બાળાઓનું સરાહનીય કાર્ય:સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ સ્કૂલની 1500 વિદ્યાર્થિનીઓએ દાન માટે 1700થી વધુ ગરમ વસ્ત્રો એકત્ર કર્યા

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ સ્કૂલની 1500 વિદ્યાર્થિનીઓએ દાન માટે 1700થી વધુ ગરમ વસ્ત્રો એકત્ર કર્યા
  • શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરીયાતમંદોને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું
  • શાળામાં બાળાઓને જીવનમાં કોઇ એક સેવા કાર્ય કરવુ તેવું શીખવવાની પરંપરા : પ્રિન્સિપાલ

સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ સ્કૂલની 1500થી વધુ વિદ્યાર્થીનીઓ દિવ્યભાસ્કરના ગરમ વસ્ત્રોના દાન અભિયાનમાં જોડાઈ હતી. જેના અંતર્ગત 1700થી વધુ ગરમ વસ્ત્રો એકત્ર કરી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઇને જરૂરીયાતમંદોને અર્પણ કરાયા હતા.

દિવ્યભાસ્કર દ્વારા હાલ ઠંડીની સિઝનમાં જે લોકો ખુલ્લામાં રહે છે, અને પોતાના માટે ગરમ વસ્ત્રો ખરીદી નથી શકતા તેમને મદદરૂપ થવા ગરમ વસ્ત્રોનું દાન અભિયાન હાથ ધરાયું હતું. જેમાં સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ સ્કૂલ પણ જોડાઇ હતી. જેમાં શાળાની 1500થી વધુ બાળાઓએ ગરીબોને આપવા માટે 1700થી વધુ ગરમ વસ્ત્રો એકત્ર કર્યા હતા. આ અંગે શાળાના પ્રિન્સિપાલ સ્વાતિબેન ઓઝાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરમાં સૌ પ્રથમ બહેનોના અભ્યાસ માટે શરૂ થયેલી 60 વર્ષ જુની એજ્યુકેશન સોસાયટી સંચાલીત આરપીપી ગર્લ્સ સ્કુલમાં "ભલા બનો ભલુ કરો"ના સુત્રને ધ્યાને લઇ બાળાઓને જીવનમાં કોઇ એક સેવા કાર્ય કરવુ તેવું શીખવવાની પરંપરા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ઘણા લોકો એવા છે, જેઓ ઠંડીથી રક્ષણ આપતા વસ્ત્ર નથી ખરીદી શકતા. દિવ્યભાસ્કરના ગરમ વસ્ત્રોના દાન અભિયાનની પહેલ ધ્યાને આવતા આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. જેમાં શાળા પરીવાર અને બાળાઓનો સાથ મળ્યો હતો. આથી શાળાના સુપારવાઇઝર, શિક્ષકો, જીએસ, વાઇસ જીએસ સહિત લોકોએ એકત્ર કરેલા સ્વેટર, મફલર, હાથ પગના મોજા, ટોપી સહિત ગરમ વસ્ત્રો શહેરના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રૂબરૂ જઇ અર્પણ કરાયા હતા. આ કાર્ય થકી લોકોને મદદરૂપ થયાનો સંતોષ મળ્યો હતો.

તેમણે એક કિસ્સો જણાવતા કહ્યું હતું કે જ્યારે શાળા પરીવાર રણ વિસ્તારમાં ગરમ વસ્ત્રોના દાન આપવા માટે ગયો હતો. તે દરમિયાન તેઓ એક સુબામાં ગયા હતા. જ્યાં અગરીયા બહેનોને વસ્ત્રો આપ્યા તો તેમણે જણાવ્યું હતું કે, અમને હાલ અન્ય સંસ્થા તરફથી ગરમ વસ્ત્રો અપાયા છે. જ્યારે સામેના સુબામાં કોઇને નથી મળ્યા, ત્યાં આ વસ્ત્રો આપો. આમ અગરીયા પરીવારે અભાવ વાળા જીવનમાં પણ આત્મ સંતોષના દર્શન કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...