અદાલતોમાં નિકાલ:સુરેન્દ્રનગરની લોક અદાલતમાં પ્રથમ વાર ટ્રાફિક ઈ-મેમોના 5054 કેસ મુકાયા, 24,31,600 દંડ વસૂલવા કાર્યવાહી કરાઈ

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અને તાલુકામથકોથી યોજાયેલી લોક અદાલતોમાં 4818માંથી 4515 કેસનો નિકાલ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારે લોકઅદાલતોનું આયોજન કરાયું હતું, જેમાં ફોજદારી સમાધાનલાયક કેસો, ક્લેમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીનસંપાદન, ઇલેક્ટ્રિસિટી, પાણીનાં બિલો, રેવન્યુ કેસો, દિવાની કેસો, અન્ય સમાધાનલાયક 4818 કેસ હાથ પર લેવાયા હતા, જેમાંથી 4515 કેસનો નિકાલ કરાયો હતો.

મહત્ત્વનું છે કે પ્રથમ વાર ટ્રાફિક ઈ-મેમોના કેસ લોક અદાલતમાં મુકાયા હતા, જેમાં ચાલુ વાહને વાત કરવાના 1766, બાઇક પર ત્રિપલ સવારીના 1333, ફેન્સી નંબર પ્લેટના 957, કારમાં બ્લેક ફ્રેમના 754, રિક્ષામાં ડ્રાઇવરની સીટ પર પેસેન્જર બેસાડવાના 195, મોબાઇલ પર વાત અને ફેન્સી નંબર પ્લેટના 11, ડાર્ક ફિલ્મ ફેન્સી નંબર પ્લેટના 20, ત્રણ સવારી અને ફેન્સી નંબર 8, ભયજનક ડ્રાઇવીંગ 5, ત્રણ સવારી અને મોબાઇલ પર વાત 4, ડ્રાઇવીંગ સીટ પર પેસેન્જર અને ફેન્સી નંબર પ્લેટ 1 એમ કુલ 5054 કેસ મુકી જેમાં 24,31,600 બાકી દંડની રકમ વસુલવા કાર્યવાહી કરાઇ હતી.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલા તથા કેસ દાખલ થાય તે પહેલાં પ્રિ લિટિગેશન કેસોનો નિકાલ થાય, અદાલતોમાં કેસોનું ભારણ ઘટે અને નાગરિકોને સમયસર ન્યાય મળી રહે માટે લોક અદાલતોનું આયોજન કરાય છે.

જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકે શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય ન્યાયાધીશ પી. એસ. ગઢવીના માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ફૂલટાઇમ સેક્રેટરી આર. આર. ઝીબા સહિતની ટીમે પ્રયાસ હાથ ધર્યા હતા. આ અંગે આર. આર. ઝીબાએ જણાવ્યું કે લોક અદાલતમાં કેસ મૂકવાથી બંને પક્ષની જીત થાય છે, કોઈ એક પક્ષને હાર કે જીત થતી નથી.

આથી પક્ષકારોમાં રાગદ્વેષની ભાવના ઉત્પન્ન નથી થતી, જેમાં જિલ્લાભરની કોર્ટમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, મોટર એક્સિડન્ટ ક્લેમ પિટીશન, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138, ચેક રીટર્ન, ભરણપોષણ, ફૅમિલી કેસ, જમીન વળતર, મજૂર કાયદાને લગતા કેસ, મહેસૂલી તકરાર, વીજળી તથા પાણીને લગતા કેસ, ભાડું-બૅન્ક વસૂલાત સુખાધિકાર, હક્ક, મનાઈહુકમ તથા વસૂલાતને લગતા દિવાની તકરાર સહિતના કેસ મૂકવામાં આવ્યા હતા.

જેમાં પ્રિલિટિગેશનના 3230 કેસ મુકાતાં 3064નો નિકાલ કરી રૂ. 14613776નું સેટલમેન્ટ કરાયું હતું. 537 પેન્ડિંગ કેસમાંથી 433નો નિકાલ કરી રૂ. 93576821નું સેટલમેન્ટ કરાયું હતું. 5787 સ્પેશિયલ સીટિંગના 1006 કેસમાંથી 983નો નિકાલ કરાયો હતો. 3230થી વધુ પ્રિલિટિગેશન કેસમાંથી 3064નો નિકાલ કરાયો હતો. આમ, 4818 કેસમાંથી 4515 કેસનો નિકાલ કરી રૂ. 108,190,597નું સેટલમેન્ટ કરાયું હતું.

એક દિવસમાં વિવિધ કેસમાં રૂ. 108,190,597નું સેટલમેન્ટ કરાયું
લખતર કોર્ટમાં લોક અદાલત યોજાઈ લખતરના ન્યાયાલયમાં પણ શનિવારે લોક અદાલત યોજાઈ હતી, જેમાં ફોજદારી કેસો, પીજીવીસીએલ તેમજ SBIના કેસો હતા. મળતી માહિતી મુજબ આજે સામાન્ય રીતે રજાનો દિવસ હોવાને લીધે અરજદારો ઓછા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...