પોલીસમથક સામે જ ચોરી:દસાડા પંચાયતના બંને બોરમાંથી 50 મીટર કેબલની ચોરી, ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઇ

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 25,000ની કિંમતના કેબલની ચોરીની ઘટનાની પોલીસ ફરીયાદ નોંધાઈ

દસાડા પોલીસ સ્ટેશનથી 20 મીટર દૂર જ પંચાયતના બંને બોરમાંથી 50 મીટર કેબલની ચોરી થઈ હતી. જેથી 13,000ની વસ્તી ધરાવતા દસાડા ગ્રામપંચાયતમાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ હતી. અંદાજે રૂ. 25,000ની કિંમતના 50 મીટર કેબલની ચોરીની ઘટના સામે આવી છે.

3 બોર દ્વારા પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવે છે
દસાડા ગ્રામ પંચાયતમાં હાલ 13,000ની વસ્તી છે. જેને ગ્રામ પંચાયતના કુલ 3 બોર દ્વારા પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવે છે. એમાય દસાડા પોલીસ મથકની સામે માત્ર 20 મીટર દૂર આવેલા મુખ્ય બોરમાંથી ગામની અંદાજે 60થી 70 ટકા વસ્તીને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવે છે. દસાડા ગ્રામ પંચાયતના જૂના બોર પાસે જ પંચાયત દ્વારા તાજેતરમાં નવો બોર મૂકવામાં આવ્યો હતો. તેમજ હાઇવે ઉપર પંચાયતનો બીજો બોર પણ આવેલો છે.

પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાતા લોકોને હાલાકીગતરાત્રીના અંધારામાં કોઇ અજાણ્યા તસ્કરોએ અંદાજે રૂ. 25,000ની કિંમતનો 50 મીટર કેબલની ચોરી કરી નાસી ગયા હતા. દસાડા ગ્રામ પંચાયતના બંને બોરમાંથી 50 મીટર કેબલની ચોરીથી 13,000ની વસ્તી તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે. દસાડા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઇ હતી. જેથી લોકોને હાલાકી પડી હતી. હાલમાં ફક્ત એક મોટર દ્વારા ગામની વસ્તીને ભર ચોમાસે માંડ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

બંને બોર તાકીદે શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ
દસાડા પોલીસ મથકની બરાબર સામે 20 મીટર અંતરે જ ચોરીની ઘટના બની હતી. પોલીસ મથકમાં ફક્ત એક મહિલા પોલીસ જ હાજર હોવાનું પંચાયતના સ્ટાફે જણાવ્યું હતું. હાલ દસાડા ગ્રામ પંચાયતના સરપંચ ત્રિકમભાઇ સોલંકીએ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી કેબલ ચોરીના તસ્કરોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે. બીજી બાજુ દસાડા ગ્રામ પંચાયત દ્વારા આ બંને બોર તાકીદે શરૂ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...