આજે પંચાયતનાં પારખાં:80.12 ટકા પુરુષ, 75.57 ટકા સ્ત્રીએ મતદાન કર્યું, થાનમાં સૌથી વધુ, ચૂડામાં સૌથી ઓછુ મતદાન

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલામાં મતગણતરી કરવા માટે ટેબલ સહિતની તૈયારી કરી દેવામાં આવી હતી - Divya Bhaskar
સાયલામાં મતગણતરી કરવા માટે ટેબલ સહિતની તૈયારી કરી દેવામાં આવી હતી
  • પંચાયતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો: મતદાનમાં 2016 કરતાં 5.02 ટકાનો ઘટાડો
  • ગત ચૂંટણીની સરખામણીએ કુલ 6,58,756 મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું
  • ગામડામાંથી બહાર રહેતા લોકો સૌથી ઓછા પ્રમાણમાં મતદાન કરવા આવ્યા

સુરેન્દ્રનગર ઝાલાવાડમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું હતું. ત્યારે રવિવારના દિવસે યોજાયેલા મતદાનમાં લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું હતું. જેમાં ગત ચૂ઼ંટણીની સરખામણીએ જોઇએ તો આ ચૂંટણીમાં જે મતદાન થયું છે તેમાં 5.02 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જેમાં ખાસ કરીને 658756 લોકોએ મતદાન કરવાનું ટપળ્યું હતું. આમ ગત ચૂંટણીની સરખામણીએ આ ચૂ઼ંટણીમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો. 80.12 ટકા પુરુષે તથા 75.57 ટકા સ્ત્રીએ મતદાન કર્યું હતું. થાનમાં સૌથી વધુ 82.85 ટકા જ્યારે ચુડામાં સૌથી ઓછું 75.95 મતદાન થયું હતું. આજે મતગણતરી હોવાથી ગામના રાજાનો તાજ કોના શિરે તેનો ફેંસલો થશે.

ઝાલાવાડમાં કુલ 497 પંચાયતની ચૂંટણી જાહેર થઇ હતી જે પૈકી 80 સમરસ થઇ જતા તેમજ જે પંચાયતોમાં અનામતનો વિવાદ અને ચૂંટણી બહિષ્કાર કરવાના કારણે કુલ 390 પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સદસ્યો માટે ખરાખરીનો જંગ જામ્યો હતો. ઉમેદવારોએ જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવીને મતદારોને રિજવવા માટે પ્રયાસ કર્યા હતા.

ત્યારે રવિવારે યોજાયેલા મતદાનમાં જિલ્લામાં સરેરાશ કુલ 77.97 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ થાનમાં 82.85 ટકા મતદાન થયું હતું. જેમાં નોંધનીય બાબત એ છે કે શિક્ષણનું ઓછુ પ્રમાણ હોવા છતા થાન પંથકમાં 84.76 ટકા પુરૂષ અને 79.26 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. જે જિલ્લામાં સૌથી વધુ છે.

જ્યારે સૌથી ઓછુ ચૂડામાં 75.95 ટકા મતદાના થયું હતું. પંચાયતની ચૂંટણી આમતો લોકલ અને મતદવારોના પરિચિતો વચ્ચે યોજાતી હોય છે. તેમ છતાં પંચાયતની ગત ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં મતદાનમાં 5.02 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે જોતા કુલ 658756 મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું હતું. જેમાં ખાસ કરીને 614482 સ્ત્રીઓએ મતદાન કર્યું ન હતું. જ્યારે 44274 પુરૂષે મતદાન કરવાનું ટાળ્યું હતું.

