આરોપીઓને ઝડપવા પોલીસતંત્ર સક્રિય બન્યું:સુરેન્દ્રનગર જીલ્લામાં અલગ-અલગ ગુનાઓ અંતર્ગત 423 આરોપીઓ વોન્ટેડ, અત્યાર સુધીમાં 88 ગુનેગારો ઝડપાયા

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જીલ્લામાં અલગ-અલગ ગુનાઓ અંતર્ગત 423 આરોપીઓ વોન્ટેડ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જીલ્લામાં અલગ-અલગ ગુનાઓ અંતર્ગત 423 આરોપીઓ વોન્ટેડ
  • જેલમાંથી પેરોલ મેળવી પરત નહી ફરનારા 63માંથી 32 આરોપીઓ ફરી જેલહવાલે
  • વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસતંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા ગુનાઓ આચરતા શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં જાન્યુઆરી-2021થી લઇને 20 નવેમ્બર-2021 સુધીમાં 423 જેટલા વોન્ટેડ આરોપીઓ ધ્યાને આવ્યા હતા. જેમાં પોલીસતંત્ર દ્વારા 88 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે હજુ પણ નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસે દોડ લગાવી છે. જિલ્લામાં દારૂ, જુગાર, ચોરી, લૂંટ સહિતના ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઇને જિલ્લા પોલીસ તંત્રે આવી ગુનાહિત પ્રવૃતિઓ કરતા શખ્સો સામે સુરેન્દ્રનગર એલસીબી, પેરોલ ફર્લો, એસઓજી સહિતની જુદી જુદી ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લામાં જુદા જુદા ગુનાઓ તેમજ પેરોલ વોન્ટેડના જાન્યુઆરીથી તા. 20 નવેમ્બર સુધીમાં કુલ 423 જેટલા વોન્ટેડ આરોપીઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા 361માંથી 56 આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. જ્યારે જુદા જુદા ગુનામાં જેલની સજા ભોગવતા રજા લઇને પાછા હાજર નહી થયેલા પેરોલ વોન્ટેડના કુલ 63 આરોપીઓ ધ્યાને આવ્યા હતા. જેમાંથી 32 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા.

જિલ્લામાં અનેક ગુનાઓમાં નાસતા ફરતા 305 તેમજ પેરોલ ફ્લો વોન્ટેડના 30 સહિત કુલ 335 આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. ત્યારે આવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસતંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે એલસીબી પીઆઈ એમ.ડી.ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના કેટલા આરોપીઓ છે તેની યાદી સાથે જુદી જુદી ટીમો બનાવીને વોન્ટેડ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...