'અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ':બાળકીએ એક મિનિટમાં ભારતની વિકાસયાત્રા સંભળાવતાં PM બોલી ઊઠ્યા 'વાહ બેટા વાહ...'

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા

આજે સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન રાજકોટની આધ્યાબા નામની બાળકીએ એક મિનિટમાં ભારતની વિકાસયાત્રા સંભળાવી હતી. જે સાંભળીને વડાપ્રધાને તાળીઓ પાડીને વાહ.. વાહ.. કહીને વખાણ કર્યાં હતાં અને આરાધ્યાના ફેન બન્યા હતા. આધ્યાબા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ભત્રીજીની દીકરી છે.

પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ
બાળકીએ વડાપ્રધાનને મળીને કહ્યું કે, 'ભાજપ... ભાજપ... ભાજપ... આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી.. ભાજપને ઝુકાવવા જાતજાતની રમતો રમાય છે, આ વિકાસના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝુકાવી શકે. કારણ કે, કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે ભાજપ, 370ની કલમ કોણ હટાવે ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે ભાજપ, આયોધ્યામાં રામમંદિર કોણ બનાવે ભાજપ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઊંચાઇ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વેક્સિન કોણ અપાવે ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ...'

વડાપ્રધાન આરાધ્યાના ફ્રેન્ડ બન્યા
સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને લીંબડી વિધાનસભાની સીટના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આજે સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભા દરમિયાન 5 વર્ષની બાળકી આધ્યાબાના મોદી ફ્રેન્ડ બન્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકીને મળી અને ઓટોગ્રાફ્સ પણ આપ્યો હતો. જેમાં 5 વર્ષની બાળકી આધ્યાબાની સ્પીચ સાંભળી મોદી પણ આશ્ચર્યચકિત બન્યા હતા અને બાળકી અને તેમના પરિવારને સ્ટેજ નજીક બોલાવી અને ઓટોગ્રાફ્સ આપ્યો હતો.

'કોંગ્રેસીઓ વિકાસની ચર્ચા કરવાને બદલે મને મારી ઓકાત બતાવવાની વાત કરે છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ, પરંતુ કોંગ્રેસીઓ વિકાસની ચર્ચા કરવાના બદલે મને મારી ઓકાત બતાવવાની વાત કરે છે. અરે, તમે તો બધા રાજપરિવારના છો, હું તો એક સામાન્ય પરિવારનો છું, મારી કોઈ ઓકાત નથી. હું તો સેવક છું અને સેવક કે સેવાદારની ઓકાત થોડી હોય. અરે, તમે મને નીચ કહ્યો, નીચી જાતિનો કહ્યો, તમે મને મોતનો સોદાગર પણ કહ્યો, તમે મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો અને હવે તમે ઓકાત બતાવવાનું કહો છો... અરે, અમારી કોઈ ઓકાત નથી, વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને ગુજરાતને વિકસિત બનાવવા મેદાનમાં આવો. આ ઓકાત બતાવવાના ખેલ રહેવા દો.

આ વખતેની ચૂંટણી અમે નથી લડતા, પરંતુ આ ચૂંટણી તો ગુજરાતની જનતા લડી રહી છેઃ મોદી
વડાપ્રધાને કહ્યું, આજે મારું સદભાગ્ય છે કે ઝાલાવડની ધરતી પર પહોંચતાં જ સંતોના આશીર્વાદ મળ્યા અને મને ભવ્ય વિજયની શુભકામનાઓ આપી હતી. જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં ત્યાં કેસરિયો સાગર દેખાય છે. આ જ બતાવે છે કે તમે ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે. આ વખતની ચૂંટણી અમે નથી લડતા, પરંતુ આ તો ગુજરાતની જનતા લડી રહી છે. આ ચૂંટણી નર્મદા જિલ્લાના વિરોધ કરવાવાળાને સજા મળે એ માટેની હોવી જોઈએ.

ગુજરાતને તરસ્યું રાખ્યું હતું તેવા લોકોને ખભે હાથ મૂકીને નેતા યાત્રા કરે છેઃ નરેન્દ્ર મોદી
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું હતું તેવા લોકોને ખભે હાથ મૂકીને નેતા યાત્રા કરે છે. ટેન્કર માફિયાનું રાજ સુરેન્દ્રનગરે જોયું છે. મેં પહેલાં કહ્યું હતું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ જો કોઈ જિલ્લાને મળશે તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે. આજે એ લાભ મળી રહ્યો છે. મુખ્યમંત્રી હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ગુજરાતને 24 કલાક વીજળી આપીશ. એ સમયે કોંગ્રેસના નેતાઓ કહેતા કે આ શક્ય જ નથી, પરંતુ મને અઘરાં કામ કરવા લોકોએ બેસાડ્યો હતો તેથી જ મેં 10 વર્ષ પહેલાં જ ગુજરાતનાં ગામે ગામે 24 કલાક વીજળી પહોંચાડી હતી.

અમે ખેડૂતોને 270 રૂપિયામાં યુરિયા આપીએ છીએ:મોદી
ખેડૂતોને લઈને તેમણે કહ્યું હતું કે એક જમાનો હતો, યુરિયા લેવા જાવ તો રાત્રે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. એક જમાનામાં યુરિયા બારોબાર વેચાઈ જતું હતું. આજે યુરિયા ખેડૂતોને સમયસર મળી રહ્યું છે. યુરિયા આપણે બહારથી લાવવું પડે છે, કેન્દ્ર સરકારને યુરિયા 2 હજારમાં પડે છે અને અમે ખેડૂતોને 270 રૂપિયામાં આપીએ છીએ. અમે હવે નેનો ખાતર લાવ્યા છીએ. પદયાત્રા કરવાવાળાને કપાસ અને મગફળીની ખબર ના હોય તેમજ કહ્યું, દેશનું 80 ટકા નમક ગુજરાતમાં બને છે. અમે આવીને અગરિયાઓની સ્થિતિ બદલી છે. અમે નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે. સુરેન્દ્રનગરના આગામી દિવસો સુવર્ણ હશે.

ગુજરાતમાં પહેલાં સાઇકલ નહોતી બનતી, હવે વિમાન બનશેઃ નરેન્દ્ર મોદી
શિક્ષણને લઈને મોદીએ કહ્યું, પહેલાં વાલીઓ બાળકોને કેવી રીતે ભણાવવા એ અંગે ચિંતિત હતા, હવે ગુજરાતમાં જ તમામને એડમિશન મળી જાય છે. પહેલાં ગુજરાતના યુવાનને બીજા રાજ્યમાં અભ્યાસ અર્થે જવું પડતું હતું, હવે બીજા રાજ્યના યુવાનો ગુજરાતમાં શિક્ષણ માટે આવે છે. ગુજરાતમાં 4000 જેટલી કોલેજો બનાવી, શિક્ષણ વ્યવસ્થામાં વધારો કર્યો, આજે ગુજરાતમાં 600 જેટલી ITI કોલેજો છે. પહેલાં ગુજરાતમાં સાઇકલ પણ નહોતી બનતી, હવે વિમાન બનવાનાં છે. આને કહેવાય વિકાસ તેમજ છેલ્લે, વડાપ્રધાને કહ્યું, તમારું સુરેન્દ્ર અને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે આપણો.

અન્ય સમાચારો પણ છે...