મતદાન ઘટવા બાબતના કારણોની તપાસ કરતા એવી વિગતો ધ્યાને આવી હતી કે જિલ્લાના ગામડામાં મતદાન ધરાવતા અનેક લોકો હાલના સમયે આજુબાજુના શહેરો કે અન્ય જગ્યાએ રોજી રોટી માટે સ્થળાંતર કરીને વસવાટ કરી રહ્યા છે. આમ ગામની બહાર રહેતા લોકોએ મતદાન કરવા આવ્યા ન હોય મતદાનમાં ઘટાડો નોંધાયો હોઇ શકે છે. આજે ગામના ભાવી રાજા અને વહીવટ કરતા સદસ્યોનો ફેસલો મતગણતરીમાં થઇ જશે. તંત્ર દ્વારા દરેક તાલુકા મથકે મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિણામો બાદ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

  • બેલેટ પેપરની મત ગણતરીમાં પરિણામો મોડા જાહેર થશે

પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું છે. જેમાં સરપંચ અને સદસ્યોને મળેલા મતની અલગ અલગ ગણતરી કરવામાં આવશે. મત પેટી લાવવી, પોલીંગ એજન્ટની હાજરીમાં તેને ખોલવી, એક એક બેલેટ પેપર એજન્ટને બતાવીને તેની ગણતરી કરવી આ તમામ બાબતમાં સમય વધુ જશે. આથી પરિણામ જાહેર કરવામાં મોડુ થશે. બને તેટલુ જલ્દી પરિણામ આવી જાય તે માટે તંત્રએ તૈયારી કરી છે.

વઢવાણ : મતગણતરીનું પ્રથમ પરિણામ 10થી 11 વચ્ચે આવશે
​​​​​​​વઢવાણ તાલુકાની 32થી વધુ ગ્રામપંચાયતોના 65 જેટલા બૂથો પર 78.36 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સરપંચ, વોર્ડના સદસ્યો માટે 47,090 મતદારોએ મત આપ્યો હતો. આથી વઢવાણ એમ.યુ.શેઠ પ્રાથમિક શાળા ખાતે મતગણતરી થનાર છે. જેમાં મતપેટીઓ અને મતગણતરી માટે મામલતદાર કચેરી ખાતે સોમવારે સાંજે બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, ટીડીઓ જયગોસ્વામી, મામલતદાર હરપાલસિંહ ડોડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સિદ્ધાર્થ પટેલે 70થી વધુ કર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું.

જ્યારે મતગણતરી સોમવારે હોવાથી 1 પીઆઈ, 3 પીએસઆઈ સહિત 70 પોલીસકર્મીઓ બંદોબસ્ત જાળવશે. આ અંગે મામલતદાર હરપાલસિંહ ડોડિયાએ જણાવ્યું કે, વઢવાણ તાલુકા માટે 10 ટેબલો પર મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થશે. જેમાં 10 ગામોની એક સાથે મતગણતરી થશે. જ્યારે પ્રથમ પરિણામ 10.30થી 11.00 વાગ્યે આવશે.

ચોટીલા આજે જનાદેશનું એલાન, 200 કર્મી મત ગણતરીમાં,100 પોલીસકર્મીનો સઘન બંદોબસ્ત
ચોટીલા તાલુકાના 50 ગામડાઓની યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરકારી કોલેજ ખાતે મતગણતરી આજે મંગળવારના રોજ યોજાશે. રવિવારે યોજાયેલા ગ્રામ પંચાયતના મતદાન બાદ એક દિવસ તમામ ઉમેદવારોનો જો... તો... ના તાળા મેળવવામાં વિત્યો છે. ત્યારે આજે ચૂસ્ત હથિયારધારી બંદોબસ્ત વચ્ચે સીલ પેક સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટી ખૂલશે, આર.ઓ.ના નક્કી કરેલા રાઉન્ડ મુજબ ઉમેદવારો, એજન્ટોને પ્રવેશ ક્રમશ અપાશે અને મતગણતરી થશે .

