ રથ થકી સરવે સહિત કામગીરી કરવામાં આવી રહી છે.
થાનમાં નિયમોનું પાલન કરાવવા પોલીસની ડ્રાઇવ
જિલ્લામાં વધતા કેસને ધ્યાને લઈ પ્રાંત અધિકારીની સૂચનાથી થાન પીઆઇ એચ. એચ. ગોરી અને પોલીસ ટીમે થાનમાં ખાસ ડ્રાઇવ યોજી હતી, જેમાં શાકમાર્કેટ વિસ્તાર, મેઇન બજાર, શક્તિ મૉલ, નેશનલ કાંટા સહિતના વિસ્તારોમાં ફરી લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરાઈ હતી. જ્યારે લોકોને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચના આપી વાહનચાલકો, દુકાનદારો સહિતને માસ્કનું વિતરણ કરી નિયમના પાલનની સૂચના અપાઈ હતી. જ્યારે નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો, વેપારીઓ સહિતના લોકો પાસેથી રૂ. 9 હજારનો દંડ વસૂલાયો હતો.
65 કેન્દ્ર પર બુધવારે 7720 સાથે કુલ 25.44 લાખ લોકોનું રસીકરણ
બુધવારે 65 કેન્દ્ર પર 7720 લોકોએ રસી મુકાવતાં જિલ્લામાં 12,88,874ને પ્રથમ અને 12,49,693ને બીજા ડોઝ સાથે કુલ 25,44,765 લોકોને રસી અપાઈ હતી. જિલ્લામાં 13,51,516 પુરુષ અને 11,86,640 મહિલાએ કોવિશિલ્ડની 22,00,999 અને કોવેક્સિનના 3,43,766 ડોઝ લીધા છે. 15-17ની વયજૂથના 52,186, 18-44 વયજૂથના 15,59,215, 45-60ની વયજૂથના 5,91,690 અને 60થી ઉપરની વયના લોકોનો આંક 3,41,674 પર રહ્યો હતો.
અંતિમવિધિમાં આરોગ્ય ટીમનો એક પણ માણસ હાજર નહીં
કોરોનાથી મૃત્યુ થાય તો આરોગ્ય ટીમ પીપીઇ કિટ સહિતની કાળજી રાખી અંતિમવિધિ કરવાનો આદેશ છે છતાં સત્યરાજની અંતિમવિધિ ટાણે ખંપાળિયામાં આરોગ્ય વિભાગનો એક પણ કર્મચારી જોવા મળ્યો નહોતો, જેથી પરિવારજનોએ નોર્મલ રીતે અંતિમ કરવી પડી હતી.
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જાન્યુઆરીની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું પરંતુ કોરોના વાઇરસના વધતા કેસ અને પરિસ્થિતિને ધ્યાને લઈ આ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.