મૂળી તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ખૂબ જ મોટી ઘટ જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા ઘટ ધરાવતી શાળામાં ઓરડા ફાળવાય તેવી વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા છે. હાલ ઓરડા ઓછા હોવાથી વિદ્યાર્થીઓને નછૂટકે ખુલ્લામાં કે લોબીમાં બેસવું પડે છે. હાલ સમગ્ર ગુજરાતમાં શિક્ષણે લઇ વિવિધ સ્ટેટમેન્ટો અને શિક્ષણની કથળતી સ્થિતને લઇ વિવિધ બાબતો સામે આવી રહી છે ત્યારે મૂળી તાલુકામાં દિવ્ય ભાસ્કર દ્વારા સમગ્ર તાલુકામાં ઓરડાની ઘટને લઇ સરવે હાથ ધર્યો હતો.
જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મૂળી તાલુકામાં ૮૬ પ્રાથમિક શાળા આવેલ છે. હાલ ૮૫ જેટલા ઓરડાની ઘટ જોવા મળી હતી. સૌથી વધુ ઓરડાની ઘટ સરલા ગામે 7 ઓરડા તેમજ દાણાવાડ ગામે 5 ઓરડાની ઘટ સામે આવી. જ્યારે ઓરડા ઓછા હોવાના કારણે વિદ્યાર્થીઓને ન છૂટકે બહાર ખુલ્લામાં કે લોબીમાં બેસવાની ફરજ પડી રહી છે અને જેની અસર તેમના શિક્ષણ પર પડી રહી છે.
જેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી નવા ઓરડા મંજૂર કરાય તેવી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો માગ કરી રહ્યા છે. આ અંગે સુજાનગઢ ગામનાં સરપંચ ભૂપતભાઇ ઉદેશાએ જણાવ્યું કે સુજાનગઢ શાળામાં ઓરડાની ઘટ હોવાથી બાળકો મેદાનમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે તેમજ 2016-17માં રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.