ખેડૂત અહિતરક્ષત સમિતિ:કુંતલપુર ગામે પ્રચાર માટે પ્રવેશબંધી ફરમાવાતાં ખેડૂત હિતરક્ષક સમિતિને સરકારનું હિત દેખાવા લાગ્યું

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ સમિતિ જ બદલી નાખવાનો વીડિયો જારી કરી વિરોધ કર્યો, પ્રમુખ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા મક્કમ રહેતાં સમિતિમાં ફાંટા - Divya Bhaskar
ખેડૂતોએ સમિતિ જ બદલી નાખવાનો વીડિયો જારી કરી વિરોધ કર્યો, પ્રમુખ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા મક્કમ રહેતાં સમિતિમાં ફાંટા
  • ખેડૂતોની સાથે રહેવાને બદલે સમિતિના મહામંત્રીએ ભાજપ કાર્યાલયે બેસીને સરકાર તરફી મતદાન કરવા અપીલ કરતો વીડિયો બનાવ્યો
  • કાર્યાલયેથી... ભાજપમાં પાંખી હાજરી, કોંગ્રેસમાં તાળાં

મૂળી જિલ્લામાંથી નર્મદાનું પાણી સમગ્ર સૌરાષ્ટ્રને આપવામાં મૂળી વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકાનાં 31 જેટલાં ગામોને નર્મદાનું પાણી મળતું નથી ત્યારે અગાઉ કુંતલપુર ગામે મૂળી, વઢવાણ, ધ્રાંગધ્રાનાં 31 ગામોના ખેડૂતોએ બેઠક યોજીને નર્મદાનાં પાણી માટે કાંઈ પણ કરવા તૈયારી દેખાડી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલયે કાર્યકરોની પાંખી હાજરી જણાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલયે કાર્યકરોની પાંખી હાજરી જણાઇ હતી.

ત્યારે મંગળવારે કુંતલપુર ગામે ચૂંટણીમાં રાજકીય નેતા માટે પ્રવેશબંધીનાં બેનરો લાગતાં દોડધામ મચી હતી ત્યારે બુધવારે ખેડૂત હિતરક્ષક સમિતના મહામંત્રીએ ભાજપ કાર્યાલય ખાતેથી વીડિયો બનાવી ખેડૂતોને ભાજપના સમર્થનમાં મતદાન કરવા સાથે બેનરો ન લગાવવા અનુરોધ કર્યાનો વીડિયો ફરતો કર્યો હતો. આ વીડિયોથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે અને ખેડૂતોએ હિતરક્ષક સમિતિને બદલી નાખવા સહિતના વીડિયો ફરતા કર્યા હતા.

કોંગ્રેસ કાર્યાલયે બુધવારે સાંજે તાળાં લાગેલા હતા.
કોંગ્રેસ કાર્યાલયે બુધવારે સાંજે તાળાં લાગેલા હતા.

સાથે જ સમિતના પ્રમુખે મતદાનનો બહિષ્કાર નહીં પરંતુ સરકાર વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજનાની પાઇપલાઇન પસાર થાય છે અને સમગ્ર સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડાય છે. આથી મૂળી, વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકાનાં 31 ગામોનાં તળાવો કે ચેકડેમો તેમાંથી ભરી આપવામાં આવે તેવી માગણી 5 વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે.

લીંબડી બેઠકમાં ત્રણેય પક્ષોની સ્થિતિ જુદી જુદી
લીંબડી બેઠકમાં ત્રણેય પક્ષોની સ્થિતિ જુદી જુદી

જોકે માગણી ન સંતોષાતાં મંગળવારે કુંતરપુર ગામમાં ‘રાજકીય નેતાને ગામમાં પ્રવેશ નહીં’નાં બેનરો લાગ્યાં હતાં. બીજી તરફ બુધવારે ખેડૂત હિતરક્ષક સમિતના મહામંત્રીએ સરકારના સમર્થનમાં મતદાન કરવા વીડિયો થકી અપીલ કરી હતી. આથી નારાજ ખેડૂતોએ હિતરક્ષક સમિતિની જાટકણી કાઢતો વીડિયો તેમજ હિતરક્ષક સમિતના પ્રમુખ દ્વારા સરકાર વિરુદ્ધમાં મતદાન કરવાનો નિર્ણય કરાતાં જાણે વીડિયોયુદ્ધ જામ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો.

