મૂળી મામલતદાર કચેરીમાં જાણે રામરાજને પ્રજાસુખી હોય તેમ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં જવાબદાર એટીવીટી શાખામાં 11:30 જેટલો સમય થવા છતાં મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન થતા એફિડેવિટ અને અન્ય કામ અર્થે આવેલ લોકોનાં કામો ટલ્લે ચડતા અરજદારોમાં રોષની લાગણી ફેલાઇ હતી.
મૂળી તાલુકામાં આવેલ સરકારી કચેરીનાં બાબુઓ જાણે પોતાની મનમાની ચલાવતા હોય તેમ ગમે તે સમયે આવવું અને જવું તેમના માટે રોજીંદુ બની ગયું હોય તેમ અનેક વખત ફરિયાદો ઊઠે છે. જ્યારે હાલમાં મામલતદારની પોસ્ટ ચાર્જ પર હોવાથી કર્મચારીને તો મોકળું મેદાન મળી ગયું અને રામ રાજને પ્રજા સુખી હોય તેમ સમયસર હાજર ન રહેતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. ત્યારે મંગળવારે એટીવીટી શાખામાં 11:30 થવા છતાં જવાબદાર અધિકારી હાજર ન થતાં 50થી વધુ અરજદારને બેસવાનો વારો આવ્યો.
એફિડેવિટ સહિતની કામગીરી ટલ્લે ચડતા અરજદારોમાં રોષની લાગણી ફેલાઇ હતી. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગ કરાઇ હતી. આ અંગે અરજદારો બ્રિજરાજસિંહ, હરજીવનભાઇ, રેણુંકાબેન સહિતનાએ જણાવ્યુ કે અમે કામ માટે સવારથી આવ્યા છીએ પરંતુ 1 કલાકથી વધારે સમય છતા કોઇ અધિકારી આવ્યા નથી. જેથી જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.