કાર્યવાહી:ઓગસ્ટમાં રોજ 112 લોકોનો ટ્રાફિક નિયમનો ભંગ કર્યો; રૂ. 12.62 લાખનો દંડ ફટકારાયો

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારોમાં 3481 સામે કેસ : 34 વાહન ડિટેઇન, 1.88 લાખ દંડ
  • જાહેરમાં તમાકુના નિયમોનો ભંગ કરતાં 28 ઝડપાયા, રૂ. 2800નો દંડ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઓગસ્ટ-2022ના માસમાં 34 વાહન ડિટેઇન કરાયા હતા. અને જુદા જુદા નિયમોના ભંગના 3481 લોકો સામે કેસ કરીને રૂ. 14.62 લાખનો દંડ વસૂલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતની સૂચના અને માર્ગદર્શનથી કાર્યવાહી કરાઇ રહી છે. તેમ છતાં સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો લોકો ભંગ કરી રહ્યા છે.

આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ હેન્ડલુમ ચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, પતરાવાળી, ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન તેમજ જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઓગસ્ટ-2022 એટલે કે છેલ્લા 1 માસમાં દરરોજ 112થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા. જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા 3232 લોકોને હાજર દંડ રૂ. 11,23,500 કરાયો હતો.

આ ઉપરાંત 34 જેટલા વાહનચાલકના વાહનો ડિટેઇન કરીને 1,19,600નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા 28 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. 2800નો દંડ કરાયો હતો. આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના -1, ટ્રાફિકને અડચણરૂપ લારી,રિક્ષા, પાથરણાવાળા વગેરે જેવા 182 કેસ તેમજ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર 4 લોકો સામે કેસ કરાયા હતા. આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 3481 લોકોને રૂ. 12,62,500નો દંડ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...