સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના 1.14 વિદ્યાર્થીઓને મતદાન સંકલ્પ પત્રો આપી વાલી પાસે મતદાન કરાવવા સપથ લેવડાવાયા હતા.જ્યારે શાળાઓ કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ અને રેલીનું આયોજન કરાયું હતું.સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર તા.1 ડિસેમ્બરે મતદાન થવા જઇ રહ્યું છે.ત્યારે હજુ પણ ઘણા મતદારો મતદાન ન કરતા હોવાથી વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આયોજન હાથ ધર્યું છે.
આથી કલેક્ટર કે.સી. સંપટના માર્ગદર્શનમાં વિધાનસભા મતક્ષેત્રોમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયા છે. જેમાં બાળકોને જોડી પ્રાથમિક શાળાના 80 હજાર તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 34 હજાર વિદ્યાર્થીઓને મતદાન સંકલ્પ પત્રોનું વિતરણ કરી વાલીઓ પાસે અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવાઇ હતી.
જ્યારે લીંબડી તાલુકામાં જી.કે. મંડળ સંચાલિત માધ્યમિક શાળામાં અવસર લોકશાહીનો થીમ પર રેલી યોજાઇ હતી.આઇ ખોડિયાર હાઇસ્કૂલ વિઠ્ઠલગઢમાં શાળા સફાઈ, સ્લોગન સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. આ ઉપરાંત સરકારી માધ્યમિક શાળા, રેશમિયાના વિદ્યાર્થીઓએ વકૃત્વ તેમજ નિબંધ સ્પર્ધા, ડી.પી.શાહ હાઇસ્કૂલ, સુદામડામાં નિબંધ સ્પર્ધા યોજાઇ હતી.આગામી દિવસોમાં જિલ્લાની કોલેજો અને શાળાઓમાં વિવિધ સ્પર્ધા અને રેલીનું આયોજન કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.