સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓમાં ઉતરાયણ પર્વમાં પતંગ ઉડાવવાના શોખીન લોકો મોટી સંખ્યામાં છે. ત્યારે 2023ના વર્ષના પ્રથમ તહેવારને ઉજવણી માટે બજારમાં પતંગોએ આકર્ષણ જમાવવાનું શરૂ કર્યુ છે. જેમાં અવનવી સાઈઝ અને ડિઝાઇનના પતંગો બજારમાં આવ્યા છે. જોકે, આ વર્ષ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકાનો ભાવ વધારો પતંગ રસીકોને થોડી ઉતરાયણ મોંઘી પાડે તેવી શક્યતા છે. જ્યારે હાલ ઉતરાયણના આગલા દિવસે ઘરાકી ખુલવાથી વેપારીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
અવનવી ડીઝાઇન વાળા પતંગોએ આકર્ષણ જમાવ્યું
ઝાલાવાડીઓ દરેક પર્વને મનભરી ઉજવણીમાં માને છે. એમાંય દર નવા વર્ષે આવતો પ્રથમ તહેવાર ઉતરાયણની અનેરૂ મહત્વ છે. જેમાં કરોડો રૂપીયાના પતંગ દોરાની ખરીદી કરી જિલ્લાવાસીઓ ઉજવણી કરતા હોય છે. જિલ્લામાં અત્યારથી બજારોમાં અવનવી ડીઝાઇન અને આકાર વાળા પતંગોએ આકર્ષણ જમાવ્યુ છે. જિલ્લામાં મુખ્યત્વે પતંગો સુરેન્દ્રનગર જિલ્લામાં ખંભાત, અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના સ્થળોએથી પતંગો આવતા હોય છે. જે દિવાળી બાદ તૈયાર થઇ જતા હોલસેલના વેપારીઓ સ્ટોક કરી રીટેઇલને વિતરણ શરૂ કરી દેતા હોય છે
કાપડના પતંગની બોલબાલા
જિલ્લામાં 500થી 700 નાના મોટા પતંગના વેપારીઓ પતંગ દોરીના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે.જે 10થી 25 લાખનો માલ ભરતા જિલ્લામાં અંદાજે 8થી 10 કરોડના પતંગ દોરા બજારમાં આવી સજાવી દેવાયા છે.પરંતુ આ વર્ષ પણ પતંગ દોરાના કાચા માલ અને મજુરીમાં થયેલા વધારાને કારણે ભાવમાં 20થી 25 ટકા જેટલો વધારો થયો છે. અને આથી જ હાલ તો બજારમાં ઘરાકી ખુબી ઓછી જોવા મળી રહી છે. પરંતુ રીટેઇલ વેપારીઓ હોલસેલ વેપારી પાસેથી માલ ખરીદી કરી રહ્યા છે. સામાન્ય રીતે ઉતરાયણના બે સપ્તાહ અગાઉથી ખરીદી શરૂ થઇ જતી હોય છે. આથી જિલ્લાના વેપારીઓને આ વખત સારો વેપાર થાય તેવી આશા છે.આ વખત પણ અવનવી ડિઝાઇનના દેશી પતંગો સાથે ચાઇનીઝ બનાવટના કાપડના પતંગની બોલબાલા છે. સામાન્ય રીતે કાગળના પતંગ ફાટી જવાની કે કમાન છટકી જવાની મોટી સમસ્યા રહે છે.
વેપારીઓએ સ્વેચ્છાએ ચાઇનીઝ દોરી ન વેચવાનો નિર્ણય કર્યો
આ કાપડના પતંગ ટકવામાં મજબુત હોય છે અને ફાટતા નથી. આ ઉપરાંત કાગળના પતંગની સરખામણીએ મોટા હોય તાણવાર પતંગ ચગાવવાની પણ મજા આવતી હોવાને કારણે કાપડા પતંગની માંગ પણ રહે છે. હાલ બઝારમાં રૂ.30થી લઇને રૂ.300ના એક પતંગના ભાવથી વેચાઇ રહ્યા છે. જ્યારે જિલ્લાના વેપારીઓએ સ્વેચ્છાએ ચાઇનીઝ દોરી ન વેચવાનો નિર્ણય કર્યો હોવાથી ચાઇનીઝ દોરી જોવા મળી ન હતી.
ગત વર્ષ અને આ વર્ષ દોરી પતંગના ભાવ વધઘટ ( હોલસેલ પંજો )
પતંગના ભાવ | ગત વર્ષ | આ વર્ષ |
નાની સાઇઝઃ | રૂ.10-15 | રૂ.20 થી 30 |
મીડીયમસાઇઝ | ||
પ્લાસ્ટીક | રૂ.10થી15 | રૂ.20થી25 |
કાગળ | રૂ.15-20 | રૂ.25થી30 |
મોટીસાઇઝ | રૂ.25થી35 | રૂ.50થી60 |
દોરીના ભાવ તૈયાર ફિરકી
કેટલી વાર | ગતવર્ષ | આ વર્ષ |
1000 | 200 | 250થી300 |
2500 | 350 | 400થી 450 |
5000 | 600 | 700થી800 |
કાચાદોરાના રીલના ભાવ
કેટલીવાર | ગતવર્ષ | આ વર્ષ |
1000 | 50 | 70થી200 |
2500 | 350 | 350થી400 |
5000 | 500 | 600થી650 |
આ વર્ષ ડેકોરેશન, પંતગ સહિતની નવી વેરાઇટીઝ
સુરેન્દ્રનગરમાં આ વર્ષે બજારમાં ચાઇનીઝ કાપડના પતંગ, જ્યારે નાની મોટી ડિઝાઇનમાં રાજકીય આગેવાનોમાં મોદી સહિત નેતા, કાર્ટુનમાં ડોરેમોન, પબજી, ફ્રીફાયર, સ્પાઇડર મેન , લાયન કિંગ, દેશભક્તીને લગતા ચિત્રો સ્લોગન, ફિલ્મોમાં પુષ્પા અને કેજીએફના ચિત્રવાળા તથા નવા વર્ષ 2023ને આવકારતા ચિત્રવાળા પતંગ આકર્ષણ જમાવી રહ્યા છે.જ્યારે બાળકો માટે લાઇટોવાળી ટોપી, ચશ્મા નવીનતા લઇને આવશે. જ્યારે પ્રાણીઓ, કાર્ટુન કેરેક્ટર્સ, ઓનલાઇન ગેમના કેરેક્ટર્સના ડિઝાઇનના મહોરા પણ આકર્ષણ જમાવી રહ્યા છે.
કાચોમાલ અને મજૂરી વધતા ભાવ વધારો થયો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કાચા માલ જેમાં કાગળ, કમાન, ડેકોરેશનની વસ્તુનો ભાવ વધારો તથા મજુરીમાં પણ વધારો થતા પતંગના ભાવમાં 20થી 25 ટકાનો અને કોટનના ભાવને લીધે દોરીમાં ભાવ વધારો આ વર્ષ રહેશે.પતંગ પર 5 ટકા, કાચાદોરા પર 5 ટકા, તૈયાર ફિરકા પર 12 ટકા જીએસટીથી પણ વધારો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.