સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે થતા ખનીજ ખનનને પકડવા માટે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, વઢવાણ તેમજ લીંબડી સાયલા હાઇવે પરથી 9 વાહનો સાથે રૂ. 2 કરોડનો મુદામાલ સીઝ કરાતા ખનીજચોરી અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
કુલ 9 વાહનોને ઝડપી લેવાયા
સુરેન્દ્રનગર ખાણ ખનીજના અધિકારી વિપુલ સોલંકીની સૂચનાથી તપાસ ટીમ સંજયસિંહ મસાણી, સાહિલભાઈ પટેલ તથા નૈતિકભાઈ કણજારિયા દ્વારા બુધવાર નાઈટ તેમજ ગુરૂવાર સવારે આકસ્મિક ચેકીંગ કરતા ખનીજચોરોમાં દોડધામ મચી હતી. અને મૂળી-સુરેન્દ્રનગર રોડ ખાતે ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ વહન કરતા 5 ડમ્પર પકડી પાડી જેને સીઝ કરી જોરાવરનગર પોલીસ સ્ટેશન હવાલે કરાયા હતા.
ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો
તેમજ વધુમાં 1 બ્લેકટ્રેપ ખનીજ ઓવરલોડ વાહન અંગે વઢવાણ પાસે પસાર થતું પકડી વઢવાણ પોલીસ સ્ટેશન કબ્જો સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુરૂવારની વહેલી સવારે સાયલા-લીંબડી હાઇવે ખાતે તપાસ સમયે 3 ટ્રકો બ્લેકટ્રેપ ગેરકાયદેસર રીતે વાહન અંગે પકડી લીંબડી પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલા હતા. આમ કુલ અલગ અલગ વિસ્તારમાંથી 9 વાહનો પકડી સીઝ કરીને અંદાજે કુલ રૂ. 2 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની આગળની કાર્યવાહી ખનીજ કચેરી દ્વારા કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.