તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડેનું 1 વર્ષથી રોજ 30 કિમી સાઇકલિંગ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલિંગ અભિયાન. - Divya Bhaskar
ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલિંગ અભિયાન.
  • 5થી 6 વ્યક્તિથી શરૂ કરાયેલા આ ગ્રુપમાં આજે એક વર્ષના અંતે 65 જેટલા સભ્ય જોડાયા છે

કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડે કોરોનાના કપરા સમયમાં સાયકલિંગના માધ્યમથી લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત બનાવવા અદકેરું કાર્ય કરી રહ્યા છે.આવા કપરા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના આશરે 70થી 80 હજારની વસતી ધરાવતા ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી કિશોર-કિશોરીઓએ અનલોક થતા જ મે-2020 માં “Sunday Cycling” ના નામથી એક મોર્નિંગ સાયકલંગ ગ્રુપ શરૂ કર્યું. ફક્ત પાંચથી છ વ્યક્તિથી શરૂ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ 65 જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે.

શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાઈકલિંગ કરતાં આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારને બદલે દરરોજ સાઈકલિંગ કરવાનું શરૂ કર્યું હતું.ધ્રાંગધ્રા શહેરમાં સવારના પાંચ વાગે ગુડ મોર્નિંગના મેસેજ વહેતા થાય અને જોતજોતામાં તો સાઈકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મિટિંગ પોઇન્ટ પર એકત્રિત થઈ જાય અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું તેવો લક્ષ્ય નક્કી કરીને સાઇકલ સવારો નીકળી પડે.

દરરોજના સરેરાશ 30 કિલોમીટર સાયકલિંગને અંતે છેલ્લા 12 માસમાં આ ગ્રુપે અંદાજે 60 હજાર કિલોમીટરથી પણ વધુ સાઈકલિંગ કર્યું છે. માત્ર ગત માસની જ વાત કરીયે તો મે માસમાં જ તેમણે 17 હજાર કિલોમીટરથી પણ વધુ સાઈકલિંગ કર્યું હતું, પછી ભલે તે ઉનાળાની બળબળતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાઈકલિંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી.

એક બાજુ જ્યારે દેશમાં કોરોના મહામારી વચ્ચે લોકો તેમના સ્વાસ્થ્યને લઇ ચિતામાં છે. ત્યારે ધ્રાંગધ્રાના કિશોર કિશોરીઓના જીવનમાં સાઈકલિંગે એક નવા સૂર્યનો ઉદય કર્યો છે. આ ગ્રુપના તમામ સભ્યોએ બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો.

50 વર્ષની વયના લોકોમાં પણ ઉત્સાહ
ધ્રાંગધ્રામાં ભાવેશભાઈ મારવી દ્વારા શરૂ કરાયેલા સાઈકલિંગ ગ્રુપની ખાસિયત એ છે કે, આ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલિંગ કરવા આવે છે, તેમજ રોજ સાથે સાઈકલિંગ કરતા કરતા આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે. > ડો. નિલેશ સંઘવી, ગ્રુપના સભ્ય

સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રુપ વિષે જાણવા મળ્યું
સોશિયલ મીડિયાના માધ્યમથી મને આ ગ્રુપ વિષે જાણવા મળ્યું અને ત્યારબાદ હું આ ગ્રુપમાં જોડાયો. છેલ્લા છ મહિનાથી હું આ ગ્રુપનો સભ્ય છું. ગ્રુપના સભ્યો એક મહિના માટે સાઈકલિંગનો ટાર્ગેટ નક્કી કરતા હોય છે. લોકો એક જ મહિનામાં વ્યક્તિગત એક હજારથી પણ વધારે કિલોમીટર સાઈકલિંગ કરવાનો ટાર્ગેટ રાખતા હોય છે. મેં પણ મે મહિનામાં 800 કિમીથી પણ વધુ સાઈકલિંગ કર્યું હતું. > પરમ વ્યાસ, 19 વર્ષીય યુવા સાઈકલવીર

અન્ય સમાચારો પણ છે...