લીંબડી શહેરની વિપુલ સોસાયટી નજીક ઓમનગરમાં રહી ભીમનાથ સોસાયટી પાસે સસ્તા ભાવની અનાજની દુકાન ચલાવતા યુવાનનું અપહરણ થયાની રાવ ઉઠતા ચકચાર મચી જવા પામી છે. અપહરણ થનારના પુત્રએ લીંબડી પોલીસ મથકે પિતાના ગુમ થયા અંગેની અરજી દાખલ કરાવી હતી. પોલીસ ટીમે ભોગ બનનારને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
લીંબડી શહેરના ઓમનગર વિસ્તારમાં રહેતા જૈનમ વિજયભાઈ મકવાણાએ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ભીમનાથ સોસાયટી પાસે સસ્તા ભાવની અનાજની દુકાન ચલાવતા મારા પિતા વિજયભાઈ ઈશ્વરભાઈ મકવાણાના મોબાઈલ ફોન પર સવારે 8 વાગ્યે કોઈનો ફોન આવ્યો હતો.
ત્યારબાદ તેઓ બાઈક લઇને ઘરની બહાર નીકળી ગયા હતા. હું ઘરની બહાર આવ્યો ત્યારે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અમુક શખસો તારા પિતા વિજયભાઈ મકવાણાને કારમાં બેસાડી ઉઠાવી ગયા છે. ત્યારબાદ અમે લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો ક્યાંય પણ પતો લાગ્યો નહોતો. તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવે છે. પોલીસે જાણવા જોગ અરજી અનુસંધાને ગુમ થનાર વિજય મકવાણાની શોધખોળ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.