કોરોના સંક્રમણ:કોરોનાના 9 કેસ: થાન CHCના ડેન્ટિસ્ટ, સ્ટાફ નર્સ સંક્રમિત

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં ત્રીજી લહેરને પગલે બેડ, ઓક્સિજન સહિતની  તૈયારી કરાઇ છે. - Divya Bhaskar
જિલ્લામાં ત્રીજી લહેરને પગલે બેડ, ઓક્સિજન સહિતની  તૈયારી કરાઇ છે.
  • થાનમાં-3, લખતરમાં-1, લીંબડીમાં-1 ધ્રાંગધ્રા-2, વઢવાણમાં-2 કેસ આવ્યા
  • ગાંધી હોસ્પિ.માં 150, લીંબડીમાં 50, ધ્રાંગધ્રામાં 50 બેડ સહિત જિલ્લામાં 250 બેડની વ્યવસ્થા
  • ધો. 1થી 9ના 308985 લાખ ​​​​​​​વિધાર્થીને હવે ફરીથી ઓનલાઇન ભણવુ પડશે

જિલ્લામાં શુક્રવારે કોરોનાના કુલ 9 કેસ નોંધાયા હતા, તેમાં થાનગઢમાં સીએચસીના ડેન્ટિસ્ટ અને નર્સ તથા વૃદ્ધા સહિત 3 પૉઝિટિવ આવ્યા હતા. ઉપરાંત, વઢવાણમાં 2, ધ્રાંગધ્રામાં 2, લીંબડીમાં 1 અને લખતરમાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટમાં આવ્યા હતા. ત્રીજી લહેરને પહોંચી વળવા જિલ્લામાં 250 બેડ, ઑક્સિજન સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. બીજી તરફ સરકારે ધો. 1થી 9ની સ્કૂલ બંધ કરતાં જિલ્લાના 308985 વિદ્યાાર્થીને ઓનલાઇન અભ્યાસ કરવાનો રહેશે.

જિલ્લામાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં 150 બેડની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં ઓમિક્રોનનો પણ વોર્ડ શરૂ કરાયો હતો. આ ઉપરાંત કોવિડ સેન્ટરમાં 500 એલપીએમના 2 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયા છે. 9 બેડમાં આઇસીયુ સાથે તમામ દવાઓ, પીપીઇ કિટની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને સરકારે ધો.1 થી 9 ના વિધાર્થીઓની સ્કૂલ બંધ કરીને તેમને ફરીથી ઓનલાઇન ભણાવવાનો આદેશ આપ્યો છે. જેને લઇને જિલ્લાના 308985 વિધાર્થીઓને ફરીથી ઓનલાઇન અભ્યાસ કરવાની નોબત આવી છે. જ્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં સીએચસીના દાંતના ડોકટર, નર્સ તેમજ એક વૃદ્ધા કોરોનાગ્રસ્ત બન્યા હતા.

જિલ્લામાં કુલ 25.05 લાખ લોકોનું રસીકરણ
જિલ્લામાં તા. 7 જાન્યુઆરીને શુક્રવારના રોજ 25 લાખના આંકને પાર કરીને પ્રથમ 12,75,279 અને 12,30,518 બીજા ડોઝ સાથે કુલ 25,05,797 લોકોનું રસીકરણ થયુ હતુ. શુક્રવારે 64 કેન્દ્રો પર 9339 લોકોએ રસીનો લાભ લીધો હતો. જેમાં 3350 કિશોર-કિશોરીએ રસી મૂકાવી હતી.

આ દિવસે 5692 પ્રથમ અને 3644 લોકોએ બીજા ડોઝ સાથે લીધો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં 13,33,675 પુરૂષો અને 11,71,722 મહિલાઓએ કોવિશિલ્ડની 21,79,792 અને કોવેક્સિનના 3,26,005 ડોઝ લીધા હતા. જિલ્લાના 15-17ની ઉંમરના 3350, 18-44 વયના 15,36,693, 45-60ની ઉંમરના 5,85,899 અને 60 થી ઉપરની વયના લોકોનો આંક 3,38,161 પર રહ્યો હતો.

2123 લોકોના ટેસ્ટ કરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 7 જાન્યુઆરીને આરટીપીસીઆરના 1909 અને એન્ટિજનના 214 સહિત કુલ 2123 લોકોના કોરોના સંક્રમિત અંગે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આરટીપીસીઆરના ટેસ્ટમાં 5 લોકો અને એન્ટિજનના ટેસ્ટમાં 4 લોકો સહિત કુલ 9 દર્દીઓ કોવિડ પોઝિટીવ આવ્યા હતા.

ટેસ્ટિંગ વધારવા સૂચના
લખતર મામલતદાર કચેરીમાં જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી, જેમાં કોરોના અંગેની કામગીરીના રિવ્યૂ લેવા સાથે ધન્વંતરિ રથ શરૂ કરવા, કેસો વધે છે ત્યાં ટેસ્ટિંગ વધારવા તેમજ RT-PCR ટેસ્ટ વધારવા સૂચનો કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...