"સ્કૂલ ચલે હમ":કચ્છના નાના રણમાં એસટી બસોને મોડીફાઈ કરીને 35 અદ્યતન રણ બસશાળા બનાવાઈ, 400થી વધુ અગરિયા ભુલકાઓ મેળવે છે શિક્ષણ

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
કચ્છના નાના રણમાં એસટી બસોને મોડીફાઈ કરીને 35 અદ્યતન રણ બસશાળા બનાવાઈ
  • આ બસ શાળામાં 18થી 24 ભુલકાઓ બેસી શકે એવી વ્યવસ્થા
  • બંન્ને સાઇડ 4-4 મળી કુલ 8 પંખા અને 6 એલઇડી લાઇટ મુકવામાં આવી
  • દેશની 10 દુર્લભ શાળામાં પસંદગી પામેલી રણ તંબુશાળા ભૂતકાળ બની

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જૂની એસ.ટી.બસોને મોડીફાય કરીને 35 અદ્યતન રણ બસ શાળા બનાવી છે. જેમાં 340 અગરિયા ભુલકાઓ પ્રાથમિક શિક્ષણનું ભાથું મેળવી રહ્યાં છે.

આ રણ બસ શાળામાં બસની નીચેની સાઇડમાં ડીઝલની ટાંકી પાસે એક મોટું ખાનુ બનાવી એમાં સિન્ટેક્સની ચોરસ ટાંકી ફીટ કરી અગરિયા ભુલકાઓને પીવાના પાણી માટે એમાં નળ પણ મુકવામાં આવેલા છે. આ રણ બસ શાળામાં 18થી 24 ભુલકાઓ બેસી શકે એવી વ્યવસ્થા સાથે બંન્ને સાઇડ 4-4 મળી કુલ 8 પંખા અને 6 એલઇડી લાઇટ મુકવામાં આવી છે. બસની ઉપર 300-300 વોટની 5 સોલાર પેનલો લગાવેલી છે. જેનાથી રણમાં આખો દિવસ આ રણ બસ શાળાના તમામ પંખા, લાઇટ અને ટેલિવિઝન ચાલુ રાખવા પુરતી વિજળી મળી શકે. આ રણ બસ શાળામાં એક મોટું ગ્રીન બોર્ડ અને કુલ 6 સોફ્ટ બોર્ડ કે જેમાં અગરિયા ભુલકાઓએ દોરેલા ચિત્રો અને પેઇન્ટિંગ પણ લગાવી શકાય. આ રણ બસ શાળાની અંદર ઘડીયા, સાદા દાખલા સહિત અગરિયા ભુલકાઓને ઉપયોગી એવા વિવિધ ચાર્ટ પણ લગાવેલા છે.

આ રણ બસ શાળામાં કાચની બારીની જગ્યાએ લોઅર્સ લગાવેલા છે. જેનાથી રણમાં પવન અને તડકાને ઉપર નીચે કરીને કન્ટ્રોલ કરી શકાય છે. બસની અંદર વૃક્ષો અને કાર્ટુન મૂકી સુંદર રીતે ડેકોરેટ પણ કરવામાં આવી છે. અંદાજે સવા બે કરોડના ખર્ચે બનનારી આ 30 રણ બસ શાળાની બહાર આઇન્સ્ટાઇન, બેડમિંટન ચેમ્પિયન સાનિયા નહેવાલ, બોક્સીંગ ચેમ્પિયન મેરીકોમ અને સ્વામી વિવેકાનંદ જેવી પ્રેરણા મૂર્તિના ફોટા અને કોટ પણ મુકવામાં આવ્યા છે. બસની પાછળન‌ા ભાગમાં અગરિયા ભુલકાઓને બસમાં ચઢવા માટેની સીડી પણ એડજેસ્ટેબલ છે, જે ધક્કો મારો તો અંદરની સાઇડ જતી રહે અને ખેંચો તો બહારની સાઇડ નીકળી જાય.

