સમસ્યા:જિલ્લામાં ગામડાની 200 ટ્રીપ બંધ, 99 ટકા ગ્રામ્ય વિસ્તારોને ST બસથી જોડ્યાનો મુખ્યમંત્રીનો દાવો પોક‌ળ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર બસ સ્ટેશનમાં બસની રાહ જોતા મુસાફરો.  - Divya Bhaskar
લખતર બસ સ્ટેશનમાં બસની રાહ જોતા મુસાફરો. 
  • કોરોના અને શાળા, કોલેજો બંધ હોવાથી ટ્રીપો બંધ કરાઇ હતી: તંત્ર

થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 8 બસ સ્ટેશનના ઇ-લોકાર્પણનાં સમયે 99 ટકા ગ્રામ્ય વિસ્તારોને બસથી જોડ્યાંનો દાવો કરી રહ્યા છે. જે દાવો સુરેન્દ્રનગર જિલ્લામાં પોકળ સાબિત થઈ રહ્યો છે. કારણ કે, જિલ્લા તેમજ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં બસો બંધ છે. જેને લઇને જિલ્લામાં 200થી વધુ ટ્રીપો બંધ હાલતમાં છે. હાલ શાળા, કોલેજે બંધ હોવાથી વિદ્યાર્થીઓને લઇને તેમજ કોરોના કાળમાં ટ્રાફિક ન મળવાથી ટ્રીપો બંધ હોવાનું બહાર આવ્યું હતું.

સુરેન્દ્રનગર: ડેપોમાંથી કેટલાક ગામડાના રૂટો બંધ હોવાથી આ રૂટો શરૂ કરવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે. આ અંગે ડેપોના ટ્રાફિક પીઆઈ પી.આર.રાણાએ જણાવ્યું કે, જે ગામડાઓમાં બસો રાત્રિ રોકાણ કરે છે તેવી 10થી વધુ બસો એટલે 20 ટ્રિપો બંધ છે. લીંબડી : ડેપોની પણ 16 જેટલા ગામડાની બસો સાથે હાલ 95 જેટલી ટ્રિપો કોરોના તેમજ વિદ્યાર્થીઓ ન મળતા બંધ છે. ચોટીલા : ડેપોના 8 ગામડાના એટલે 16 એસટી ટ્રીપો બંધ છે. ખાસ કરીને 4 રૂટો તો એવા છે કે જ્યાં વિદ્યાર્થીઓને માત્ર લેવા -મૂકવા માટે જતી હતી. બાકીના 4 રૂટો કોરોના કારણે 50 ટકા જ મુસાફરોનો નિયમ તેમજ લો-ટ્રાફિક હોવાથી બંધ કરાઇ છે.

ધ્રાંગધ્રા : ડેપોમાંથી ગ્રામ્ય પંથકમાં 37 બસોમાંથી 22 ચાલુ છે. આથી હાલ 15 જેટલી બસો એટલે કે 30 ટ્રિપો બંધ છે. ચાર બસ એટલે કે 8 ટ્િપો વિદ્યાર્થીઓના રૂટની બંધ છે.

લખતર : દસેક રૂટની બસો ન આવતાં મુસાફરોને લખતર બસ સ્ટેશનમાં રાહ જોઈને બેસી રહેવાનો વારો આવ્યો છે. ત્યારે આ રૂટો બંધ હોવાના કારણે તાલુકાનાં સાકર, કારેલા, ઇંગરોડી, તલસાણા, વણા, ઢાંકી, લીલાપુર સહિતના લગભગ પચ્ચીસેકથી વધુ ગામોના લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે. સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં મદદનીશ ટ્રાફિક ઇન્સ્પેકટર મહિપતસિંહ ઝાલાએ જણાવ્યું કે રૂટો ચાલુ કરવાના આદેશ વિભાગીય કચેરીએથી લેવાતા હોઈ ત્યાંથી આદેશ થયે બસો ચાલુ કરાશે.

અન્ય સમાચારો પણ છે...