તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લાનાં 124 ગામડાંઓમાં 100 ટકા રસીકરણ થયું, શુક્રવારે 13005 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 7,35,447 લોકોએ પ્રથમ, 1,32,603 લોકોએ બીજા ડોઝ, કુલ 8,68,050 લોકોનું રસીકરણ

જિલ્લામાં શુક્રવાર સુધીમાં કુલ 124 ગામોમાં 100 ટકા રસીકરણ પૂરું થયું છે. જિલ્લા કલેકટર એ.કે ઔરગાંબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ કોવીડ રસીકરણ કામગીરી કરવામા આવી રહી છે. જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમારે જણાવ્યુ કે, હાલમાં દરેક તાલુકામાં સીએચસી અને પીએચસી ખાતે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી અને લોકોના સમયની અનુકુળતા મુજબ રસીકરણ કામગીરી ચાલુ જ રહેશે. આ ઉપરાંત જિલ્લાના તમામ લોકોને ઓગષ્ટ -2021ના અંત સુધીમાં 100 ટકા રસીકરણની કામગીરી કરવામાં આવશે.

બીજી તરફ શુક્રવારે જિલ્લામાં 93 કેન્દ્રો પર રસીકરણ યોજાતા સાંજના 7 કલાક દરમિયાન 13005 લોકોએ રસી લીધી હતી. અત્યાર સુધીમાં 7,35,447 લોકોએ પ્રથમ ડોઝ, 1,32,603 લોકોએ બીજા ડોઝ સાથે કુલ 8,68,050 લોકોનું રસીકરણ થયુ હતુ. આ કુલ રસીકરણમાં 4,55,565 પુરૂષો અને 4,12,345 મહિલાઓને આવરી લેવાયા હતા. જેમાં કોવિશિલ્ડની 7,59,306 તેમજ કોવેક્સિનનો 1,08,744 રસીનો ઉપયોગ કરાયો હતો. હાલમાં પણ જિલ્લાના યુવાનો રસી માટે આગળ આવતા 4,30,730 લોકોએ રસી લીધી હતી. જેની સામે 45-60ની વયના 2,59,519 તેમજ 60થી ઉપરના ઉંમરના 1,77,801 લોકોએ રસી લીધી હતી.

મૂળીનાં 100 ટકા રસીકૃત 14 ગામો
તાલુકા હેલ્થ ઓફિસર દર્શન પટેલ સ્થાનિક સરપંચો અને આરોગ્ય સ્ટાફની જહેમત દ્વારા સતત પ્રયત્નો કરી મૂળીનાં ગોદાવરી, ટીડાણા, ટીકર, ગૌતમગઢ, ગઢાદ, હેમતપર, વિરપર, સુજાનગઢ, સિધ્ધસર સહિત 14 ગામોમાં 100 ટકા રસીકરણ કરાયું હતું.

પાટડીના રૂસ્તમગઢને 100 % રસીકરણ અંતર્ગત સન્માનપત્ર આપવામાં આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું રૂસ્તમગઢ ગામને “મારુ ગામ રસીકરણયુક્ત ગામ” અંતર્ગત 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું જેના બદલ ગુજરાત સરકાર તરફથી ડીડીઓ અને કલેકટરના સહયોગથી દશાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષના મેડિકલ ઓફિસર ડો.અનિતાબેનના હસ્તે રૂસ્તમગઢ ગામના સરપંચ નજમાબેન મહેબૂબભાઈ કુરેશીને સન્માનપત્ર આપવામાં આવ્યું હતુ.

1230 લોકોનું ટેસ્ટિંગ, એક પણ કેસ નહીં
જિલ્લામાં શુક્રવારે 1230 લોકોનું કોરોના માટે ટેસ્ટીંગ કરાયુ હતુ. જેમાં આરટીપીસીઆરના 1108 તેમજ એન્ટિજનના 122 ટેસ્ટ કરાયા હતા. પરંતુ શુક્રવારે પણ જિલ્લામાં એકપણ કોરોના કેસ ધ્યાને આવ્યો ન હતો. જ્યારે બીજી તરફ હાલમાં પણ હોમ આઇસોલેશનમાં એકપણ દર્દી ન હોવાનું બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...