સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી તેમજ સુરેન્દ્રનગર ટ્રાફિક તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 6 જેટલી કાર ડિટેઇન કરીને નિયમોનો ભંગ કરતા 40 જેટલા ચાલકને રૂ. 18,000નો હાજર દંડ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ખોટના ખાડા સાથે એસટીની સલામતી સવારી ચાલી રહી છે. તો બીજી તરફ ખાનગીવાહનો પણ એસટી તંત્રને પડાકર ફેંકીને એસટી ડેપો તેમજ એસટી પોઇન્ટની નજીકથી મુસાફરો બેસાડીને હેરાફેરી કરી રહ્યા છે.
જેના કારણે એસટી તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. પરિણામે તા. 19-5-2022ને ગુરુવારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી તંત્રની ટીમ અને સુરેન્દ્રનગર ટ્રાફિક તંત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાહનોમાં મુસાફરોને બેસાડીને લઇ જતાં ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સાયલા હાઈ-વે પર ચેકિંગ દરમિયાન એસટી વિભાગના સાગરભાઇ અને ટ્રાફિક પીએસઆઇ એન.એચ.સોલંકી, ભુપેન્દ્રસિંહ, વિજયસિંહ રાણા, સરદારસિંહ, ઈકબાલભાઈ, ટીઆરબીના રોહિતભાઈ અઘારા, નવનીતભાઈ સહિતની ટીમે ગેરકાયદે પેસેન્જરમાં ચાલતી 6 કાર ડિટેઈન કરવામાં આવી હતી.
આ કારો સાયલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવી હતી. આ ઉપરાંત લાઇસન્સ વગરનાં, વાહનોના કાગળો વગર સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 40 વાહનચાલકોને રૂ. 18,000નો હાજર દંડ કરાતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.