ખેડૂતોમાં રોષ:પાટડીની કઠાડા-સાવડા કેનાલમાં પાણીના અભાવે એમદગઢની 300 વિઘા જમીન પડતર રહી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથાભારે ખેડૂતો અને નર્મદા નિગમના અધિકારીઓની મિલીભગતના કારણે ખેડૂતોને પિયતનું પાણી મળ્યું ન હોવાનો આક્ષેપ

દસાડા તાલુકાની કઠાડા-સાવડા ધોળાકુવા માઈનોર નર્મદા કેનાલ પર માથાભારે ખેડૂતો અને નર્મદા નિગમના અધિકારીઓની મિલીભગતના કારણે ખેડૂતોને પિયતનું પાણી મળ્યું નથી. જેથી તંત્રના વાંકે એમદગઢની અંદાજે 300 વીઘા જમીન પિયત પાણી વગર પડી રહેતા ખેડૂતો ચૂંટણી ટાણે જ લાલઘૂમ બન્યાં છે.

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ દસાડા તાલુકાને થયો હોવાની સાથે દસાડાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચી ગયા હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે. ત્યારે દસાડા તાલુકાના એમદગઢના ખેડૂતોને નર્મદા નિગમના પાપે અંદાજે 300 વીઘા જમીન પીયત પાણી વગર પડી રહી છે. જ્યારે કઠાડા સાવડા કેનાલ એક અને બે નંબર ઉપર બાવડીયાનો ખડકલો જોવા મળી રહ્યોં છે.

વધુમાં આ કેનાલમા ગાબડું પાડી પાઈપ દ્વારા માથાભારે ખેડૂતો અને નર્મદાના અધિકારીઓની મિલીભગતથી પાણી ચોરી થઈ રહી છે. સલિમભાઇ ભટ્ટી અને પ્રવિણભાઇ મકવાણા સહિતના ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતુ કે, આ અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં આજ દિવસ સુધી ખેડૂતોના આ વિકટ પ્રશ્નનું કોઈ જ નિરાકરણ આવતું નથી. દસાડા તાલુકાના એમદગઢ જૈનાબાદના ખેડૂતો છેલ્લા એક મહિનાથી પાણીની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...