દુર્ઘટના:મૂળી તાલુકાના દેવપરા ગામે કોલસાની ખાણમાં ટ્રેક્ટર પડતાં 2 મજૂરનાં મોત

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વગડિયા તેમજ આસપાસમાં મોટા પ્રમાણમાં ખનીજ મળી આવે છે. જેમાં કોલસો અને સફેદ માટી રેતીનું ગેરકાયદે ખોદકામ કરી ખનન અને વહન થાય છે. જેમાં અનેક આકસ્મિક મૃત્યુની ઘટનાઓ પણ બને છે. તેમાં અનેક મજૂરી કામ કરતાં મજૂરોને જીવ ખોવાનો વારો આવે છે.

ત્યારે આવી જ રીતે મૂળીનાં વગડિયા અને રાજસ્થાનના કેટલાક શખસો દ્વારા ચાલતી કોલસાની ખાણમાં કોઇ કારણસર ટ્રેક્ટર ઉપરથી કૂવામાં પડતા નીચે કામ કરી રહેલા રાજસ્થાનનાં 2 યુવાનનાં મૃત્યુ નિપજતા યુવકનાં બાળકો તેમજ પત્નિએ છત્રછાયા ગુમાવતા પરિવારપર આભ તૂટી પડ્યું હતું.

જ્યારે આ અંગે સરકારી ચોપડે કોઇ જ નોંધ ન થતા અનેક ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં જોર પકડ્યું છે. આ અંગે મામલતદાર બી. બી. લખતરીયાએ જણાવ્યું હતું કે હું કોર્ટનાં કામથી અમદાવાદ છું અને આ અંગે અમને મેસેજ મળ્યા છે જેથી તલાટી સહિતનાં સ્ટાફને સ્થળ પર મોકલ્યા છે અને તાત્કાલિક રિપોર્ટ આપવા આદેશ કરાયા છે. રિપોર્ટ આવતા જ સત્તાવાર માહિતી મળી શકશે. આ અંગે પીએસઆઇ હર્ષવર્ધનસિંહ ગોહીલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે અમારી પાસે કોઇ વિગત આવી નથી અને અમને જાણ પણ કરાઇ નથી. તેમ છતાં જો કોઇ ફરિયાદ આવશે તો તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...