લીંબડી તાલુકાના ભથાણ ગામે કમળાના 20 જેટલા કેસો નોંધાતાં તંત્ર દોડતું થઈ ગયું છે. હવાડા પાસેની ગટરનું પાણી સમ્પમાં ભળી જતાં રોગચાળો ફેલાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભથાણ ગામે પીવાનાં પાણીના સમ્પની બાજુમાં રહેલી ગટરનું પાણી ભળી જતાં 20 જેટલાં બાળકોમાં કમળાના રોગનાં લક્ષણો જોવા મળતાં ચકચાર મચી છે.
ભથાણ ગામે પાણીજન્ય રોગચાળો વકરતાં 10થી 18 વર્ષ સુધીનાં 20 જેટલાં બાળકો કમળાના રોગમાં સપડાયા છે. ભથાણના ગ્રામજનોએ આ અંગે તંત્રને જાણ કરતાં મામલતદાર જે. આર. ગોહેલ, એટીડીઓ હરદેવસિંહ ઝાલા, જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ભથાણ ગામે દોડી આવી હતી.
રોગચાળો વકરતો અટકાવવા તાબડતોબ કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. ભથાણ ગામે 42 જેટલા લોકોમાં કમળાના શંકાસ્પદ લક્ષણો જણાતાં આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓના લોહીના નમૂના લઈ ગામમાં ક્લોરિનેશનની કામગીરી હાથ ધરી હતી. ગામમાં પીવાના પાણીનો સમ્પ તાબડતોબ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ
ભથાણ ગામે પીવાના પાણીના સંપ નજીક હવાડા પાસે થતી ગંદકીનું પાણી લીકેજ દ્વારા સંપમાં ભળતા પાણીજન્ય કમળાના કેસો નોંધાયા છે. તંત્ર દ્વારા રોગચાળો નિયંત્રણમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ પરિસ્થિતિ કાબુમાં છે.’ -જે. આર. ગોહેલ, મામલતદાર, લીંબડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.