તંત્ર દોડતું થયું:યુવાનને શોધવામાં 2 કલાક ગામ ગાંડું થયું ને તે ઘરે સૂતો હતો

લીંબડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવાન ડુબી જવાના સમાચારથી તંત્ર દોડતું થયું હતુ. - Divya Bhaskar
યુવાન ડુબી જવાના સમાચારથી તંત્ર દોડતું થયું હતુ.
  • લીંબડીના તળાવમાં યુવાન ડૂબી જવાના સમાચારથી તંત્ર દોડતું થયું

લીંબડી શહેરના તળાવમાં યુવાન ડુબી જવાનાં સમાચાર મળતા તંત્ર દોડતું થયું હતું. તરવૈયાઓએ 2 કલાક તળાવમાં યુવકની શોધખોળ કરી પરંતુ તેનો પતો નહીં લાગતાં સાયલાથી SRDFની ટીમ બોલાવવામાં આવી હતી. પરંતુ યુવાન ઘરે સુતો મળી આવ્યો હતો.

લીંબડી શહેરના મફતિયાપરા વિસ્તારમાં દશામાના મંદિર પાછળ રહેતો ગોપાલ ગોટિયા રાણી તળાવમાં માછલી પકડવા પડ્યો હતો. તળાવના ઘાટે કપડા ધોતી સ્ત્રીઓએ યુવાનને તળાવમાં ધુબકો મારતા જોયો. ઘણો સમય થવા છતાં યુવક બહાર નહીં નીકળતાં કે તળાવમાં નહીં દેખાતા ડૂબી ગયો હોવાની શંકા ગઈ હતી. આ અંગે મહિલાઓએ સ્થાનિક તંત્રને જાણ કરતાં મામલતદાર, પાલિકા, પોલીસ સહિત કચેરીથી કર્મીઓ દોડી આવ્યા હતા.

સ્થાનિક તરવૈયાઓને બોલાવી યુવાનની શોધવા કવાયત હાથ ધરી હતી. યુવાનના ડૂબવાના સમચાર શહેરમાં ફેલાતાં લોકો તળાવની પાળે પહોંચી ગયા હતા. ગુમ યુવકના માતા-પિતા અને પરિવારજનોએ તળાવના કિનારે રોકકળ મચાવી દીધી હતી.

2 કલાકની જહેમત બાદ યુવાનનો કોઈ પતો નહીં લાગતાં સાયલાથી SRDFની ટીમ બોલાવવામાં આવી હતી. SRDFની ટીમ તળાવમાં ઉતારવાની તૈયારી કરી ત્યાં કોઈએ સમાચાર આપ્યા હતા કે જે ગોપાલ ગોટિયાને તળાવમાં શોધવા 2 કલાકથી ગામ ગાંડુ થયું છે તે તો તેના ઘરે સૂતો છે.

ગોપાલ જીવતો મળી આવતાં તેના પરિવારજનો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.ગોપાલને આ અંગે પૂછતા તેણે જણાવ્યું કે હું પોતે તરવૈયો છું બીજાને ડૂબતા હોય તેમને બહાર કાઢવા જાઉ છું મેં તળાવના છેડેથી ધૂબકો મારી સામે કિનારે નીકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...