સેવાની સજા:દારૂ પીને પકડાયેલા તત્કાલીન તલાટીને લીંબડીમાં કોર્ટમાં સફાઈ, હૉસ્પિટલમાં સેવા કરવાનો કોર્ટનો આદેશ

લીંબડી8 દિવસ પહેલાલેખક: પૃથ્વીરાજસિંહ ઝાલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લીંબડીમાં 2012માં તલાટીએ 7 માસની સજાને પડકારી હતી

ગુનો પુરવાર થાય એટલે કોર્ટમાંથી કેદની જ સજા મળે, તેવી સામાન્ય માન્યતા હોય છે પરંતુ લીંબડીના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે એક ગુનામાં નિવૃત્ત તલાટીને સેવા કરવાની સજા કરી છે! ફરજ દરમિયાન દારૂ પીતાં પકડાયેલા તલાટીને 1 મહિનો લીંબડી કોર્ટમાં સફાઈ, વૃક્ષોને પાણી પીવડાવવાની, 1 મહિનો હૉસ્પિટલમાં દર્દીઓની સેવા કરવી પડશે.

લીંબડીમાં કોર્ટની સ્થાપના પછી સેવાની સજા કરવાની પ્રથમ ઘટના
નીચલી કોર્ટે આપેલી 7 મહિનાની કેદની સજાને પૂર્વ તલાટીએ પડકારતાં અદાલતે સજાનું સ્વરૂપ બદલ્યું હતું. લીંબડીમાં કોર્ટની સ્થાપના પછી સેવાની સજા કરવાની આ પ્રથમ ઘટના છે. 15 જૂન, 2012એ તત્કાલીન તલાટી મોહનભાઈ નરશીભાઈ રાઠોડ લીંબડી તાલુકા પંચાયત કચેરી પાસે દારૂ પીને જાહેરમાં બકવાસ કરતાં, લથડિયાં ખાતાં જોવા મળતા પોલીસે ઝડપી પાડ્યા હતા.

નીચલી કોર્ટમાં કેસ ચાલી ગયો
લીંબડી પોલીસે પ્રોહિબિશન ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા નીચલી કોર્ટમાં કેસ ચાલી ગયો હતો, જેમાં 12 ડિસેમ્બર, 2019એ કોર્ટે મોહન રાઠોડને કલમ 66(1) Bના ગુનામાં 6 માસની સાદી કેદ, 85(1) (3)ના ગુનામાં 1 માસની સાદી કેદની સજા , 2,500નો દંડ ફટકાર્યો હતો. નીચલી કોર્ટના આ ચુકાદા સામે મોહન રાઠોડે લીંબડી ડિસ્ટ્રિક્ટ એડિશનલ કોર્ટમાં વકીલ બી. એમ. ઝંડાડિયા દ્વારા અરજી દાખલ કરાવી હતી. 10 જાન્યુઆરી 2020એ કેસ દાખલ થતાં ડિસ્ટ્રિક્ટ એડિશનલ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી.

જેલની સજાને બદલે સમાજ સેવા કરવાની સજા
આરોપી 31 ઑગસ્ટ, 2021એ નિવૃત્ત થયા હતા. દરમિયાન મોહન રાઠોડે દારૂ પીવાની આદત છોડી દીધી હતી. 61 વર્ષના સિનિયર સિટીઝન હોવાથી વકીલે કોર્ટ સમક્ષ આરોપીને જેલની સજાને બદલે સમાજ સેવા કરવાની સજા આપવા રજૂઆત કરી હતી. સરકારી વકીલ વાય. જે. યાજ્ઞિકની દલીલોને ધ્યાને રાખીને કેસ દાખલ થયાના 2 વર્ષ 6 માસ, 20મા દિવસે ચોથા એડિશનલ સેશન્સ જજ મમતા ચૌહાણે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

કોર્ટ પ્રાંગણમાં વૃક્ષોને પાણી પીવડાવવાની સજા આપી
આરોપી મોહન રાઠોડને નીચલી કોર્ટે 6 મહિના કેદની કરેલી સજાને બદલે લીંબડીની જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં 5 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીના 1 મહિના દરમિયાન સવારે 9:30થી 1 વાગ્યા સુધી અને સાંજે 4થી 6 વાગ્યા સુધી સફાઈકામ, કોર્ટ પ્રાંગણમાં વૃક્ષોને પાણી પીવડાવવાની સજા આપી હતી. સાથે જ 1 માસની કેદની સજાના બદલામાં 4 સપ્ટેમ્બરથી 3 ઑક્ટોબર એટલે કે 30 દિવસ સુધી આરોપીને લીંબડી સરકારી હૉસ્પિટલમાં સવારે 9:30થી 1 વાગ્યા સુધી અને સાંજે 4થી 6 વાગ્યા સુધી દર્દીઓની સેવા કરવાની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...