તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરઆંગણે રસી આપવા માગણી:ઝાલાવાડમાં કોરોનામાં 268 વૃદ્ધનાં મોત, 38 ટકા જ વડીલોને રસી અપાઈ, 62 ટકા રસીથી વંચિત

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 20,3149 વડીલોની સામે માત્ર 77360ને જ રસી અપાઈ

ઝાલાવાડમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો હતો. અનેક લોકો તેનો શિકાર બની ચૂંકયા છે ત્યારે જિલ્લામાં 60 વર્ષથી ઉપરના વડીલોને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન આપવાની શરૂઆતી તા. 16 જાન્યુઆરી-2021થી કરવામાં આવી હતી. જેને સાડા ચાર મહિનાનો સમય થઇ જવા છતા હજુ સુધી 62 ટકા વડીલો રસીથી વંચીત છે. જિલ્લામાં 60 વર્ષથી ઉંમરના કુલ 203149 લોકો છે. જે પૈકી માત્ર 77360 લોકોને જ રસી આપવામાં આવી છે. આટલા સમય બાદ હજુ પણ 125789 વૃધ્ધો રસી લેવામાં બાકી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ તા. 23 એપ્રિલ-2020 થી આવ્યા બાદ કેસની સંખ્યા ધીરે ધીરે વધતી ગઇ હતી. તેમાં પણ બીજી લહેરમાં તો કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 7379 લોકો કરોના પોઝિટીવ આવી ચૂંકયા છે. અને સરકારી ચોપડે કોરોનાથી 127 લોકોના મોત થયા છે. પરંતુ કોરોના થયા બાદ તેની આડઅસર સહિતના જુદા જુદા કારણોને લઇને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 446 લોકોના કોરોના ગાઇડલાઇન મુજબ અગ્ની સંસ્કાર કરવામાં આવ્યા છે. જે પૈકી 60 વર્ષથી મોટી ઉંમરના 268 લોકોના મોત કોરોનાને કારણે અથવા કોરોના કાળમાં થયા છે.

ઝાલાવાડમાં 60 વર્ષથી મોટી ઉંમરના કુલ 203149 લોકો છે. આ વડીલોને કોરોના સામે રક્ષણ આપવા માટે તા.16 જાન્યુઆરી-2021થી રસી આપવાની શરૂઆત કરી હતી. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 77360 વૃધ્ધોને જ રસી આપવામાં આવી છે. જયારે હજુ પણ 125789 વડિલો રસીથી વંચીત છે. જે જોતા જિલ્લામા આટલા સમય ની કામગીરી બાદ પણ 62 ટકા વડિલોને રસી આપવામાં આવી નથી. જે નરી વાસ્તવીકતા છે. હવે સામે ત્રીજી લહેર આવવાની ચેતવણીઓ અપાઇ ચૂકી છે ત્યારે વડીલોના માથે સૌથી વધુ ખતરો તોળાઇ રહ્યો છે.

લાઇનોમાં ઉભા રહેવાની તાકાત નથી
હવે ચાલી શકાતુ નથી રસી લેવા માટે બે વાર રીક્ષા લઇને સરકારી દવાખાને ગઇ હતી. ત્યા રસી લેવા માટે લાંબી લાઇનો હતી. લાઇનમાં ઉભા રહેવા માટે હવે તાકાત નથી. વચ્ચેથી અમને રસી આપે તો બીજા લોકો દેકારો કરે તે સ્વાભાવીક છે. પછી નકકી કર્યુ કે હવે રસી લેવી જ નથી. > લાભુબેન દવે, 90 વર્ષ

વડીલોને ઘરે આવીને રસી મૂકવી જોઈએ
પરિવારમાં હજુ સુધી કોઇને કોરોના થયો નથી તે ભગવાનની કૃપા કહેવાય.વડીલોના આરોગ્યની ચીંતા કરીને સરકારે પહેલા રસી આપવાની જાહેરાત કરી પરંતુ ઘરની બહાર લઇ જતા દિકરાઓ ડરે છે. માટે અમારા જેવા મોટી ઉંમરનાને ઘરે આવીને રસી આપે તો સારૂ કહેવાય.> કંચનબેન ચૌહાણ, 86 વર્ષ

સમૂહમાં રસી લેવા જઇએ તો કોરોના થવાનો ડર લાગે છે
કોરોનાના કપરા સમયમાં ઘરની બહાર નથી નીકળ્યા અને આથી જ હજુ સુધી કોરોનાથી બચી શકયા છીએ. આવા સમયે રસી લેવા જઇએ અને કોઇનો ચેપ લાગી જાય અને કોરોના થઇ જાય તો મુસીબત આવે આ માટે રસી લેવા જતા નથી.> ચંપાબેન ગોલાણી, 98 વર્ષ

અન્ય સમાચારો પણ છે...