સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં મે-2022ના માસમાં 33 વાહન ડિટેઇન કરીને જુદા જુદા નિયમોના ભંગના કારણે રૂ. 8.81 લાખનો દંડ લોકો પાસે વસૂલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સમસ્યાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ નિયમોનો ભંગ કરીને વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. પરિણામે ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, હેન્ડલુમ ચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, પતરાવાળી તેમજ જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી.
જેમાં મે-2022 એટલે કે છેલ્લા 1 માસમાં જુદા જુદા નિયમોનો ભંગ કરતા 2223 લોકોને હાજર દંડ રૂ. 7,00,100 કરાયો હતો. આ ઉપરાંત 33 જેટલા વાહનચાલકોના વાહનો ડિટેઇન કરીને 1,77,700નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા 37 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. 3700નો દંડ કરાયો હતો.
આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના -2, ટ્રાફિકને અડચણરૂપ લારી,રિક્ષા વગેરે જેવા 16 કેસ તેમજ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર 3 લોકો સામે કેસ કરાયા હતા. આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 2314 લોકો ઝપટે ચડતા રૂ. 8,81,500નો દંડ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.