સ્ટાફની ઘટ:સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ચાર પોલીસ સ્ટેશનમાં 203ના મંજૂર મહેકમ સામે 123 જગ્યાઓ ખાલી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાના ચાર પોલીસ સ્ટેશનમાં 203ના મંજૂર મહેકમ સામે 123 જગ્યાઓ ખાલી - Divya Bhaskar
પાટડી તાલુકાના ચાર પોલીસ સ્ટેશનમાં 203ના મંજૂર મહેકમ સામે 123 જગ્યાઓ ખાલી
  • તાલુકામાં 2500 વ્યકિત દિઠ એક પોલીસ

પાટડી તાલુકાનો સમયની સાથે વિવિધ ક્ષેત્રે વિસ્તાર થયો છે. પરંતુ પ્રજાની રક્ષણની જવાબદારી જેમના શિરે છે એવું પોલીસ તંત્ર ઠેરનું ઠેર છે. 2001થી અત્યાર સુધીમાં પાટડી તાલુકામાં 15% વસ્તી વધી છે. જ્યારે પોલીસ ચોપડે આજેય 60%ની ઘટ નોંધાયેલી છે. જેના લીધે ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે એ પર નરી વાસ્તવિકતા છે.

પાટડી તાલુકાનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વિકાસ વધવાની સાથે તાલુકાની વસ્તી પણ કુદકેને ભ્રુસકે વધી રહી છે. બીજી બાજુ વસ્તી વધવાના કારણે ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી સહિતના ગુન્હાઓમાં ચોંકાવનારો વધારો થયો છે. તેના લીધે ક્રાઇમ રેટ પણ વધી રહ્યોં છે. પાછલા કેટલાક દિવસોથી પાટડીમાં બંધ મકાનોના તાળા તૂટવા સહિત ચોરી, લૂંટફાટ અને ખંડણીના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે.

આવા સમયે સ્વાભાવિક છે કે નાગરિકો સલામતી માટે પોલીસ પાસે અપેક્ષા રાખે. પરંતુ પાટડી તાલુકાની 2001ની વસ્તી 168490 હતી. જે 2011માં વધીને 180560 થઇ હતી. અને છેલ્લે 2017માં આ આંકડો વધીને 192392 સુધી પહોંચ્યોં છે. એટલે કે 2001થી 2017 સુધીમાં પાટડી તાલુકાની વસ્તીમાં 15%નો વધારો નોંધાયો હતો.

જ્યારે પાટડી તાલુકાના તાબામાં આવતા ચાર પોલીસ મથકો જેમાં પાટડી, દસાડા, ઝીંઝુવાડા અને માલવણ પોલીસ મથકમાં પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબેલ અને પોલીસ કોન્સ્ટેબલ તથા મહિલા પોલીસ મળી કુલ 203ના મહેકમ સામેં માત્ર 80 પોલીસ સ્ટાફ જ હાજર છે. એટલે એક બાજુ 17 વર્ષમાં વસ્તી 15% વધી,ને બીજી બાજુ પોલીસ બેડામાં 60%ની તોતીંગ ઘટ હોવાથી હાલમાં પોલીસ અધિકારીઓની સ્થિતી સેન્ડવીચ જેવી બનવા પામી છે

પાટડી તાલુકામાં 2500 વ્યક્તિએ એક પોલીસછેલ્લે 2017માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર પાટડી તાલુકાની વસ્તી 192392 નોંધાયેલી છે. બીજી બાજુ પાટડી તાલુકાના તાબામાં આવતા ચાર પોલીસ મથકોમાં 203ના મહેકમ સામેં માત્ર 80નો પોલીસ સ્ટાફ જ હાજર છે. આથી તાલુકામાં દર 2500 વ્યક્તિ સામેં એક પોલીસ હોવાની ચોંકાવનારી હકિકતો સામેં આવી છે.

1,92,392ની વસ્તી સામેં માત્ર ત્રણ જ મહિલા પોલીસપુરૂષોની સાથે સાથે મહિલાઓમાં પણ ક્રાઇમની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી છે. જેમાં મહિલા ગુન્હેગારને પકડવા મહિલા પોલીસ લઇ જવી ફરજીયાત છે. ત્યારે પાટડી તાલુકાની કુલ 1,92,392ની વસ્તી સામેં માત્ર 3 જ મહિલા પોલીસ છે. જેમાં પાટડી, દસાડા અને માલવણ પોલીસ મથકમાં એક-એક મહિલા પોલીસ સ્ટાફ છે જ્યારે ઝીંઝુવાડા પોલીસ મથકમાં એક પણ મહિલા પોલીસ સ્ટાફ નથી.

અન્ય સમાચારો પણ છે...