તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:જોરદાર વરસાદ ખાબકતા ઝીંઝુવાડાના રણમાં વાછડાદાદા મંદિરે દર્શને ગયેલા શ્રધ્ધાળુઓની 40 ગાડીઓ રણમાં ફસાઇ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
જોરદાર વરસાદ ખાબકતા ઝીંઝુવાડાના રણમાં વાછડાદાદા મંદિરે દર્શને ગયેલા શ્રધ્ધાળુઓની 40 ગાડીઓ રણમાં ફસાઇ
  • શ્રધ્ધાળુઓની 40 ગાડીઓમાં 100થી વધુ મુસાફરો અટવાયા
  • સ્વયંસેવકો અને વાગડના યુવાનોએ સ્થળ પર પહોંચીને ફસાયેલા શ્રધ્ધાળુઓને હેમખેમ બહાર કાઢ્યા

ઝીંઝુવાડા રણમાં આવેલા ગાયોની રક્ષા કાજે બલીદાન આપનારા વિર વચ્છરાજ સોલંકીની ઐતિહાસીક જગ્યામાં જોરદાર વરસાદ ખાબકતા સેંકડો શ્રધ્ધાળુઓ વાહનો સાથે રણમાં ફસાયા હતા. ઝીંઝુવાડા રણમાં આવેલા વચ્છરાજ બેટથી 10થી 15 કિલોમીટરના અંતરે શ્રધ્ધાળુઓના વાહનો વરસાદના કારણે રણમાં ફસાઇ જતા થોડા સમય માટે દર્શનાર્થીઓ પોતાના પરિવારજનો સાથે રણમાં ફસાઇને અટવાયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં વચ્છરાજ સ્થાનકના સ્વયંસેવકો અને વાગડના યુવાનોએ સ્થળ પર પહોંચીને શ્રધ્ધાળુઓને ટ્રેક્ટરો વડે સલામત રીતે બહાર કાઢ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર કચ્છના નાના રણમાં ઝીંઝુવાડા રણમાં આવેલા વચ્છરાજ દાદાના સ્થાનકે શ્રધ્ધાળુઓ સમયાંતરે માથું ટેકવવા આવતા હોય છે. રવિવારે જાહેર રજા હોવાથી સુરત, રાજકોટ, વિરમગામ, કચ્છ અને ગાંધીનગરમાંથી સેંકડો શ્રધ્ધાળુઓ પોતાના વાહનો સાથે પરિવારજનોને લઇને રણમાં વાછડાદાદાના દર્શને આવ્યા હતા. જેમાં રણમાં અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થતાં શ્રધ્ધાળુઓ પોતાના વાહનોમાં પોતાના વતન પરત ફરવા રવાના થયા હતા, પરંતુ વેરાન રણમાં અચાનક મુશળધાર વરસાદ ખાબકતા વચ્છરાજ બેટથી 10-15 કિલોમીટર પાટડી-ધ્રાંગધ્રા બાજુના રણના રસ્તે કાદવ-કીચડ થઇ જતા એમના વાહનો ફસાઇ ગયા હતા. જેના કારણે અફાટ રણમાં આ શ્રધ્ધાળુઓ સંપર્ક વિહાણા અને વિખુટા પડ્યાં હતા. જેમાં રણમાં મોબાઇલ પર નેટવર્કના અભાવે એમની હાલત અત્યંત કફોડી બનવા પામી હતી.

ઘટનાની જાણ સ્થાનિક વચ્છરાજબેટના સંચાલકો, ધ્રાંગધ્રા, આડેસર અને પલાંસવાના આજુબાજુના સેવાભાવી યુવાનોને ફોન દ્વારા થતાં તેઓ તાત્કાલિક અસરથી ટ્રેક્ટરો સાથે રણમાં ફસાયેલા શ્રધ્ધાળુઓની વહારે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ ટ્રેક્ટરોને રસ્સા બાંધીને રણમાં ફસાયેલા વાહનોને રોડ ઉપર મુખ્ય માર્ગ સુધી લઇ જવામાં આવ્યા હતા. જેમાં વિરમગામ અને રાજકોટના વાહનોને પાટડી અને ધ્રાંગધ્રાના રસ્તે મોકલવામાં આવ્યા હતા. જ્યારે સુરત અને ગાંધીનગરના પ્રવાસીઓને નજીક આવેલા વચ્છરાજબેટ ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યારે વાગડ કચ્છના દર્શનાર્થીઓને પલાંસવા બાજુના રસ્તે સહી સલામત પહોંચાડવામાં આવ્યાં હતા.

રણમાં આ બચાવ કામગીરી મોડી રાત સુધી અવિરત ચાલુ રહી હતી. જેમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી હતી કે, આ ઘટનાથી સમગ્ર સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણ જિલ્લાનું વહિવટી તંત્ર સાવ અજાણ રહ્યું હતુ અને કોઇ વહિવટી અધિકારીઓ કે કર્મચારીઓ આ બાબતથી વાકેફ ન હતા. વચ્છરાજ બેટના સ્વયંસેવકો અને આજુબાજુના ગ્રામજનો તાત્કાલિક અસરથી મદદે દોડી આવતા એક મોટી ઘટના ટળવા પામી હતી.

આ બાબતે ઝીંઝુવાડા રણના વચ્છરાજબેટના ટ્રસ્ટી લક્ષ્મણભાઇનો સંપર્ક કરાતા એમણે જણાવ્યું કે, રણમાં વાહનોમાં ફસાયેલા તમામ શ્રધ્ધાળુઓને સ્વયંસેવકો અને ટ્રસ્ટ દ્વારા હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે અને તમામને સહિ સલામત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા હતા. તો કેટલાક શ્રધ્ધાળુઓને રણમાં રેસ્ક્યું કરીને અહીં વચ્છરાજ બેટ ખાતે રાખવામાં આવ્યા છે. જેઓ રણમાં રસ્તો ચાલુ થયા બાદ પોતાના માદરે વતન પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...