હવે મંગળની રાહ:390 પંચાયતના સરપંચ પદના 1938, સભ્ય પદના 1938 ઉમેદવાર માટે 73.74% મતદાન

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થાનગઢ તાલુકાના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વહેલી સવારથી જ મહિલાઓ અને પુરુષોમાં ઉત્સાહ દેખાયો હતો. - Divya Bhaskar
થાનગઢ તાલુકાના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વહેલી સવારથી જ મહિલાઓ અને પુરુષોમાં ઉત્સાહ દેખાયો હતો.

ઝાલાવાડમાં 390 ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો હતો. રવિવારે જિલ્લામાં શાંતિપૂર્વક મતદાન યોજાયું હતું, જેમાં સરેરાશ 73.74 ટકા જેટલું મતદાન થયું હતું. સામાન્ય બોલાચાલીને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં કોઈ જગ્યાએ મોટી માથાકૂટ થઈ ન હતી, જેમાં ખાસ કરીને અતિ સંવેદનશીલ ગામોમાં પોલીસે ચાપતા બંદોબસ્તની સાથે સતત પેટ્રોલિંગ પણ ચાલુ રાખ્યું હતું. જ્યારે મંગળવારે મતગણતરી યોજાશે.

ઝાલાવાડમાં 390 ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો હતો. ખરાખરીના આ ખલમાં રવિવારે જિલ્લામાં શાંતિપૂર્વક મતદાન યોજાયું હતું, જેમાં સરેરાશ 73.74 ટકા જેટલું મતદાન થયું હતું. સવારે 7 વાગ્યાથી ચાલુ થયેલા મતદાનમાં પુરૂષોએ વધુ મતદાન કર્યું હતું પરંતુ 9 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં મહિલાઓનું મતદાન વધુ થયું હતું. સામાન્ય બોલાચાલીને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં કોઈ જગ્યાએ મોટી માથાકૂટ થઈ ન હતી, જેમાં ખાસ કરીને અતિ સંવેદનશીલ ગામોમાં પોલીસે ચાપતા બંદોબસ્તની સાથે સતત પેટ્રોલિંગ પણ ચાલુ રાખ્યું હતું. સરપંચ પદ માટેના 379 અને સભ્ય પદના 1938 ઉમેદવારનાં ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા છે. મંગળવારે મતગણતરી યોજાશે, જેમાં ગામના રાજા અને સભ્યોનું ભાવિ નિશ્ચિત થશે.

જિલ્લાની 497 પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ તા.29 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જેમાં 1861 સરપંચ અને 7556 સભ્યોના કુલ ફોર્મ આવ્યા હતા. જેમાંની 80 ગ્રામપંચાયતો સમરસ જાહેર થઇ હતી. જ્યારે સરપંચના 13 અને સભ્યોના 91 ફોર્મ અમાન્ય થયા હતા. જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 628 સરપંચ અને 593 સભ્યોના ફોર્મ પરત ખેંચાયા હતા.આમ બાકી રહેતી ગ્રામપંચાયતો માટે 379 સરપંચ અને 1938 સભ્યના ઉમેદવારો માટે ગ્રામપંચાયત ચૂંટણી જંગ રહ્યો હતો. જ્યારે સરપંચની 6 બેઠક અને સભ્યોની 156 બેઠક પર એક પણ ફોર્મ ન ભરાતાં 390 પંચાયતો માટે હવે ચૂંટણી જંગ રહ્યો હતો.

રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 116 ચૂંટણી અધિકારી, 116 મદદનીશ ચૂંટણી અધિકારી અને 4429 પોલિંગ સ્ટાફ અને 1540નો પોલીસ સ્ટાફ તૈનાતીમાં મતદાન હાથ ધરાયું હતું. જિલ્લાનાં 800 મતદાન મથકો 390 સરપંચ અને સભ્યોના પદ માટે મતદાન યોજાતા 3,53,604 પુરૂષ અને 3,16,143 મહિલા એમ કુલ 6,69,747 મતદારો પૈકી 263214 પુરૂષ અને 229351 મહિલાઓએ મતદાન કરતા કુલ 492565 મતદારે મતદાન નોંધાયુ હતુ.

