રજૂઆત:મૂળી તાલુકાના ગઢડા ગામે ખનીજ ચોરી બંધ કરાવો: મહિલા સરપંચ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીલેટીન વિસ્ફોટકથી ખાણથી 5 કિમી દૂર સુધી ધ્રુજારી અનુભવાય છે

મૂળી તાલુકાનાં ગઢડા ગામે ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખોદકામ કરી ગૌચર અને ખરાબાની જમીન ખોદી નાખી છે. આથી સ્થાનિક સરપંચ દ્વારા ખનીજ ચોરી અટકાવવા રજૂઆત કરાતા ભૂમાફિયાઓ દોડધામ મચી છે. ગઢડાનાં મહિલા સરપંચ દ્વારા કલેક્ટરને ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે ગઢડા ગામે સરકારી ખરાબાની જમીન અને ગૌચર જમીનમાં સફેદ માટી અને કોલસાની ખાણો ધમધમી રહી છે. અનેક રજૂઆતો કરવાં છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે આ વિસ્તારમાં દરરોજ સફેદ માટીનાં ડમ્પરો 50 ટન ભરી મોરબી તરફ જતા હોય છે.

દરરોજ 200 ટ્રકનાં ફેરા આવી રીતે થાય છે. તેમજ માટી અને કોલસાનું ખોદકામ કરી ગુજરાતનાં વિવિધ ભાગોમાં જાય છે. માટે સરકારને રોયલ્ટી પેટે કરોડો રૂપિયાની નુકસાન થાય છે. ઉપરાંત પશુપાલકોનાં પશુને ગૌચર જમીનમાં ચરીયાણ બંધ થયેલુ છે અને કોલસાની ખાણોમાં કે જે 120 ફૂટ ઉંડાઈ ધરાવે છે તેમાં પશુઓ પડીને મોતને ભેટે છે. માટે પશુપાલકો ચિંતિત બન્યા છે. ખેડૂતોના ખેતરોમાં જવાનાં રસ્તો પણ ખોદી કાઢવામાં આવેલા છે. ખેતર સુધી ખેડૂતોનાં ટ્રેક્ટર જ‌ઈ શકતાં નથી અને કુદરતી વરસાદનાં પાણીનાં વહેણ બદલાઈ ચૂક્યા છે. તેનાં કારણે ઊભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની થઈ રહી છે.

કોલસાની ખાણમાં પાણી ઉલેચવા માટે મોટરો વાપરવામાં આવે છે તેનો પણ વીજચોરી કરી લંગરિયા થકી મોટા પ્રમાણમાં વીજચોરી થ‌ઈ રહી છે. અને કોલસાની ખાણોમાં મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી જીલેટીન વિસ્ફોટક કરવામાં આવે છે તેનાં કારણે ખાણથી 5 કિલોમીટર દૂર સુધી ધ્રુજારી અનુભવાઈ છે. અને મકાનોમાં તિરાડો પડી ગઈ છે. ખેડૂતોને પાણીનાં ટાંકા તૂટી જાય છે. બોર પણ બુરાઈ જાય છે તેનાં કારણે ખેડૂતો વધું આ ખાણોથી હેરાનગતિ અને આર્થિક નુકસાની વેઠવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્ગવાહી કરી ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...