શિક્ષણના શ્રીગણેશ:પ્રથમ દિવસે 26.87% વિદ્યાર્થી હાજર, સંચાલકોએ સ્વાગત કર્યું, 39,606ના વાલીની સંમતિ, 36,641 હાજર

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાળામાં બાળકોનો કલરવ ગુંજી ઉઠ્યો હતો. - Divya Bhaskar
શાળામાં બાળકોનો કલરવ ગુંજી ઉઠ્યો હતો.
  • સ્કૂલમાં 50 ટકા વિદ્યાર્થીની મર્યાદામાં જ બેસાડવાના, બાકીનાને ઓનલાઇન શિક્ષણ
  • કોરોનાને કારણે ધોરણ 1થી 5નાં બાળકો છેલ્લા 20 મહિનાથી ઘરે બેસી અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે નાના ભુલકાઓની શાળાઓ ખૂલતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળ શરૂ થયો ત્યારથી શાળા, કોલેજો બંધ થતા શિક્ષણ ઓનલાઇન આધારિત થઇ ગયું હતું. કોરોના સંક્રમણ ઓછું થતા ધો.1થી 5ની શાળાઓનું પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરાવવા લોકમાંગ ઉઠી હતી. તાજેતરમાં શિક્ષણ મંત્રીએ ધો.1થી5ની શાળાઓ ખુલ્લી મુકવા છૂટ આપી હતી. આથી સોમવારે શાળાઓમાં શિક્ષણના શ્રીગણેશ થયા હતા. જેમાં પ્રથમ દિવસે વાલીઓની સંમતિ લઇ 36,641 એટલેકે 26.87 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

કોરોનાની અસર અને સંક્રમણ ઘટતા જનજીવન સામાન્ય થતા શેરી શિક્ષણ અને ત્યારબાદ કોલેજો અને ધો.10થી 12ના વિદ્યાર્થીઓને ત્યારબાદ ધો.6થી 8ની શાળાઓ ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઇ હતી. પરંતુ ધો.1થી5ના ભુલકાઓ હજુ પણ ઘેર ઓનલાઇન અભ્યાસ કરવા મજબૂર હતા. ઓફલાઇન શિક્ષણ શરૂ થયા બાદ કોઇ વિદ્યાર્થી સંક્રમિત થયાનો કેસ આવ્યો ન હતો. આથી જિલ્લામાં ધો.1થી 5નું શિક્ષણ પણ ફરી શરૂ કરવા રજૂઆત થઇ હતી. આ અંગે રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રીએ યોજેલી બેઠક બાદ ધો.1થી 5ની શાળાઓ ખુલ્લી મુકવા છૂટ આપી હતી.

જેમાં વિદ્યાર્થીઓને ફરજિયાત નહીં પણ સ્વૈચ્છિક વાલીઓની સંમતિથી હાજર રહેવાનું જણાવાયું છે. જ્યારે શાળાએ ન આવનાર વિદ્યાર્થીઓ માટે શાળાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ કરવાની વ્યવસ્થા કરવાનું જણાવાયું હતું.જેમાં શાળાના વર્ગખંડોને નિયમિત સેનેટાઇઝ કરવા સાથે 50 ટકાની ક્ષમતા સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવા જણાવાયું હતું.

આથી સુરેન્દ્રનગર જિલ્લાની ધો.1થી5ની ખાનગી અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા કુલ 1,36,359 વિદ્યાર્થીઓ માટે શાળા ઓફલાઇન શિક્ષણના દ્વારા ખુલ્લા મુકાયા હતા. વાલીઓના સંમતિપત્રક સાથે 36,641 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે હાજર રહ્યા હતા.આમ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સામે પ્રથમ દિવસે 26.87 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

નિયમ પાલન સાથે વિદ્યાર્થીઓને આવકારાયા
સરકારના નિયમોના પાલન સાથે જિલ્લામાં સોમવારે ધો.1 થી5ની શાળા ખુલ્લી મુકાઇ છે. શાળાઓને સેનેટાઇઝ કરી બાળકોને નિયમના પાલન સાથે પ્રવેશ અપાયો હતો. પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી અને અમોએ તાલુકાની શાળાઓમાં રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યારે વાલીઓના શાળા ખુલવા અંગે અભિપ્રાય અને સંમતિ પત્રક પણ લેવાયા હતા. - મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...