ચૂંટણીની તૈયારી:સુરેન્દ્રનગરના 18 અધિકારીઓની નોડલ ઓફિસર્સ તરીકે નિમણૂક કરવામાં આવી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ચૂંટણી સંભવત આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી છે

સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર આગામી સમયગાળામાં ચૂંટણી યોજાનારી છે. ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગ પણ ચૂંટણીના આયોજન માટે સક્રીય બન્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે ઈવીએમ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ, ઉમેદવારના ખર્ચ, આદર્શ આચારસંહિતાના અમલ સહિત 18 બાબતો માટેના નોડલ ઓફીસર્સની નિમણુંકનો ઓર્ડર જારી કર્યો છે.

ઝાલાવાડની પાંચ બેઠકો પર પણ ચૂંટણી જંગ જામશે
સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. જેમાં ઝાલાવાડની પાંચ બેઠકો પર પણ ચૂંટણી જંગ જામશે. જિલ્લાની દસાડા, વઢવાણ, લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠકો પર વિધાનસભા ચૂંટણી સંભવત આગામી ડીસેમ્બર માસમાં યોજાનારી છે. ત્યારે ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષોની સાથે ચૂંટણી વિભાગ પણ કાર્યરત થઈ ગયુ છે.

જિલ્લાના 18 અધિકારીઓની નોડલ ઓફીસર્સ તરીકે નિમણુંકના ઓર્ડર
​​​​​​​
ઈવીએમ અને વીવીપીએટનું એફએસએલ, મતદારયાદી સુધારણા ઝુંબેશ, ત્રણ વર્ષ કરતા વધુ સમયથી એક જ સ્થળે હોય તેવા કર્મચારીઓની બદલી, કર્મચારીઓના ચૂંટણી વિભાગમાં ઓર્ડર થયા છે. ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના પત્રથી સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધીકારી કે.સી.સંપતે જિલ્લાના 18 અધિકારીઓની નોડલ ઓફીસર્સ તરીકે નિમણુંકના ઓર્ડર કર્યા છે.

નોડલ ઓફિસર્સની નિમણુંક બાદ જિલ્લાની પાંચેય બેઠકો પર ચૂંટણી વિભાગ ધમધમતા થશે
આ અધિકારીઓ વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા, મતદાન સમયે, મત ગણતરી સમયે અને આદર્શ આચારસંહિતા પુરી ન થાય ત્યાં સુધી નોડલ ઓફિસર તરીકે કામગીરી કરશે. જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને મેન પાવર મેનેજમેન્ટ, ખર્ચના હીસાબો, આદર્શ આચારસંહીતાનો અમલ, તાલીમ સહિતના નોડલ બનાવાયા છે. આ નોડલ ઓફીસર્સએ ચૂંટણી આયોગથી સમયાંતરે મળતી સુચનાનું કલેકટરના માર્ગદર્શનથી પાલન કરવાનું રહેશે. ચૂંટણી વિભાગમાં કર્મીઓના ઓર્ડર અને નોડલ ઓફીસર્સની નિમણુંક બાદ જિલ્લાની પાંચેય બેઠકો પર ચૂંટણી વિભાગ ધમધમતા થશે.

અન્ય સમાચારો પણ છે...