વૃદ્ધાનું મોત:મૂળીમાં ગાયને હડકવા ઉપડતાં 5થી વધુને અડફેટે લીધા

મૂળી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ, તેમની ટીમે ગાયને બાંધતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો

મૂળીમાં ગાયને હડકવા ઉપડ્યા બાદ આમતેમ દોડવા લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જેથી 5થી વધુ લોકોને અડફેટે લેતા નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે ચારણ પામાં રહેતા વૃધ્ધાને ગંભીર ઇજા બાદ મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે સરપંચ અને તેમની ટીમે ગાયને બાંધતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મૂળી તાલુકામાં અવાર નવાર પશુને હડકવા ઉપડવાનાં બનાવો સામે આવતા હોય છે. ત્યારે શનિવારે બપોર બાદ 1 ગાયને હડકવા ઉપડતા વાસાણી પા, લીમલી પા, ચારણ પા સહિતનાં વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે ભોગદોડ કરતી ગાયે 5થી વધુ લોકોને અડફેટે લેતા નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.

જ્યારે ચારણપા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધા સીતાબા જોરૂભા પરમારને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મૂળી અને બાદમાં સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સીતાબાનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ મૂળી સ્વામિનારાયણ મંદિરમાં રસોયાને માથાનાં ભાગે ઇજાઓ પહોંચતા 9 જેટલા ટાંકા આવ્યા હતા. સ્થાનિક સરપંચ લક્ષમણસિંહને જાણ થતા તેમની ટીમ અને લીમલી પાનાં યુવકો દ્વારા ભારે જહેમત બાદ ગાયને બાંધી કબજે કરાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...