રણ તંબુ શાળા - 14

અગરિયા ભુલકાઓ - 340

રણ બસશાળા - 30

રણ બસશાળાની કેપીસીટી - 18થી 24 ભુલકાઓ

પંખા - 8

એલઇડી લાઇટ - 6

ગ્રીન બોર્ડ - 1

સોફ્ટ બોર્ડ - 6

સોલાર પેનલો - 5

રણ દીઠ બસ શાળા અને વિદ્યાર્થીઓની સ્થિતી

ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણ - 15 રણ બસશાળા - 340 વિદ્યાર્થીઓ

સાંતલપુર રણ - 8 રણ બસશાળા - 225 વિદ્યાર્થીઓ

ધ્રાંગધ્રા, હળવદ, મોરબી અને માળીયા રણ - 7 રણ બસશાળા - 150 વિદ્યાર્થીઓ

દેશની 10 દુર્લભ શાળામાં પસંદગી પામેલી રણ તંબુશાળા ભૂતકાળ બની

થોડા સમય અગાઉ રણમાં યુ.કે.થી આવેલી એક સંસ્થાએ રણ તંબુશાળાનો દેશની 10 દુર્લભ શાળામાં સમાવેશ કર્યો હતો. પરંતુ રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓ બસશાળામાં શિક્ષણ મેળવી રહ્યાં છે. આથી દેશની 10 દુર્લભ શાળામાં પસંદગી પામેલી રણ તંબુશાળા હવે ભૂતકાળ બની છે. રણમાં "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવતા અગરિયાઓના ભુલકાઓ માટે શિક્ષણ મેળવવું એક કઠોર સાધના સમામ છે. ભારતમાં અપાતા શિક્ષણના સર્વે માટે છેંક યુ.કે.થી આવેલી ખાસ ટીમેં 'ગોઇંગ ટુ સ્કુલ ઇન ઇન્ડિયા' નામના પ્રોજેક્ટ હેઠળ યુ.કે.ની શિક્ષિકા લીઝા હેડલૌફે પોતાની ટીમ સાથે ભારતના તમામ રાજ્યોમાં ખુણેખાંચરે આવેલા સ્થળોની મુલાકાત લઇ તેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી હતી. જેમાં રાજસ્થાનમાં ફાનસના અજવાળે ચાલતી રાત્રી શાળા, કોલકત્તામાં વ્હિલચેર પર ચાલતી શાળા, લદાખમાં પર્વતની ટોચ પર ચાલતી શાળા, ઓરિસ્સામાં ટેકરી પર ચાલતી શાળા, આંન્ધ્રપ્રદેશમાં પાણીમાં હોડીમાં ચાલતી શાળા, કાશ્મિરમાં સરોવરની વચ્ચે ટાપુમાં ચાલતી શાળા, જૂની દિલ્હીમાં ગીચ ગલીમાં ચાલતી શાળા, લદાખમાં મઢમાં ચાલતી શાળા અને મુંબઇમાં બસમાં ચાલતી એક શાળા સહિત ગુજરાતની એકમાત્ર વેરાન રણમાં કંતાનના ઝુંપડામાં ચાલતી રણ શાળાનો દેશની દશ દુર્લભ શાળામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રણમાં વર્ષોથી તંબુમાં ચાલતી આ અનોખી શાળા 3 ફુટ જમીનની અંદર અને 4 ફુટ જમીનની ઉપર બનાવવામાં આવતી હતી. જેથી રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓને રણમાં પડતી શિયાળાની કારમી ઠંડી અને ઉનાળાના આકરા તાપની કોઇ પ્રતિકૂળ અસર ના થાય. પરંતુ દેશની 10 દુર્લભ શાળામાં પસંદગી પામેલી એક સમયની રણ તંબુશાળા હવે ભવ્ય ભૂતકાળની ગર્તામાં ધકેલાઇ જશે. કારણ કે, ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલુ વર્ષથી રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓને એસ.ટી.નિગમની જૂની મોડીફાય કરેલી બસમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલમાં રણના 400 જેટલા અગરિયા ભુલકાઓને બસશાળામાં પ્રાથમિક શિક્ષણનું ભાથું અપાઇ રહ્યું છે.

ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો રણ બસ-શાળાનો ડ્રીમ પ્રોજેક્ટ

અત્યાર સુધી રણના અગરિયા ભૂલકાઓ રણમાં તંબુ શાળામાં શિક્ષણ મેળવતા હતા. રણમાં અગરિયા ભૂલકાઓ હવે બસમાં શિક્ષણ મેળવી રહ્યાં છે. જેમાં જૂની બસને મોડીફાય કરીને અત્યાધુનિક સુવિધા સાથેનો 24 ભૂલકા બેસી શકે એવો ક્લાસ બનાવવામાં આવ્યો છે. સોલાર પેનલથી સજ્જ એવી આ ક્લાસરૂમ બસમાં ટીવી અને ડિશ એન્ટીના લગાવી ભૂલકાઓને શૈક્ષણિક કાર્યક્રમો બતાવવામાં આવે છે. ગુજરાત સરકારના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સર્વ શિક્ષા અભિયાનના સચિવ પી.ભારતી, એસ.ટી.નિગમના સચિવ સોનલ મીશ્રા, અગરિયા હિતરક્ષક મંચના હરણેશભાઇ પંડ્યા, મધ્યાન્હ ભોજન અને આંગણવાડીના અધિકારો વચ્ચે યોજાયેલી મેરોથોન મીટીંગમાં કેટલાક ઐતિહાસીક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓના ભૂલકાઓ તંબુ શાળાના બદલે જુની ખખડધજ બસોને મોડીફાય કરીને તૈયાર કરેલી બસમાં શિક્ષણનું ભાથુ મેળવી રહ્યાં છે. આ બસની તમામ સીટોને કાઢી નાખી લાકડાનું ફ્લોરીંગ લગાવી એમાં કાર્પેટ પાથરી 12 પંખાઓ લગાવવામાં આવ્યા છે. 12 મીટર લંબાઇમાં લંબાઇમાં 24 ભૂલકાઓ શિક્ષણ મેળવી શકે એવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોલર પેનલથી સજ્જ આ બસમાં ટીવી અને ડિશ એન્ટીના મુકીને અગરિયા ભૂલકાઓને શિક્ષણને લગતા કાર્યક્રમો બતાવવામાં આવે છે. આ બસને રણમાં રાત્રે લોકની સુવિધા પણ કરવામાં આવી છે. આ બસમાં પાછળની સાઇડમાં સીડી મુકવામાં આવશે. વર્ષની શરૂઆતમાં ટ્રેક્ટરની પાછળ એન્જીન વગરની આ બસને રણમાં સ્કુલના સ્થળે મુકવામાં આવી છે. અને વર્ષના અંતે આ બસને ટ્રેક્ટરમાં ટ્રોલીની જેમ આ સ્કુલના શિક્ષકની જે તે ગામની શાળાના કમ્પાઉન્ડમાં મુકવામાં આવે છે.

સરકારી શિક્ષક અને બાલદોસ્ત શિક્ષણનું ભાથુ આપશે આ અંગે અગરિયા હિત રક્ષક મંચના હરણેશભાઇ પંડ્યાએ જણાવ્યું કે, ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપેલા આદેશ મુજબ હવેથી રણમાં અગરિયા ભૂલકાઓને PTC કે B.A. B.ED. શિક્ષકની સાથે બાલ દોસ્ત એમ બે જણા શિક્ષણનું ભાથું આપશે.

ભૂતપૂર્વ શિક્ષણમંત્રીને મીઠા ઉદ્યોગનો હવાલો હોવાથી લાભ મળ્યો ગુજરાત સરકારના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મીઠા ઉદ્યોગનો પણ હવાલો હોવાથી તેઓ મીઠામાં કામ કરતા અગરિયાઓના ભૂલકાઓના શિક્ષણથી વાકેફ હોવાથી રણમાં મીઠું પકવતા અગરિયા ભૂલકાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હતુ.