ભાજપ સમર્થનમાં ખેડૂતોએ મતદાન કરવું
ઘણા સમયથી 31 ગામના ખેડૂતો પાણીની માંગણી કરતા હતા, જે હજુ મળ્યું નથી. પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખે ચૂંટણી બાદ સાથે રહીને પાણી અપાવવાની ખાતરી આપી છે. આથી જે બેનર અને ચૂંટણી બહિષ્કારનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખ્યો છે. અને 31 ગામના સરપંચો ભાજપ સાથે છે અને રહીશું.’ > ભાણજીભાઈ શેખાવા, મહામંત્રી, ખેડૂત હિતરક્ષક સમિતિ
સરકાર વિરુદ્ધમાં જ મતદાન કરીશું
જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અત્યારે આચારસંહિતામાં વાયદા કરાય છે. અત્યાર સુધી ક્યાં ગયા હતા? તેમજ અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી ત્યારે આગામી દિવસોમાં મહાપંચાયત બોલાવી ગામડે ગામડે બેઠકો કરી સરકાર વિરુદ્ધમાં મતદાન કરી સરકારને બતાવી દઈશું.’ > રતનશી ઠાકોર, પ્રમુખ, ખેડૂત હિતરક્ષક સમિતિ
સમિતિના નિર્ણયથી અમે સહમત નથી
ચૂંટણીને લઈને 2 દિવસથી ગામડાંમાં બેનરો લગાવી દીધાં છે અને જે મહામંત્રી દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી વીડિયો બનાવી ભાજપ સાથે હોવાનું જણાવે છે, તે અમને માન્ય નથી. આગામી સમયમાં પાણી માટે નવી સમિતિ બનાવી લડત ચાલુ જ રાખવામાં આવશે. પહેલાં પાણી અને પછી જ મત મળશે. - રામકુભાઈ કરપડા, ખેડૂત અગ્રણી

વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ કાર્યાલયમાં કાર્યકરોની સામાન્ય હાજરી જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યાલયે તાળાં લાગેલા જોવા મળ્યા હતા. જોકે ઉમેદવાર જાહેર થયા પછી ભીડ વધશે તેવું મનાય છે.

ઉમેદવારની જાહેરાતે આપ ડખે ચડ્યો ભાજપ વગર જાહેરાતે પ્રચારમાં
વિધાનસભાની ચૂંટણીને આડે 21 દિવસ બાકી રહ્યા છે ત્યારે લીંબડી બેઠક જીતવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી લીંબડી બેઠક ઉપર ફક્ત આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે ઉમેદવાર જાહેર થતાં જ આપના અનેક હોદ્દેદારોએ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. હોદ્દેદારોની માગણી નહીં સંતોષાય તો અનેક હોદ્દેદારો રાજીનામાં આપી દેશે, તેવું આપના સહ સંગઠન મંત્રી મેઘરાજસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે. બીજી તરફ ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરાઈ નથી.

તેમ છતાં કેન્દ્રીય મંત્રી કિરીટસિંહ રાણા અને ભાજપના કાર્યકરોએ ગામડે-ગામડે ફરીને બેઠકનો દોર શરૂ પણ કરી દીધો છે. કોંગી કાર્યકરો ઉમેદવારના નામની જાહેરાતની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. લીંબડીની બેઠક પર કૉંગ્રેસ કોળી ઉમેદવારને ટિકિટ આપે, તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ તો કોળી સમાજના યુવાનને ઉમેદવાર જાહેર કરી દીધાં છે તેવામાં જો કૉંગ્રેસ પણ કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપશે તો કોળી મતદારોમાં ફાંટા પડવાની પૂરી સંભાવના છે, જેનો સીધો લાભ ભાજપને મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...