મહિલામાં રોષ:મૂળીના ભોજપરામાં પીવાનું પાણી ન મળતાં મહિલાઓએ તાલુકા પંચાયત ગજવી

મૂળી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવેદન લેવા કોઈ અધિકારી હાજર ન હોવાથી મહિલામાં રોષ

દિગસર પાસેના ભોજપરા વિસ્તારમાં 100થી વધુ લોકો 30 વર્ષથી રહે છે. આ વિસ્તારમાં પીવાનાં પાણીની સુવિધા ન હોવાથી શુક્રવારે તાલુકા પંચાયતે લોકો આવ્યા હતા પરંતુ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી રોષે ભરાયેલી મહિલાઓએ તાલુકા પંચાયત કચેરી ગજવી હતી.

મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા હંમેશા જોવા મળે છે. મૂળી તાલુકાના દિગસર પાસે આવેલું ભોજપરા ગામ 30 વર્ષથી વસ્યું છે પરંતુ ત્યાં પીવાનાં પાણીની કોઈ જ વ્યવસ્થા જ ન હોવાથી 25થી વધુ પરિવારના 100થી વધુ લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે, જેથી આ વિસ્તારની 20થી વધુ મહિલા મૂળી તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવા અને આવેદન આપવા ગઈ હતી પરંતુ કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને તાલુકા પંચાયત ગજવી હતી.

આ અંગે રજૂઆત કરવા આવેલાં કાજલબહેન, બી. એમ. રાઠોડ, નીતાબહેન, કલ્પનાબહેન સહિતનાએ જણાવ્યું હતું કે અમે ૩૦ વર્ષથી અહીંયાં રહીએ છીએ અને બહારથી પાણી લાવવું પડે છે. હાલ રેલવેની લાઇન ઇલેક્ટ્રિક થતાં ત્યાંથી પસાર થવામાં જીવનું જોખમ હોવાથી તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરાય તેવી અમારી માંગ છે. ભોજપરાના લોકોએ તંત્ર દ્વારા 7 દિવસમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...