અગરિયા ભુલકાઓને ટેબ્લેટ દ્વારા શીક્ષણનો સેવાયજ્ઞ

કોરોનાના લીધે બે વર્ષ સુધી તમામ સ્કુલોની સાથે રણ બસ શાળાઓ પણ બંધ હતી. ત્યારે અગરિયા ભુલકાઓને ટેબ્લેટ દ્વારા શીક્ષણનો સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે. અગરિયા હિત રક્ષક મંચ દ્વારા અગરિયા બાળકોનું શિક્ષણ ન બગડે એ વાતને ધ્યાનમાં લઇને રણમાં અગરિયાઓના ઝુપડે-ઝુપડે જઇ ટેબ્લેટ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતુ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતનાં ખુણેખુણાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે અગાઉ રણમાં મીઠું પકવતા અગરિયા બાળકોને પહેલા તંબુમાં શિક્ષણ પુરૂ પાડવામાં આવતુ હતુ. બાદમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જૂની ખખડધજ થયેલી બસોને મોડીફાય કરીને રણમાં બસોમાં જે તે ગામના સરકારી શિક્ષકો દ્વારા રણમાં બસોમાં શિક્ષણનું ભાથુ પુરૂ પાડવામાં આવતુ હતુ. પરંતુ કોરોનાના લીધે હાલમાં ગુજરાતની તમામ શાળાઓની સાથે રણ બસ શાળાઓ પણ બંધ હાલતમાં હતી. અને જે તે શાળાઓના બાળકોને તો ઓનલાઇન શિક્ષણની સુવિધાઓ આપવામાં આવી હતી. ત્યારે રણમાં એક બાજુ ઇન્ટરનેટની કોઇ સુવિધાઓ નથી. ત્યારે અગરિયાઓના ભુલકાઓ આખુ વર્ષ શિક્ષણથી વંચિત ન રહે એ માટે અગરિયા હિત રક્ષક મંચના સ્ટાફ દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓના ઝુંપડે-ઝુંપડે જઇ ટેબ્લેટ દ્વારા શિક્ષણનું ભાથું પુરૂ પાડવામાં આવી હતુ. આ તમામ ટેબ્લેટોમાં શિક્ષણને લગતા પ્રોગ્રામો ઇસ્ટોલ કરી રણમાં અગરિયાના બાળકોને શિક્ષણના સેવાયજ્ઞનું કામ અવિરત ચાલી રહ્યું છે.

કોરોનાના લીધે સ્કુલો બંધ હતી અને રણમાં મીઠું પકવતા અગરિયાના નાના-નાના બાળકો આખુ વર્ષ શિક્ષણથી વંચિત રહે તો એમના શિક્ષણ પર અવળી અસર થવાની શક્યતા હતી. જેથી અમારી ટીમના સ્ટાફ દ્વારા રણમાં જઇ અલગ-અલગ ટેબ્લેટ દ્વારા અગરિયા બાળકોને હાલમાં શિક્ષણનું ભાથું પુરૂ પાડવાનો અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જે આજે પણ અવિરત ચાલુ જ છે.

રણના સર્વે નંબર ઝીરોમાં ઇન્ટરનેટ પહોચ્યું

અરીસા વડે સંવાદ કરતા અગરિયાઓ હવે ઓનલાઈન ગુજરાતના સર્વે નંબર ઝીરોને ઇન્ટરનેટથી જોડતો 'ઝીરો કનેક્ટ' કાર્યક્રમની થોડા સમય અગાઉ વેરાન રણમાં ઉજવણી કરવામાં આવી હતી. જે વિેસ્તારમાં સંવાદનું કોઇ માધ્યમ જ ન હોય અને અરીસો નાખીને એકબીજાને સંદેશો આપવાનો થતો હોય એવા રણ પ્રદેશમાં હવે ઇન્ટરનેટ પહોચ્યું છે. જેના થકી અગરિયાઓ પણ ઓનલાઇન થયા છે. રણમાં વાઇફાઇની ટેકનોલોજી લાવનાર ડિઝીટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઓસામા બંઝરે જણાવ્યું કે, રણમાં રહેતા અગરિયાઓ હવે દુનિયા માટે દ્રશ્યમાન થશે. અને ટૂંક સમયમાં રણના નકશા પર અક્ષાંશ રેખાંશ થકી આપણે તેમને જોઇ શકીશુ. જ્યારે અગરિયા હિત રક્ષક મંચના ટ્રસ્ટી હરિણેશભાઇ પંડ્યા અને પંક્તિબેન જોગે જણાવ્યું કે, ટેબ્લેટ દ્વારા રણશાળામાં ભણતા બાળકોનું ભણતર થોડુ મજાનું બનશે. મોબાઇલ વાનમાં ઓનલાઇન સુવિધા છે.તેનાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓને વિવિધ યોજનાઓ સાથે જોડવાનું સરળ બનશે. તેમને રણબેઠા ઝેરોક્ષ, અરજી લખવાની અને પ્રિન્ટ કરવાની સુવિધા પણ પાટા બેઠા મળશે. આગામી દિવસોમાં રાશન અંગેની કૂપન કાઢવાની સુવિધા પણ રણબેઠા મળશે. અને હવેથી રણમાં મીઠું પકવતા અગરિયાઓને ડીઝીટલ સરનામું મળશે. અને અગરિયા સમુદાયમાં રોજગારીની તકો વધશે. અને હવે અગરિયાઓ સારા સપના જોતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...