કાર્યવાહી:અકસ્માતગ્રસ્ત ટ્રાવેલ્સમાંથી દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા, રતનપર બાયપાસે ડિવાઇડરને અથડાઇ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલી શ્રીજી હોટલ નજીક એક ટ્રાવેલ્સ બસ ડિવાઇડર સાથે અથડાઇ હોવાની અને તેમાં વિદેશી દારૂ હોવાની માહિતી પેટ્રોલીંગમાં ફરી રહેલી જોરાવરનગર પોલીસ ટીમને મળી હતી. આથી પોલીસ ટીમે જઇ તપાસ કરી હતી. જેમાં પાલનપુરથી રાજકોટ તરફ જતી બસ વહેલી સવારના સમયે ડીવાઇડર સાથે અથડાતા તેને બે લોકો રીપેર કરતા હતા. વધુ તપાસમાં ટ્રાવેલ્સના ડ્રાઇવર રાજકોટના મોટામોવા લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં રહેતા 21 વર્ષીય સુરેશ વીનુભાઇ સોલંકી અને રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા ટ્રાવેલ્સના માલીક 31 વર્ષીય દીપક સુરાભાઇ સોલંકી પાસેથી વિદેશી દારૂની 10 બોટલ અને 70 ચપલા સહિત રૂપિયા 6100નો મળી આવ્યો હતો. આથી પીએસઆઇ ટી.ડી.બુડાસણા, હેમદીપભાઇ, ચમનલાલ, યુવરાજસિંહ સહિતનાઓએ વિદેશી દારૂ રૂપિયા 6100, ટ્રાવેલ્સ બસ રૂપિયા 10 લાખ તથા 3 મોબાઇલ રૂપિયા 5500 મળી કુલ રૂપિયા 10,11,600નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. બન્ને શખ્સોનો કોરોના રીપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...