લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના નાની કઠેચી ગામમાં પાણીની દારુણ સમસ્યા ઊભી થઈ છે. ગામમાં પાણી પૂરું પાડવા સરકારે 2 બોર, નર્મદાની પાઇપલાઇન અને વિઠ્ઠલગઢથી આદી જૂથયોજના હેઠળ પાણીની લાઇન નાખી છે. ઉપરાંત, 4 જળસ્રોત ઊભા કર્યા છે છતાં ગ્રામજનોને પાણી માટે વલખાં મારવા પડે છે.
કેબિનેટ મંત્રીનાં તાલુકામાં પ્રજા રામ ભરોસે
પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી, લીંબડીના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના તાલુકામાં આવતું હોવા છતાં નાની કઠેચીમાં લોકો હાડમારી ભોગવે છે. ભગીબહેન કહે છે કે શહેરના લોકો જે પાણીથી ન્હાતા પણ નહીં હોય એ પાણી પીને અમે દિવસ કાઢીએ છીએ. ગામમાં 1 સમ્પ અને 1 હોજ છે. બંનેમાં 3 ટૅન્કર ઠલવાય છે. 13 હજાર લોકો અને 6 હજાર માલઢોર 60 હજાર લિટર પાણીના ભરોસે જીવન ગુજારે છે. ગ્રામજનો જીવના જોખમે સમ્પમાંથી બેડાં વડે પાણી સીંચે છે. ગામલોકો કહે છે કે લીંબડી અને પાટડી વિધાનસભાના ધારાસભ્યોના વિસ્તારમાં ચૂંટણીમાં ગાડી મોકલે છે પણ પાણીની વાત આવે ત્યારે ભાજપ કે કૉંગ્રેસવાળા એક પણ નેતા ડોકાતા નથી.
નર્મદા લાઇનમાં ગેરકાયદે જોડાણો
ગેરકાયદે જોડાણોને કારણે અમને પાણી મળતું નથી નર્મદા લાઇનમાં પાણી ઓછું આવે છે. 2 બોર છે. 1 બોરની મોટર બળી ગઈ છે. વિઠ્ઠલગઢથી જે લાઈન નાંખવામાં આવી છે તેમાં મોટી કઠેચી ગામના લોકોએ ગેરકાયદે કનેક્શનો લઈ લેતા અમારા ગામ સુધી પાણી પહોંચી શકતું નથી. મેં ટીડીઓ પાસે પાણીના વધુ ટેન્કરની માગ કરી છે.’ - બચુભાઈ સાપરા, સરપંચ, નાની કઠેચી
પાણીની સમસ્યા દુર કરવા ખાત્રી આપી
ગામમાં શનિવારથી 5 ટેન્કર પાણી મોકલાવીશું ‘નાની કઠેચી ગામે હાલ 3 ટેન્કરમાં 60 હજાર લિટર પાણી પહોંચાડાય છે, જે ગામની વસ્તી માટે પુરતું હતું. ગામમાં લગ્ન પ્રસંગો હોવાથી પાણીની ઘટ પડી હશે. શનિવારથી નાની કઠેચી ગામે 5 ટેન્કર એટલે 1 લાખ લિટર પાણી પહોંચાડીશું. લીંબડી તાલુકાના કોઈપણ ગામમાં પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે અમે પુરતી તકેદારી રાખી રહ્યા છીએ.’ - એચ. જી. ઝાલા. Ad. TDO, લીંબડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.