દરેક ગામોના વોર્ડ વાઇઝ ઉમેદવારો સદસ્યના ઉમેદવારો સાથે સરપંચના મતોની ગણતરી સવારે 9 કલાકે શરૂ થશે. કાઉન્ટિંગ પૂર્વે તંત્ર દ્વારા આયોજન માટે અનેક તૈયારીઓ કરવામાં આવેલી છે. નેટ કનેક્ટિવિટી, બેલેટ પેપરોની થોક માટે લાકડાના ખાના વાળા બોક્સ, લોખંડની ઝાળી સાથેના 14 મત ગણતરી રૂમ, લાઇટ, સાઉન્ડ, પાણી સહિતની તમામ સુવિધાઓ એક દિવસ પૂર્વે તૈયાર કરાઇ છે.

મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, આઇટીઆઇ, શિક્ષણ વિભાગ, સુપરવાઈઝર સહિતનો 200 કર્મચારીઓ મત ગણતરી માટે ફરજ બજાવશે તો નેશનલ હાઇવે ઉપર કોલેજ બિલ્ડિંગ હોવાથી લોકો ટોળે ના વળે અને ટ્રાફિક સમસ્યા ન ઉદ્ભવે તે માટે ખાસ ટાઇટ પોલીસ બંદોબસ્ત છે. જેમા 1 ડીવાયએસપી, 4 પીએસઆઇ, 70 પોલીસ, 20 જીઆરડી, હોમગાર્ડ, સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવશે. તાલુકાના 49 સરપંચોનો તાજ કોના શિરે, 50 પંચાયતોના વોર્ડના સદસ્ય તરીકે જનતા જનાર્દને કોની પસંદગી કરી છે તેનો આજે ફેસલો મતગણતરીથી જાહેર થશે.

આ સ્થળે કાઉન્ટિંગ થશે

​​​​​​​વઢવાણ શ્રીમતી એલ.એમ.શેઠ સાર્વજનિક પ્રા. શાળા. વઢવાણ
લખતર મોડલ સ્કૂલ મામલતદાર કચેરી સામે, રેલવે સ્ટેશન રોડ, લખતર
લીંબડી મોડલ સ્કૂલ, લીંબડી-રાજકોટ હાઇવે, લીંબડી
સાયલા મોડલ સ્કૂલ નેશનલ હાઇવે નં.8, ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ,સાયલા
ચુડા મોડલ સ્કૂલ ગોખરવાળા, લાલીયાદ રોડ, ગોખરવાળા
ચોટીલા સરકારી વિનયન કોલેજ, જલારામ મંદિર સામે, નેશનલ હાઇવે8-એ, ચોટીલા
થાનગઢ થાનગઢ મામલતદાર કચેરી બિલ્ડીંગ, પ્રથમ ફલોર, થાનગઢ
મૂળી તેજેન્દ્ર પ્રસાદ બોયઝ હાઇસ્કૂલ,મૂળી
ધ્રાંગધ્રા શ્રી એમ.એમ.શાહ સંસ્કાર વિદ્યાલય(શિશુકુંજ), ધ્રાંગધ્રા

​​​​​​​આટલી ટીમ તૈનાત
ચૂંટણી અધિકારી116
મદદનીશ ચૂંટણી અધિકારી116
પોલીંગ સ્ટાફ4429
પોલીસ સ્ટાફ1540

​​​​​​​જિલ્લામાં આ વર્ષ અને 2006ના મતદાનની ટકાવારી

તાલુકોપંચાયતટકાવારી2016વધઘટ
વઢવાણ327884.27-5.91
લખતર327978.270.55
લીંબડી397680.69-4.74
ચૂડા317579.14-4.08
સાયલા487881.18-2.71
ચોટીલા507880.82-2.99
થાનગઢ178283.17-1.1
મૂળી378084.04-3.97
ધ્રાંગધ્રા467882.96-4.62
દસાડા587776.990.3

​​​​​​​

ચુડા કોના માથે કળશ ઢળશે તેની આજે ખબર
ચુડા : જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતો પૈકીની 1 ચુડા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી લડવા 4 ઉમેદવારો અને 18 વોર્ડના સભ્ય બનવા 58 દાવેદારો મેદાનમાં ઉતાર્યાં હતા. સરપંચની ચૂંટણી માટે 11,887 મતદારોમાંથી 8,022 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચુડા તાલુકાના 31 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ જેમાંથી ચુડા ગામનું સૌથી ઓછું 67.49% મતદાન થયું. મીણાપુર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સૌથી વધુ 89.15% મતદાન થયું હતું.