કાતીલ ઠંડી વચ્ચે 80% મતદાન નોંધાયું
ઘ્રાંગઘ્રામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 58 ગામની ચૂંટણી મતદાન સવારમાં ઠડીને લઈને ધીમુ હતું. જેમ ગરમી પારો ચડતો ગયો તેમ મતદાનમાં વધારો જોવા મળતો હતો. ત્યારે ગ્રામપંચાયત પંચાયત ઘર ચૂંટણીમાં 80 ટકા જેટલું મતદાન થયુ છે. વાડી અને દૂર રહેતા મતદારોને છેલ્લી ઘડીએ વાહનોમાં કાર્યકરો દ્વારા લાવી મતદાન કરતા જોવા મળ્યા હતા. સામાન્ય બોલાચાલી સિવાય શાંતિ પૂર્ણ રીતે મતદાન ડેપ્યુટી કલેક્ટર બી.કે.દવેના માર્ગદર્શન નીચે મામમલદાર કાશ્મીરાબેન હીરાણી અને સ્ટાફ દ્વારા ચૂંટણી કામગીરી કરાઈ હતી.

45 પંચાયતમાં સરેરાશ 81.17 % મતદાન
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના 45 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે યોજાઇ હતી. હળવદ પંથકના સાપકડા ઘનશ્યામપુર સહિતના ગામોમાં રહેતા 45 જેટલા ગામોમાં શાંતિપૂર્વક મતદાન થયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પુરતો બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. તાલુકાના 45 ગામોના 37923 પુરુષ, 33813 મહિલા સહિતના કુલ 71736 મતદારો હતા. જેમાંથી 31530 પુરુષો તેમજ 26700 મહિલાઓએ મતદાન કરતા કુલ 58230 મતદારોએ મતદાન કરતા આમ કુલ 81.17ટકા મતદાન થયું હતું.

ચોટીલા. શાંતિપૂર્ણ રીતે 77.83% મતદાન
ચોટીલા તાલુકામાં 50 ગામોમાં 83 બુથ ઉપર ગ્રામ પંચાયત ની ચૂટણી યોજાયેલ કુલ 64524 મતદારો પૈકી 77.83 % થી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલ છે. રેશમિયા અને મોરસલ ગામે મતદાન પૂર્ણ સમય પહેલા મતદારો વધુ સંખ્યામાં હોવાથી બન્ને ગામોમાં સમય કરતા 1 કલાક વધુ મતદાન ચાલ્યું હતું. કાંધાસર 2 ઉમેદવાર જૂથ સામ સામે આવ્યાના અહેવાલ મળતા પોલીસ અધિકારી દોડી ગયેલ હતા. જોકે નોંધનીય કોઇ ઘટના કે માથાકૂટ વગર પંથકમાં ચૂટણી પુરી થતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.

લખતર. વિઠ્ઠલાપરામાં સૌથી વધુ 95.37% સાથે તાલુકામાં 78.82% મતદાન થયું
લખતર તાલુકાની 32 ગ્રામપંચાયતો માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વહેલી સવારથી જ લખતર ગામ તેમજ ગ્રામ્ય વિસ્તારોના મતદાન મથકો ઉપર લાઈનો દેખાઈ હતી. તો બપોરનાં સમયે મતદાન મથકો મતદારોની ઉભરાયા હતા. ત્યારે લખતર તાલુકાનાં વિઠ્ઠલાપરા ગામે તાલુકામાં સૌથી વધુ 95.37 ટકા મતદાન થયું હતું. જ્યારે સાકર, કડુ, માલીકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારું મતદાન થયું હતું. તો તરમણિયા, લીલાપુર સહિતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ઓછું મતદાન થયું હતું. મતદાનના દિવસે વૃદ્ધો, દિવ્યાંગો, મહિલા, યુવાનો, પુરૂષોએ મોટી સંખ્યામાં મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. તો લખતર શહેરમાં સરપંચપદ માટે 3 ઉમેદવાર હોવાથી ત્રિપાંખિયા જંગમાં બાજી કોણ મારશે તે તો 21 ડિસેમ્બરે જ ખબર પડશે. તો સાંજે 5 વાગ્યા સુધીમાં લખતર તાલુકામાં સરપંચ પદ માટે 78.82 ટકા મતદાન નોંધાયું હતું.

