શિક્ષણ:સુરેન્દ્રનગરની ITIમાં 5 રાઉન્ડની ભરતીના અંતે 1248 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરની આઇટીઆઈમાં જુદાજુદા ટ્રેડમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓમાં આનંદ ફેલાયો હતો.  - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરની આઇટીઆઈમાં જુદાજુદા ટ્રેડમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓમાં આનંદ ફેલાયો હતો. 
  • ITIના જુદા જુદા 15 જેટલા ટ્રેડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
  • બાકી 53 જગ્યા માટે ઉચ્ચકક્ષાએથી સૂચના મળે તે પ્રમાણે કાર્યવાહી કરાશે : તંત્ર

સુરેન્દ્રનગર જિલ્લામાં આઇટીઆઈમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને ધસારો રહ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગરની આઇટીઆઈમાં 5 રાઉન્ડના અંતે 1248 વિદ્યાર્થીએ ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે બાકી રહેલી 53 જેટલી જગ્યા માટે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 11 જેટલી આઈટીઆઈઓ આવેલી છે અને તેમાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓએ પોતાનું જીવન સુધારવાની સાથે પરિવારને પણ ઉપયોગી બની રહ્યા છે. ત્યારે જિલ્લાની આઇટીઆઈઓમાં હાલ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેનો ધમધમાટ શરૂ થયો હતો. તેમજ આ ભરતી પ્રક્રિયા માટેની છેલ્લી તારીખ પણ 17 અને 18 નવેમ્બર-2021 હતી. બીજી તરફ સુરેન્દ્રનગરની આઇટીઆઈમાં ડિઝલ મિકેનીકલ, કોપા, બ્યુટી પાર્લર, શિવણ, ઇલેક્ટ્રિશિયન, સ્ટેનો, વેલ્ડર સહિતના અંદાજે 15 જેટલા જુદા જુદા ટ્રેડમાં જુદી જુદી પાળીના સમય પ્રમાણે શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. ત્યારે આ આઇટીઆઇમાં અંદાજે 1304 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હતો. જેના કારણે આઇટઆઈ તંત્ર દ્વારા 5 જેટલા રાઉન્ડની પ્રક્રિયામાં 1248 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા પ્રવેશ મેળવ્યો હતો. જો કે, બીજી તરફ શિવણ ટ્રેડની-16, બ્યુટીપાર્લરની -24 અને વેલ્ડર ટ્રેડમાં -16 સહિત કુલ 53 જગ્યાઓ ખાલી હોવાનું બહાર આવ્યુ હતુ. આ અંગે સુરેન્દ્રનગર આઈટીઆઈના પ્રિન્સિનપાલ પી.કે.શાહે જણાવ્યું કે, હાલ જે ખાલી જગ્યાઓ છે તેના માટે જે ભરતીના રાઉન્ડ હોય છે તે ગાંધીનગર સરકાર તરફથી કઇ તારીખે કરવા તે નક્કી થાય છે. આથી બાકી ખાલી જગ્યાઓ ભરવા તેમજ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે ઉચ્ચકક્ષાએથી સૂચના મળે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...