અરજીઓનો સ્થળ પર નિકાલ:સુરેન્દ્રનગર જિલ્લામાં 8મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમો યોજાયા

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજીનો સ્થળ પર નિકાલ કરાયો
  • આધાર કાર્ડ, રેશન​​​​​​​ કાર્ડ સહિતના લાભ અપાયા

રાજ્યભરમાં તા.9 એપ્રિલથી 8મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરાઇ છે. દર મહિનાના શનિવારે તાલુકા, નગરપાલિકા સ્તરે સેવા સેતુ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. શનિવારે જિલ્લા તથા તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં પ્રમાણપત્ર, સરકારી યોજના, આધારકાર્ડ, રેશન કાર્ડ સહિતની સેવા આપી અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો.

લીંબડી
લીંબડી નગરપાલિકામાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1200 લાભાર્થીની અરજીનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, જગદીશભાઈ મકવાણા, પ્રકાશભાઈ સોની, પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, મામલતદાર જે.આર.ગોહેલ સહિત નગરપાલિકા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

ચુડા
ચુડા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 3407 અરજીનો નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર એ.એસ.ઝાંપડા, ટીડીઓ એસ.આઈ.ઝિંઝુવાડીયા, ખેતીવાડી અધિકારી એસ.આર.પટેલ, ક્લાર્ક હરદેવસિંહ સોલંકી, ચાચકા ગામના સરપંચ ખીમજીભાઈ મીઠાપરા સહિતના હાજર રહ્યા હતા

ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા શહેરના વોર્ડ 7,8 અને 9નો આઠમાં સેવા સેવાસેતુ કાર્યક્રમ ધ્રાંગધ્રા શીશુકુંજ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેક્ટર એમ.પી. પટેલના માર્ગદર્શન નીચે મામલતદાર હીરાણી ઈન્ચાર્જ ચીફ ઓફીસર પટેલ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓ અને વોર્ડના સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાસેતુ કાર્યક્રમનો 847 લોકોએ લાભ લીધો હતો.

લખતર
લખતર સેવાસેતુ કાર્યક્રમ તાલુકાનાં આદલસર ગામે યોજવામાં આવ્યો હતો. જેમાં આદલસર ક્લસ્ટરનાં આદલસર, લીલાપુર, ઢાંકી, ઇંગરોડી વિગેરે ગામનાં લાભાર્થીઓ માટે યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં 2313 અરજીનો નિકાલ થયો હતો. જેમાં વઢવાણ પ્રાંત અધિકારી વી.એન.સરવૈયાએ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા લખતર મામલતદાર જી.એ. રાઠોડ તથા તાલુકા વિકાસ અધિકારી એચ.ટી. સાધુના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓએ પ્રયાસ કર્યા હતા.

પાટડી
પાટડીમાં શ્રમ, રોજગાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ કરાયું હતું. આ તકે નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશ ડોડિયા, અગ્રણીઓ પ્રાંત અધિકારી રૂતુરાજ સિંહ જાદવ, મામલતદાર પ્રીતિ મોઢવાડીયા તેમજ અધિકારી કર્મચારીશ્રીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મૂળી
મૂળીના દેવપરા ગામે આસપાસના વગડિયા, માનપર, ખાખરાળા સહિત 6 ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ દાખલા, આધાર કાર્ડ, મેડિકલ સેવા સહિત વિવિધ અરજીઓનો નિકાલ કરાયો હતો.જ્યારે આધાર કાર્ડની એક જ કિટ હોવાથી 100થી વધુ લોકોની લાઇનમાં માત્ર 35 જેટલા જ લોકોનાં આધાર કાર્ડ નીકળતા અરજદાર દ્વારા આધાર કાર્ડની કિટ વધારાય તેવી સ્થાનિકોએ માગ કરી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી કલ્પેશદાન ગઢવી, મામલતદાર આર.એસ.લાવડિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઇન્દુભા પરમાર, જીલ્લા પંચાયત સદસ્ય યુવરાજસિંહ પરમાર, કનુભાઇ સાતોલા, સરપંચ પ્રવિણભાઇ અધારા, વિક્રમસિંહ પરમાર સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...