થાન. 17 ગ્રામ પંચાયત માટે 74.98% મતદાન, સવારથી જ લાંબી લાઈન લાગી
​​​​​​​થાનગઢના 17 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન યોજાયું હતું.જેમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. મોટાભાગના સિરામિક એકમોના કર્મીઓએ રજા રાખીને મતદાનમા લાભ લીધો હતો. આથી વહેલી સવારથી જ દરેક મતદાન મથકોએ પુરૂષો અને મહિલાઓની લાઇનો લાગી ગઇ હતી. જ્યારે નવાગામ, સારતાણા અને અમરાપર જ્ઞાતિમાં જૂથ અથડામણમાં ગામ છોડી લોકો જે જતા રહ્યા હતા. તેમના પૂર્ણ વસવાટ કરવા આવ્યા પછી પહેલી ચૂંટણી હતી તે સરકાર માટે પડકાર પણ હતી. પરંતુ આ ગામોમાં પણ એકંદરે બંને જ્ઞાતિએ ભેગા મળીને શાંતિ રાખીને મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. આમ થાન તાલુકામાં 17 ગ્રામપંચાયતોના કુલ 25,408 મતદારો પૈકી 10069 પુરૂષ અને 8932 સ્ત્રીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આથી 74.98 ટકા જેટલુ મતદાન થવા પામ્યું હતું.

મૂળી. તાલુકામાં સરેરાશ 80% મતદાન નોંધાયું
​​​​​​​મૂળી તાલુકામાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મોટા ભાગનાં બુથો પર સવારથી જ મતદારોની ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન ઉમરડા ગામે પોલીસ જવાન સાથે સ્થાનિક યુવક દ્વારા ઝપાઝપીનો બનાવ બનતા ડીવાયએસપી એચ.પી.દોશી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે વગડિયા ગામે 2 જ બુથનાં કારણે કલાકો સુધી મતદારોને લાઇનામાં ઉભા રહેવુ પડ્યું હતું. અને જેનાં કારણે 7 વાગ્યા સુધી મતદાન શરૂ રહ્યું હતું. સમગ્ર મૂળી તાલુકામાં શાંતિપૂર્ણ રીતે સરેરાશ 80 ટકા મતદાન નોંધાયું હતું.

ચુડા. 75.6% મતદાન, બલાળામાં બોલાચાલી ચુડા સહિત તાલુકાના 31 ગામોમાં 34,354 પુરુષ અને 30,220 સ્ત્રી કુલ મળીને 64,574 મતદારો હતા. જેમાંથી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બલાળા ગામની પંચાયતની ચૂંટણીમાં કોઈ કારણસર ઉમેદવારો અને તેમના ટેકેદારો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે 15થી 20 મિનિટ માટે મતદાનની ગતિ ધીમી પડી ગઈ હતી. પોલીસ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ પહોંચીને મામલો થાળે પાડયો હતો. બાકીના તમામ ગામોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. ચુડામાં 75.6 ટકા મતદાન થયું હતું.

