મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા પરિવારનાં પુત્રએ જામખંભાળીયાનાં કલ્યાણપુર ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબધમાં ભાગી ગયા હતા. જેથી યુવતીનાં પરિવારજનો અને અન્ય 2 શખસ દ્વારા સરલા ગામેથી યુવકનાં પિતા અને મિત્રને ગાડીમાં બેસાડી માનસિક ત્રાસ આપવાથી મોત થયાનાં આક્ષેપ સાથે મૃતદેહને મૂળી હોસ્પીટલ લઇ જવાયો છે.
મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા દેવજીભાઈ જેસીગભાઈ બાવળીયાનાં પુત્ર અમિતને જામખંભાળીયાના કલ્યાણપુર ગામે રહેતી પરણિત યુવતી સાથે પ્રેમસંબધ બંધાતા બન્ને જણા થોડા પહેલા ભાગી છૂટ્યા હતા. જેથી યુવતીનાં સગા દ્વારા ગુરુવારે વહેલી સવારે અમિતનાં પિતા દેવજીભાઇ બાવળીયા તેમજ તેનાં મિત્ર દિપકભાઇને ગાડીમાં બેસાડી દુધઇ વાડીમાં તેમજ સરલા ગામે કારખાનામાં લઇ જઇ માનસિક રીતે હેરાન પરેશાન કરતા બન્ને જણા હતપ્રત બની ગયા હતા.બાદમાં કોઇ કારણસર દેવજીભાઇનું મોત નિપજતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી અને સ્થાનિક સરપંચ રાજુભાઇ મટુડીયા સહિત સગાવ્હાલા હોસ્પિટલ દોડી ગયા અને મૃતદેહનો પેનલમાં પીએમ કરવાની માગ કરી હતી.
મૃતકના પુત્ર સંજયભાઈએ જણાવ્યું કે, પિતાજીને કોઇ બિમારી હતી નહી. સવારે 4 શખસ પોલીસની ઓળખ આપી ગાડીમાં લઇ ગયા. સાંજે મને ફોન આવ્યો કે તારા પિતાજીનુ મોત થયું છે. પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય, પીએમ પેનલમાં કરાય તેવી માગ છે.
આખો દિવસ ભૂખ્યા રાખી માનસિક ત્રાસ આપ્યો હતો
હું સવારે ઘરે સૂતો હતો ત્યારે 4 અજાણ્યા શખસ મારા ઘરે આવ્યા હતા અને મને તેમજ દેવજીદાદાને ગાડીમાં બેસાડી દુધઇ વાડીમાં અને બાદમાં સરલા કારખાને લઇ ગયા. જ્યાં અમને ખૂબ જ માનસિક ત્રાસ આપી આખો દિવસ ભૂખ્યા રાખી પરેશાન કરાયા હતા. બાદમાં હરજીદાદાને શ્વાસ ચઢવા લાગ્યો હતો. મને તેમજ દાદાને તે અજાણ્યા ચારેય લોકો હોસ્પિટલ ઉતારીને જતા રહ્યા હતા. - દીપકભાઇ, યુવક સરલા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.