તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં શનિવારે કોરોનાએ પોલીસ કર્મચારીઓને ઝપટમાં લીધા હોવાની ચિંતાજનક બાબત સામે આવી છે. શનિવારે વધુ 22 કેસ નોંધાયા હતા, તેમાં લખતરના મહિલા પીએસઆઇ તથા મૂળી પોલીસ મથકના પીએસઆઇ, રાઇટર સહિત 3 પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. મૂળીના પીએસઆઈ 2 ડોઝ લીધા બાદ જ્યારે લખતરના પીએસઆઈએ રસીનો પહેલો ડોઝ લીધો હોવા છતા પોઝિટિવ આવ્યા છે. ગુરુવાર અને શુક્રવારે, સતત 2 દિવસ સુધી 14-14 કેસ નોંધાયા બાદ શનિવારે 22 કેસ થતાં 3 જ દિવસમાં જિલ્લામાં કોરોનાના 50 કેસ નોંધાયા છે.
શનિવારે મૂળી તાલુકાના વિરપર ગામના દર્દીનું મૃત્યુ થયું હતું. વિરપર ગામે ૬૫ વર્ષીય નરશીભાઈ ગીરધરભાઈ વરમોરાને 5 દિવસ પહેલાં તાવ આવ્યો હતો. ટેસ્ટ કરાવતાં કોરોના પૉઝિટિવ આવ્યો હતો, જેથી ધાંગધ્રાની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં શનિવારે તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે કોરોનાનો એક પણ દર્દી સાજો થયો નહોતો. શનિવારે સૌથી વધુ મૂળી તાલુકામાં 10થી વધુ જ્યારે લખતર તાલુકામાં 3 કેસ નોંધાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલનાં મહિલા કર્મચારીએ રસીના 2 ડોઝ લીધા પછી પણ તેઓ પૉઝિટિવ આવ્યાં હતાં.
કોઈ દર્દી સાજા ન થતાં કોરોનામુક્તનો આંક 3227 પર જ સ્થિર રહ્યો હતો જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 179 પર પહોંચી છે.
ગાંધી હોસ્પિટલના મહિલા કર્મચારી હોમ આઇસોલેશનમાં
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં ફરજ બજાવતાં ભાવનાબહેન બી. વાઘેલાએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ 22 જાન્યુઆરી અને બીજો ડોઝ 28 દિવસ બાદ લીધો હતો. રસીના 2 ડોઝ લીધા પછી તેમની તબિયત બગડી હતી અને ટેસ્ટ કરાવતાં 3 માર્ચે તેઓ કોરોના પૉઝિટિવ આવ્યાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ હાલ તેઓ હોમ આઇસોલેશનમાં હોવાનું મયૂરભાઈ પાટડિયાએ જણાવ્યું હતું.
મૂળી તાલુકામાં કોરોના વિસ્ફોટ : 10થી વધુ કેસ
મૂળી તાલુકામાં કેટલાક સમયથી કોરોના જાણે ભુલાઈ ગયો હોય તેમ બહુ જ ઓછા કેસો આવતા હતા પરંતુ શનિવારે મૂળીના અલગ અલગ વિસ્તારમાંથી 4 કેસ, મૂળી પોલીસ મથકના 3 કર્મચારી પૉઝિટિવ આવ્યા છે તેમજ જશાપર ગામે 4 જેટલા કેસો સાથે એક જ દિવસમાં 10 જેટલા કેસ સામે આવતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે અને આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી કરવા સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.
લખતર તાલુકામાં વધુ 3 કેસ નોંધાયા
લખતર તાલુકામાં કોરોના વાઇરસ ધીમે ધીમે વકરી રહ્યો હોય તેવું જોવા મળે છે. 1 એપ્રિલે 8 કેસ નોંધાયા બાદ 2 એપ્રિલે એક પણ કેસ નોંધાયો નહોતો. જોકે 3 એપ્રિલે તાલુકામાં વધુ 3 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં લખતર શહેરમાં 2 અને તાલુકાનાં બજરંગપુરા ગામે 1 કેસ મળી કુલ 3 કેસ નોંધાયા છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.