22 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ચુડા ગામના સરપંચ બની મોભાદાર પદ મેળવવા 4 ઉમેદવારમાંથી પ્રદિપભાઈ પાટડીયા અને કનૈયાલાલ વાણિયા વચ્ચે સીધી ટક્કર થાય તેવું અનુમાન છે. આ અંગે સરપંચ પદના ઉમેદવાર પ્રદીપભાઈ પાટડિયાએ 3,800થી વધુ મત મળવાનો અને 18 વોર્ડ માટે તેમને ઊભા રાખેલા 14માંથી 11 સભ્યો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સરપંચ પદના મજબૂત ઉમેદવાર કનૈયાલાલ વાણીયાએ 4,000 મત મળવાનો અને તેમને ઊભા રાખેલા 15માંથી 12 સભ્ય વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સરપંચ પદના રસાકસીભર્યાં જંગમાં 250થી 300 મતની સરસાઈથી હાર-જીત થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચુડાના ભાવિ સરપંચ માટે ગામના જોરાવરપરા, વિજયનગર, લાલપરા, શ્રવણ શેરી સહિત પછાત વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની મોટી જવાબદારી શિરે આવશે. સરપંચ જે કોઈ બને પણ 22,000થી વધુ વસ્તી ધરાવતા ગામમાં પાણીનો પ્રશ્ન હલ કરવો સૌથી મોટો પડકાર બની રહેશે.

લખતર નવા સરપંચ માટે પડકારો તો જૂના જ
લખતર ગ્રામપંચાયતના સરપંચપદે જે ચૂંટાશે તે ગામ માટે સરપંચ તો નવા હશે. પરંતુ નવા સરપંચ માટે ગામને સારું બનાવવા માટેના પડકારો તો જૂના જ હશે. તો ગામનાં અમુક વિસ્તારો જે પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપવી તે પણ નવા સરપંચ માટે પડકાર સમાન બની રહેશે. લખતર ગ્રામપંચાયત હેઠળ અંદાજે પંદરેક હજારની વસતી સમાવિષ્ટ છે. લખતર ગ્રામપંચાયતના કુલ સોળ વોર્ડ આવેલા છે.

તાજેતરની ગ્રામપંચાયતની ચૂંટણીમાં લખતર ગ્રામપંચાયતની ધુરા જે સંભાળશે તેમણે આગળ જતાં લખતરની પ્રજા જે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. તેને પ્રાધાન્ય આપવું પડશે. ત્યારે લખતર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ન થયા હોય તેવા મુખ્ય રસ્તાઓ જેવા કે પોસ્ટ ઓફિસ રોડ, ખાળીયા રોડ તેમજ લખતર મેઈન બજારનો રોડ આ રસ્તાઓ મહત્વના છે.

જેના ઉપરથી લોકોને રોજબરોજની અવર જવર છે. તો આગામી સમયમાં વીજળી નો પ્રશ્ન ન ઉદભવે તેના ઉપર પણ પૂરતું ધ્યાન રાખવું પડશે. કારણ કે હમણાં હમણાં લખતર પંચાયતે સ્ટ્રીટ લાઈટનું બિલ ન ચૂકવતાં શહેરને દોઢેક મહિનો રાત્રે અંધારું ભોગવવું પડ્યું હતું. નવા ચૂંટાનાર સરપંચ માટે મુખ્ય સમસ્યા ગામમાં રહેલી ગંદકી દૂર કરવાની રહેશે. લખતર શહેરમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરોથી ગ્રામજનો ત્રસ્ત થઈ ગયા છે. ગામનાં મુખ્ય માર્ગોને નવા અને મજબૂત બનાવવામાં આવે તેવી આશા ગ્રામજનો નવા સરપંચ પાસેથી રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...