પાટડી. દસાડા તાલુકામાં 77.29% મતદાન
દસાડા તાલુકાની 88 ગ્રામ પંચાયતોમાંથી કુલ 75 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાઇ હતી. દસાડા તાલુકામાં સવારે 7થી 9 અને સાંજે 5થી 6 કડકડતી ઠંડીમાં ઓછુ મતદાન. જ્યારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ધીમુ મતદાન નોંધાયું હતું. જેમાં સવારે 7થી 9 વાગ્યા સુધીમાં દસાડા તાલુકામાં માત્ર 10.06 ટકા, 9 થી 11 વાગ્યા સુધીમાં 16.82 ટકા, 11થી બપોરે 1 વાગ્યા સુધીમાં 16.84 ટકા, 1થી 3 વાગ્યા સુધીમાં 16.74 ટકા, 3થી 5 વાગ્યા સુધીમાં 13.17 ટકા અને સાંજે 5 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં કુલ 77.29 ટકા મતદાન નોંધાયું હતું.

લીંબડી. 75.95% મતદાન, બોરાણાને બાદ કરતાં તમામમાં શાંતિપૂર્ણ મતદાન
લીંબડી તાલુકાના 39 ગામોના સરપંચ સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી. 39 ગામોમાં 44,494 પુરુષ અને 39,262 સ્ત્રી એમ કુલ મળી 83,756 મતદારો હતા. બોરણા ગામના ઉમેદવાર સંજયભાઈ ગળથરાએ આરોપ મૂક્યો હતો કે મતદાન મથકમાં પોલીંગ એજન્ટને જે મતદાર યાદી માર્ક કરવા આપી હતી તે માર્ક કરેલી મતદાર યાદી બુથથી બહાર નીકળી ગઈ હતી. જેના કારણે ક્યાં મતદારો મતદાન કરવા નથી આવ્યા તે જાણીને બાકી રહેલા મતદારોને લાલચ આપી મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે થોડી રકઝક થઈ હતી. પીએસઆઈ વી.એન.ચૌધરી સહિત પોલીસ કાફલો બોરણા ગામે પહોંચી ગયો હતો. આમ લીંબડી તાલુકામાં 75.95 ટકા મતદાન થયું હતું. બાકીના તમામ ગામોમાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું.

સાયલા. 75% મતદાન, 80થી વધુ હોમગાર્ડ જવાનો ચૂંટણીથી વંચિત રહ્યા
​​​​​​​તાલુકાની 60 ગ્રામ પંચાયતમાં 12 ગ્રામ પંચાયત સમરસ થતા 48 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. એકદંરે સાયલા, સુદામડા અને છેવાડાના વિસ્તારોમાં શાંતિપૂર્ણ સાંજના 5 કલાક સુધીમાં 73.16 ટકા મતદાન થયંુ હતું. સાયલા મામલતદાર પી.બી.કટગરીયા, તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર, ચૂંટણી અધિકારી જે.પી.રાણા સહિત કર્મચારીઓએ સુરક્ષા અને ઝડપી મતગણતરીને ધ્યાને લઇ 2 સ્ટ્રોંગ રૂમ અને 13 કાઉન્ટિંગ રૂમની વ્યવસ્થા કરી હોવાનું જોવા મળે છે. સાયલા શહેરમાં 80થી વધુ હોમગાર્ડ જવાનો ચૂંટણીની ફરજમાં રોકાયેલા છે. પરંતુ ચૂંટણીમાં મતદાનથી વંચિત રહી ગયા હતા. હોમગાર્ડ કમાન્ડર ગિરધરભાઇ અઘારાના જણાવ્યા મુજબ તમામ હોમગાર્ડની સૂચિ અને જરૂરી ફોર્મ તંત્રમાં રજૂ કર્યા હોવાનું જણાવ્યું હતું.

જિલ્લામાં આ વર્ષ અને 2006ના મતદાનની ટકાવારી

તાલુકોપંચાયતટકાવારી2016વધઘટ
વઢવાણ3278.3684.27-5.91
લખતર3278.8278.270.55
લીંબડી3975.9580.69-4.74
ચૂડા3175.0679.14-4.08
સાયલા4878.4781.18-2.71
ચોટીલા5077.8380.82-2.99
થાનગઢ1782.1583.17-1.1
મૂળી3780.0784.04-3.97
ધ્રાંગધ્રા4678.3482.96-4.62
દસાડા5877.2976.990.3

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...