બેદરકારી:ગાંધી હૉસ્પિટલની નર્સિંગ કોલેજમાં કેદીઓ માટે અલાયદા બનાવેલા કોવિડ સેન્ટરમાંથી 2 કેદી ભાગી છૂટ્યાં

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિવરફ્રન્ટ પરના CCTV કેમેરામાં બંને કેદી દેખાયા. આ સમયે તેમના હાથમાં થેલી હતી - Divya Bhaskar
રિવરફ્રન્ટ પરના CCTV કેમેરામાં બંને કેદી દેખાયા. આ સમયે તેમના હાથમાં થેલી હતી

શહેરની ગાંધી હૉસ્પિટલસ્થિત નર્સિંગ કૉલેજમાં કેદીઓ માટેના અલાયદા કોવિડ સેન્ટરમાંથી સોમવારે મળસકે 3.45 વાગ્યે હત્યા કેસના 2 કેદી ફરાર થઈ જતાં પોલીસની નબળી કામગીરીની ચર્ચા ફરી જાગી છે. પહેલા માળે પીએસઆઈ સહિત 15 પોલીસનો પહેરો હતો જ્યારે કોવિડ સેન્ટરની બહાર નર્સિંગ સ્ટાફના 10 કર્મચારી હાજર હતા. છતાં બંને કેદી બારીનો સળિયો કાઢી, ચાદરનું દોરડું બનાવીને ભાગી છૂટ્યા હતા. 2 કેદી ભાગવા સાથે આ વર્ષે જિલ્લામાં કેદીઓના ફરાર થવાની આ ચોથી ઘટના છે.

નર્સિંગ કૉલેજના બીજા માળે કોવિડ સેન્ટરમાં 61 કેદીને સારવાર અપાઈ રહી છે. સેન્ટરમાં ખૂનકેસમાં પકડાયેલા અર્જુનસિંહ શિવુભા જાડેજા અને રાજુ ધીરૂભાઈ માથાસુરિયાને પણ દાખલ કરાયા હતા. સોમવારે વહેલી સવારે 3.45 વાગ્યે અન્ય કેદીઓ નિદ્રાધીન હતા ત્યારે કોવિડ સેન્ટરની બારીનો સળિયો કાઢી, ચાદરની મદદથી બીજા માળેથી નીચે ઊતરીને પાછળથી ભાગી ગયા હતા. 15 મિનિટ બાદ સાથેના કેદીએ જ બંને કેદી ભાગી ગયાની જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ ટીમ હૉસ્પિટલે પહોંચી હતી. આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરીને પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

61 કેદીના પહેરા માટે 15 પોલીસ!

  • હત્યા કેસના આરોપીઓ બારીનો સળિયો કાઢી, ચાદરનું દોરડું બનાવી ફરાર થયા
  • પોલીસ આગળ પહેરો ભરતી હતી અને હત્યાકેસના કેદીઓ પાછળથી ભાગ્યા

અર્જુને કારની લાલચે અમદાવાદના ડ્રાઇવરની યરથી હત્યા કરી હતી
જામનગરનો અર્જુનસિંહ શિવુભા જાડેજા કામધંધો કરતો ન હોવાને કારણે મકાનનું ભાડું ચડી ગયું હતું. આથી તેના મામાએ કોઈની કાર ચોરી લાવવા અને તેના બદલામાં રૂ. 30 હજાર અપાવવા કહ્યું હતું. આથી 14 જાન્યુઆરી, 2016એ અમદાવાદ ઍરપોર્ટથી ટેક્સી લઈને જામનગર આવ્યો હતો અને અમદાવાદના મહેબૂબ જમાલભાઈ ગવલી પરત ફરતા હતા ત્યારે અર્જુનસિંહ અને તેનો મિત્ર મહાવીરસિંહ રામસીંહ વાળા મુસાફરના સ્વાંગમાં તેની કારમાં બેસી ગયા હતા. બાદમાં વડોદ પાસે ડ્રાઇવરને ગિયર વાયરથી ટૂંપો દઈ હત્યા કરી હતી અને લાશને કાનપરા પાસે ફેંકી કાર લઈ મામાના ઘરે કાકરેજ પહોંચ્યો હતો.જોકે ગ્રાહક ન મળતાં કાર રાધનપુર-શીનાડ રોડ ઉપર સળગાવી નાખી હતી. કારના ચેસીસ નંબરના આધારે હત્યા અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

રાજુએ ચાલકની હત્યા કરી પશુ ભરેલી ટ્રક લૂંટી હતી
અમરેલી જિલ્લાનો રાજુ ધીરૂભાઇ માથાસુરિયા ઘણા સમયથી સાયલાના સરવરિયા મહાદેવ પાસે રહેતો હતો. 22 માર્ચ, 2017એ કાળા નાજાભાઈ ટ્રકમાં ભેંસ ભરીને ધોરાજીથી ભરૂચ જતા હતા. તેમની ટ્રક સાયલા હાઈ-વે પરથી પસાર થઈ ત્યારે રાજુ તથા તેના પિતા ધીરૂભાઈ સહિત 4 શખ્સે મોડી રાત્રે 3 વાગે પીછો કરીને બલદાણા પાસે ટ્રકને આંતરી હતી. ચાલક અને ક્લિનરને ઝાડીમાં લઈ જઈને માર માર્યો હતો, જેમાં પ્રતિકાર કરતાં ચાલક કાળા નાજાભાઈને માથામાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં 8 ભેંસ, 3 મોબાઇલ ફોન અને ટ્રક સહિત કુલ રૂ. 6.31 લાખની મતા લૂંટી હતી.

પેરોલ જમ્પ કરી ભાગ્યા બાદ બંને પકડાયા હતા
ધરપકડ બાદ અર્જૂનસિંહ 4-6-17એ પેરોલ પર છૂટ્યો હતો અને 12-6-17એ જેલમાં હાજર થવાને બદલે ફરાર થયો હતો. 12-12-19એ પોલીસે પકડ્યો હતો. રાજુ માથાસુરીયાને 4-10-18થી 19-10-18 સુધીના પેરોલ મળતાં તેણે પેરોલ જમ્પ કર્યો હતો. આરોપી તા. 30-5-19ના રોજ પકડાતા ફરી જેલ હવાલે થયો હતો.

અન્ય સમાચારો પણ છે...