એક જ દિવસમાં એક વ્યકિત સામે 12 ફરિયાદ:પાટડીના સિધ્ધસરના રીઢા તસ્કર વિરુદ્ધ સરપંચ સહિત 12 લોકોએ ચોરી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના સિધ્ધસર ગામે રામજી મંદિરમાં મૂર્તિ ચોરાયાની ઘટના બાદ ગ્રામજનો રોષે ભરાયા હતા. બાદમાં ચોરાયેલી મૂર્તિઓ કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પરંતુ ગ્રામજનોએ આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૂર્તિઓ સ્વિકારવાની ના પાડી હતી. ત્યારે સિધ્ધસરના આ રીઢા તસ્કર વિરુદ્ધ એક જ દિવસમાં 12 પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં સિધ્ધસરના ગ્રામજનોએ એક બની સરપંચ સહિત કુલ 12 લોકોએ ચોરી અને જાનથી મારી નાંખવાની નામજોગ ફરિયાદ નોંધાવી પોલીસે આ રીઢા ચોરને ઝબ્બે કરવાના કોબીંગ સહિતના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટડી તાલુકાના સિધ્ધસર ગામના રીઢા ચોર મોહસીનખાન નસીબખાન જતમલેક ગામમાં આવેલા પ્રાચીન રામજી મંદિરમાંથી તાળા તોડી 150 વર્ષ જૂની પ્રાચિન પૌરોણિક મૂર્તિઓની ચોરી કરતા ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા. જે અંગેની પોલીસ ફરિયાદ બજાણા પોલીસ મથકે નોંધાયા બાદ બે દિવસ બાદ આ ચોરાયેલી પ્રાચીન મૂર્તિઓ કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

પરંતુ સિધ્ધસરના સરપંચ સહિતના ગ્રામજનોએ આ મૂર્તિઓ જ્યાં સુધીમાં આરોપી પકડાય નહીં ત્યાં સુધી સ્વિકારવાનો નનૈયો ભણી દીધો હતો. આથી દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર અને બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ ગ્રામજનોને સમજાવવાની પોલીસે કોશિશ કરી હતી. પરંતુ રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપી પકડાયા પછી જ મૂર્તિઓ સ્વિકારી અને મંદિરમાં પુન:સ્થાપના કરવાનું જણાવ્યું હતુ. બીજી બાજુ સિધ્ધસરના આ રીઢા તસ્કર વિરુદ્ધ એક જ દિવસમાં 12 પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં સિધ્ધસરના ગ્રામજનોએ એક બની સરપંચ સહિત કુલ 12 લોકોએ ચોરી અને જાનથી મારી નાંખવાની નામજોગ ફરિયાદ નોંધાવી પોલીસે આ રીઢા ચોરને ઝબ્બે કરવાના કોમ્બીંગ સહિતના ચક્રો ગતિમાન કર્યા છે. ગત મોડીરાત સુધીમાં આ રીઢા ચોર વિરુદ્ધ 10 પોલીસ ફરિયાદ ચોરીની અને 2 પોલીસ ફરિયાદ મારામારીની અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...