કાર્યવાહી:સુરેન્દ્રનગર-વઢવાણમાં ફેબ્રુઆરીમાં રોજ ટ્રાફિક ભંગમાં 124 લોકો પકડાયા : 12.37 લાખનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 વાહનો ડિટેઇન કરી રૂ. 97,300નો દંડ કરાયો, 3464 સામે કેસ

સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફેબ્રુઆરી-2023ના માસમાં જુદા જુદા નિયમોના ભંગના 3464 લોકો સામે કેસ કરીને રૂ. 12,37,000નો દંડ વસૂલાયો હતો. જેમાં 28 વાહનો પણ ડિટેઇન કરાયા હતા. આમ શહેરી વિસ્તારોમાં દૈનિક 124 થી વધુ લોકો નિયમો ભંગ કરતા પકડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે જિલ્લા પોલીસવડા હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શનથી કાર્યવાહી કરાઇ રહી છે. તેમ છતા સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો લોકો ભંગ કરી રહ્યા છે. આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના ઉપાસના સર્કલ , ગેબનશાપીર સર્કલ,આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, હેન્ડલુમચોક, રતનપર, જોરાવરનગર, ટાવર રોડ, બસ સ્ટેશન, ટાંકીચોક, , જવાહર રોડ, પતરાવાળી તેમજ એપીએમસી ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી.

જેમાં ફેબ્રુઆરી-2023 એટલે કે છેલ્લા એક માસમાં દરરોજ 124 થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા. જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા 3335 લોકોને સ્થળ પર જ હાજર દંડ રૂ. 11,32,200 કરાયો હતો. આ ઉપરાંત 28 જેટલા વાહનચાલકોના વાહનો ડિટેઇન કરીને 97,300નો દંડ વસૂલાયો હતો.

જ્યારે લારી પાથરણા‌વાળા વિરૂદ્ધ કાર્યવાહી કરાતા 66 લોકોને પણ રૂ. 6600નો દંડ કરાયો હતો. તમાકુ ખાઇને જાહેરમાં ભંગ કરતા 9 લોકોને રૂ. 900નો દંડ કરાયો હતો. આ ઉપરાંત દારૂ પીધેલા-4, ભયજનક વાહન ચલાવતા -3 તેમજ ટ્રાફિક અડચણરૂપ લારી, પાથરણા, વાહન રાખીને નિયમ ભંગ કરતા 20 લોકો સામે કાર્યવાહી કરાઇ હતી. આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 3464 લોકોને રૂ. 12,37,000નો દંડ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...